દ્વારિકાથી કચ્છ... કેટલાક અનોખા ઉત્સવો

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Thursday 04th January 2024 01:36 EST
 
 

મોટેભાગે બને છે એવું કે દૂર, સુદૂરની કેટલીક સાંસ્કૃતિક ઘટનાઓની વિશેષતા આપણાં સુધી પહોંચતી નથી. શું તેનું કારણ માત્ર ભૌગોલિક દૂરી છે કે પછી સંસ્કૃતિ-બોધમાં આવી ગયેલી સીમા પણ છે?
વીતેલા સપ્તાહે 24 ડિસેમ્બરે પશ્ચિમી સમુદ્રકિનારે દ્વારિકામાં કોઈપણ પ્રકારના વ્યાવસાયિક હેતુ વિના આહીર મહારાસની સંસ્થાએ 50000 આહીર મહિલાઓના મહારાસનું આયોજન કર્યું હતું અને દોઢ લાખ દર્શકો, જેમાં મુખ્યત્વે આહીર સમાજના લોકો દેશભરમાથી આવ્યા હતા.
કોણ આ આહિરો? સૌરાષ્ટ્રમાં જેમને આયર નામે ઓળખવામાં આવે છે તે આ સમુદાય. અમારા સંશોધક મિત્ર પ્રા.નિસર્ગ આહીરે ગણતરી કરી આપી છે કે ઈસવી સાન પૂર્વેની આ જાતિ આભીર તે આહીર -આયર. મહાભારતનો કૃષ્ણ અને તેની નારાયણી સેનાનો નિર્દેશ મળે છે. ગોકુળ મથુરાથી નીકળી દ્વારિકા સુધી શ્રીકૃષ્ણ પહોંચ્યા ત્યારે વચ્ચે ધરણીધર,થરા વગેરે સ્થાનોએ થોભયા ત્યાં આહીરોના તીર્થ છે. સૌરાષ્ટ્રમાં 10 પેટા જાતિ અને અન્ય પ્રદેશોમાં બુઈજી. સોરઠિયા, મચ્છોયા, વાગડિયા, નાઘેરા, પાવથરીયા જેવા નામ સ્થાનો પરથી આવ્યા. હમણાં હું જુનાગઢના પ્રવાસે હતો. તેના રા’મંડલિક અને રા’નવઘણ વિષેની એક સંશોધન કથા આ કોલમમાં આપી હતી તેના સંદર્ભે જાણવા મળ્યું કે સોરઠિયા આહીર રા’નવઘણના વંશમાથી આવ્યા છે. રા’ગંગાજળિયો જેવા નામથી ખ્યાત માંડલિક ચુડાસમા હતા. આંધ્ર, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરલ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, પંજાબ, રાજસ્થાન, ત્રિપુરા., ઉત્તરપ્રદેશ, બંગાળ સુધી આહીરો અલગ અલગ ઓળખ સાથે સ્થાયી થયા છે. આસામના મુખ્યમંત્રીએ તો હમણાં કહ્યું કે શ્રીકૃષ્ણ અમારા પ્રદેશના જમાઈરાજ છે. અસમી પ્રજાનું સાહિત્ય અને લોકકથા કહેચે કે ભીષ્મક-પુત્રી રુકિમણિએ દુનિયાનો પહેલો પ્રેમપત્ર દ્વારિકા-નિવાસી શ્રીકૃષ્ણને લખ્યો હતો. તેજપુરની નજીક અગ્નિગૃહમાં અનિરુદ્ધ પત્ની ઉષાનું બાળપણ વીત્યું હતું. પૂર્વોત્તરથી પશ્ચિમ સમુદ્ર કિનારે દ્વારિકામાં આવીને ઉષાએ હલ્લીસકનું રૂપાંતર રાસમાં કરી આપ્યું. આજનું ઓખા તે ઉષાનો અપભ્રંશ છે. અર્જુનની પ્રેયસી ચિત્રાંગદા મણિપુરની અને ઉલૂપી નાગાલેંડની.
જુઓ તો ખરા, કે આપણા રાસની પણ કેવી વિસ્તાર-લીલા છે? ગરબાને આંતરરાષ્ટ્રીય વારસો ગણવાયો તેનો પ્રથમ “ગરબો” રચનારો બહુચરાજીનો પરમ ભક્ત વલ્લભ હતો. ડભોઈના કવિ દયારામે કૃષ્ણ, રાધા, ગોપીઓને ધરતી પર ગરબી સ્વરૂપે ઉતાર્યા. શિવાનંદ પંડયાએ જય આદયાશક્તિ જેવી અજરઅમર આરતી આપી.
આ રાસનૃત્યનો સંબંધ બ્રહ્માંડની રચના અને પ્રકૃતિની સાથે છે.સૂક્ષ્મ નજરે જુઓ તો સમગ્ર બ્રહ્માંડ એક મહારાસમાં વ્યક્ત થઈ રહ્યું છે. કૃષ્ણે તેને રાસના માધ્યમથી વાચા આપી અને ભગવાન શિવે તાંડવ નૃત્યથી. શાસ્ત્રીય નૃત્ય પરંપરામાં આ બંનેની પ્રતિષ્ઠા છે.
જે રાસ 50000 આહીર સ્ત્રીઓના દેહ-નૃત્યથી દ્વારિકામાં રચાયો તેને આપણી સંગીત અને નૃત્યની પરંપરાનો ઐતિહાસિક ઉત્સવ માનવો જોઈએ. આ રાસની યે વિવિધતા છે. રાસ સ્થાપિત થયો વ્રજમંડલમાં. આકાર લીધો સૌરાષ્ટ્રમાં. પણ તેનું મેઘધનુષ દૂર દક્ષિણ ભારત સુધીનું. ત્યાનું પ્રાચીન નૃત્ય છે કુરાવઈકૂત. તે છે રાસનો પૂર્વવતાર. શ્રીકૃષ્ણે તેની પ્રેયસી “નાપ્પિનૈ” અને ભાઈ બલરામ સાથે આ નૃત્ય કર્યું હતું. નાપ્પિનૈ એ જ રાધા. અને કુરાવઇકૂત એજ રાસ!
અને આ કલાનો જન્મ પણ કેવો અદ્દભુત છે? ઉષા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની. તેના પિતા અસુરનરેશ બાણાસુર. ઉષાએ બાળપણમાં જ ગૌરી પાર્વતિની પાસેથી આ નૃત્યનું શિક્ષણ મેળવ્યું હતું. તેને ઉષાએ લાસ્ય રૂપ આપીને દ્વારિકામાં સ્થાપિત કર્યું. 5000 વર્ષથી પણ પૌરાણિક આ નૃત્ય યાત્રાને દ્વારિકામાં 1923ના વર્ષાન્તે આપણે ત્યાં આહીરોએ આટલી મોટી સંખ્યામાં-અને તે પણ સંપૂર્ણ પારંપારિક વસ્ત્રોમાં- ઉજવી તેને મહાઉત્સવ કહેવો જોઈએ.
 1923ની ઉત્સવ ચર્ચામાં પ્રાચીન નૃત્યથી વર્તમાન સાહિત્યની ઘટનાઓની પણ ચર્ચા કરવી જોઈએ. એક વ્યક્તિની સ્મૃતિમાં લેખકશતક અને પુસ્તકશતકનો સમારંભ થાય તો તે પણ ધ્યાન ખેંચે તેવો છે. કાન્તિસેન શ્રોફ થોડાક સમય પર આપણી વચ્ચે હતા. શતાયુની નજીક કાન્તિસેન એટ્લે કચ્છના “કાકા’. દુષ્કાળના વર્ષોમાં તેમણે કચ્છમાં ચેક ડેમની વ્યાપક પ્રવૃત્તિ આદરી. કચ્છી હસ્તકલાને વૈશ્વિક ઓળખ આપી. હજારો ગરીબ પણ પુરુષાર્થી પરિવારોની હસ્તકળા વિદેશો સુધી આર્થિક વિકાસની પ્રતિનિધિ બની. કાન્તિસેન અને ગોવિંદજી ભાઈ શ્રોફને માટે ઉદ્યોગ પણ દૂર દરાજ ગામડામાં બેઠેલા દરિદ્રનારાયણની ઉપાસનાનો અખંડ પ્રયોગ બની રહ્યો છે.કચ્છના રાજકીય સામાજિક આગેવાન બાબુભાઇ મેઘજી શાહ તો એમ પણ કહે છે કે કચ્છની દ્રાક્ષ, ખારેક અને કેરીના ઉત્પાદનમાં પણ શ્રોફ પરિવારે વર્ષો પૂર્વે ખેતી, સિંચાઇ, પાણી, તલાવડી, ચેક ડેમ વગેરેમાં સામૂહિક પુરુષાર્થ કર્યો તેનું પરિણામ છે. કાંતિસેન ભાઈ તો શાંતિનિકેતનના વિદ્યાર્થી પણ હતા. મુંબઈથી કચ્છ આવ્યા ત્યારે વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઈન્સ્ટિટ્યૂટ સંસ્થા ઊભી કરી.ગ્રામીણ વિકાસ સંસ્થા પણ થઈ.ગ્રામ વિકાસના કાર્યોની સાથે સાહિત્યને જોડી દીધું, ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત ઇતિહાસ પરિષદ નું આયોજન, સાગર સાહિત્ય પર્વ, પુસ્તકલયોને પુસ્તકોનો સહયોગ, માતૃભાષા અભિયાન, સાહિત્ય શિબિરો, કચ્છી ભાષા સંવર્ધનનું આયોજન જેવી પ્રવૃત્તિ લગાતાર ચાલે છે.
હવે જાન્યુઆરી, 2024 માં કચ્છને અધિક સાંસ્કૃતિક કક્ષા સુધી પહોંચાડવામાં સંકલ્પિત કાન્તિસેન શ્રોફને તેમની જન્મ 101મી જન્મ જયંતીએ કઈ રીતે યાદ કરવા જોઈએ? તેના મનોમંથનમાથી નક્કી થયું કે આ સંસ્થાએ તો 200 જેટલા પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. તો તે પુસ્તકોની ગ્રંથ યાત્રા અને 100 લેખકોનું જાહેર સન્માન કરીએ તો ? વી.આર.ટી.આઈની ટીમમાં સદા સક્રિય ગોરધનભાઈ કવિએ આ આયોજનને વધુ સાર્થક અને જીવંત બનાવવાનો અને આખા કચ્છના સાહિત્ય રસિકોને તેમાં જોડવાનો ઉદ્યમ કર્યો છે. દ્વારિકાથી કચ્છ આવા ઉત્સવો ગુજરાતની અસ્મિતાના પ્રતીકો છે.


comments powered by Disqus