નવા આશાવાદ સાથે વર્ષ 2024નું આગમન

Wednesday 03rd January 2024 05:38 EST
 

2023ના વર્ષને અલવિદા કહી દુનિયા 2024ના વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. ગ્રેગોરિયન પંચાંગનું નવું વર્ષ વિશ્વ માટે શાંતિ અને સુખાકારી લાવે તેવી આશાઓ સાથે વધાવવામાં આવ્યું પરંતુ ઉગતા સૂર્યના દેશ ગણાતા જાપાનમાં નવા વર્ષના દિવસે જ 7.4ની તીવ્રતાના ભુકંપે 2024 હચમચાવી દેનારું વર્ષ રહેશે તેવા સંકેત આપ્યાં તો નથી ને..? 2023નું વર્ષ વિશ્વ માટે વિડંબણાઓથી ભરપૂર રહ્યું. કોરોના મહામારીમાંથી માંડ મુક્ત થયેલા વિશ્વે 2023ના પ્રારંભે ખુશહાલી અને સુખાકારીનો આશાવાદ સેવ્યો હતો પરંતુ યુક્રેન પરના રશિયાના હુમલા, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદીઓના હુમલા બાદ ગાઝામાં ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહીમાં હજારો લોકોના મોતે આ આશાવાદ પર પાણી ફેરવી દીધું હતું. 2023નો અંત આવી ગયો છતાં આ યુદ્ધોનો કોઇ અંત ક્ષિતિજે દેખાઇ રહ્યો નથી. તેમ છતાં માનવીય સ્વભાવ પ્રમાણે આપણે 2024નું વર્ષ શાંતિ અને સુખાકારીનું વર્ષ રહે તેવી આશા આપણે સેવી રહ્યાં છીએ.
ભારત માટે 2023નું વર્ષ સફળતાનું વર્ષ કહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક, માળખાકીય વિકાસ, અંતરિક્ષ સંશોધન સહિતના સંખ્યાબંધ ક્ષેત્રોમાં જવલંત સિદ્ધીઓ પ્રાપ્ત કરી. વિશ્વમાં પ્રતિકૂળ સંજોગો છતાં તમામ પડકારોનો સામનો કરીને ભારતીય અર્થતંત્રે વિશ્વના અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રનો દરજ્જો જાળવી રાખ્યો છે. 2024માં પણ ભારતની વિકાસગાથા જારી રહે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે. 2023માં ભારતનો વૃદ્ધિદર 6.3 ટકા અને 2024માં 6.1 ટકા જળવાઇ રહે તેવી સંભાવના વિશ્વની અગ્રણી આર્થિક સંસ્થાઓ વ્યક્ત કરી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારત નવી હરણફાળ ભરે તેવી પણ પ્રબળ સંભાવના છે. ભારતીય બુદ્ધિધન આજે સમગ્ર વિશ્વમાં નામના મેળવી રહ્યું છે. ઇસરો દ્વારા 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ અને સૂર્ય તરફ અવકાશયાન મોકલવાની સિદ્ધીઓ નાની સૂની નથી. હવે ઇસરો દ્વારા બ્લેક હોલના અભ્યાસ માટે અંતરિક્ષ યાન રવાના કરવામાં આવ્યું છે. 2024માં વિશ્વના અંતરિક્ષ જ્ઞાનમાં ભારતનું યોગદાન મહત્વનું બની રહેશે. 2024 આસ્થાના એક મોટા વિજય સમાન બનીને આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષારંભે જ થવા જઇ રહી છે. હિન્દુ બહુલ ભારત માટે આ એક અનોખી સિદ્ધી બની રહેવાની છે.
બ્રિટનની વાત કરીએ તો 2023નું વર્ષ બ્રિટન માટે વસમી યાદોનું વર્ષ બની રહ્યું. આ વર્ષમાં ઘણી રાજકીય ઉથલપાથલો બાદ યુકેને સૌપ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન રિશી સુનાક મળ્યા. રાજકીય અને આર્થિક અંધાધૂંધીમાં ફસાયેલા બ્રિટનને સ્થિરતા બક્ષવા રિશી સુનાક દ્વારા સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યાં. ડામાડોળ બનેલા અર્થતંત્રને બેઠું કરવા માટે સુનાક સરકાર દ્વારા આકરાં છતાં મક્કમ પગલાં લેવાયાં જેની અસરો હવે વર્તાઇ રહી છે. એક સમયે મંદીમાં ધકેલાઇ જવાના ભયના ઓથાર હેઠળ રહેલું બ્રિટનના અર્થતંત્રની ગાડી હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે. ફુગાવાનો દર 2023ના અંતે 3.5 ટકાની આસપાસ આવી જતાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડાતી જનતાને ઘણી રાહત મળી છે. 2024નું વર્ષ બ્રિટિશ અર્થતંત્ર માટે નવો સૂરજ લઇને આવે તેવી આશાઓ સેવાઇ રહી છે. તેમ છતાં ગેરકાયદેસર માઇગ્રેશન, ઇમિગ્રેશન, એનએચએસનું વેઇટિંગ લિસ્ટ, રવાન્ડા યોજના, કરવેરામાં કાપની માગ જેવા મુદ્દા સુનાક સરકારની અગ્નિ પરીક્ષા કરવા નવા વર્ષમાં પણ ટાંપીને બેઠાં છે. વિવિધ મામલાઓમાં પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો કરી રહેલા વડાપ્રધાન રિશી સુનાક તેમણે નક્કી કરેલા પાંચ લક્ષ્યાંકો કેવી રીતે પાર પાડે છે તે અત્યંત મહત્વનું બની રહેશે.
2023માં યુદ્ધ, આર્થિક સંકટોનો સામનો કરનાર વિશ્વ 2024માં આશાભરી મીટ માંડી રહ્યું છે. આજે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકશાહી પ્રવર્તમાન છે. 2024નું વર્ષ લોકશાહી માટે અત્યંત મહત્વનું પૂરવાર થવા જઇ રહ્યું છે. 2024માં વિશ્વના સંખ્યાબંધ દેશોમાં લોકશાહીનો યજ્ઞ યોજાવા જઇ રહ્યો છે અને આ યજ્ઞના પરિપાક રૂપે જે કોઇ પરિણામો સામે આવશે તે વૈશ્વિક ભૂભૌગોલિક સ્થિતિ પર મહત્વની અસરો પાડશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી યોજાશે જેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર વિજય હાંસલ કરવા મેદાનમાં ઉતરશે. જો આ ચૂંટણીમાં ભાજપ પુનઃસત્તા પર આવશે તો મોદી જવાહરલાલ નેહરૂ અને ઇન્દિરા ગાંધી પછી સૌથી લાંબો સમય વડાપ્રધાન રહેનાર ત્રીજા રાજનેતા બની રહેશે. નવેમ્બર 2024માં વિશ્વની આર્થિક અને લશ્કરી મહાસત્તા અમેરિકાના પ્રમુખની ચૂંટણી યોજાશે. અમેરિકાની આ ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર રહેશે કારણ કે અમેરિકામાં સંભવિત સત્તા પરિવર્તન વૈશ્વિક નીતિઓ અને વ્યવસ્થાઓ પર વ્યાપક પ્રભાવ પાડી શકે છે. 2024માં યુકેમાં વડાપ્રધાન રિશી સુનાક દ્વારા સંસદની ચૂંટણી વહેલી કરાવી લેવાય તેવી પણ સંભાવના છે. પોતાના દ્વારા અમલમાં મૂકાઇ રહેલી નીતિઓના સારા પરિણામ રિશી સુનાકને વહેલી ચૂંટણી યોજવા પ્રેરી શકે છે. બ્રિટનમાં સત્તા પરિવર્તન પણ વૈશ્વિક નીતિઓ પર પ્રભાવ પાડી શકે છે. જો ટોરી પાર્ટી પુનઃસત્તા ગ્રહણ કરે તો સુનાકને મક્કમતાથી આગળ વધવાનું મનોબળ પ્રાપ્ત થઇ શકે છે. ભારત, અમેરિકા અને યુકે ઉપરાંત માર્ચ 2024માં રશિયામાં પણ પ્રમુખપદની ચૂંટણી યોજાશે. છેલ્લા એક વર્ષથી યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પાંચમી ટર્મ માટે મેદાનમાં ઉતરશે. રશિયાની આ ચૂંટણી અત્યંત મહત્વની ગણી શકાય કારણ કે આ ચૂંટણી પરિણામ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું ભાવિ નક્કી કરશે. જોકે રશિયાની ચૂંટણી એકતરફી રહેવાની સંભાવના વધુ છે. તે ઉપરાંત ભારતના પાડોશી બાંગ્લાદેશમાં પણ જાન્યુઆરીમાં જ સંસદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. 2009થી બાંગ્લાદેશમાં શાસન કરી રહેલા શેખ હસીનાની અવામી પાર્ટી ફરી એકવાર સત્તા હાંસલ કરવા ઝંપલાવશે. રસપ્રદ વાત એ છે કે બાંગ્લાદેશમાં વિપક્ષ દ્વારા આ ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે તેથી અહીં લોકતાંત્રિક પ્રક્રિયા જળવાઇ રહેવાની કોઇ આશા નથી. ભારતના બીજા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ 8મી ફેબ્રુઆરીએ સંસદની ચૂંટણી યોજાશે. જોકે પાકિસ્તાની શાસકોની ભારત પ્રત્યેની નીતિઓના કારણે આ ચૂંટણીના પરિણામોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરવાની કોઇ આશા નથી. 2024માં ઇન્ડોનેશિયામાં સંસદની ચૂંટણી, તાઇવાનમાં પ્રમુખપદની ચૂંટણી, બીજી જૂનના રોજ મેક્સિકોમાં પ્રમુખપદની ચૂંટણી, 6-9 જૂન વચ્ચે યુરોપિયન સંસદની ચૂંટણી, બેલ્જિયમમાં સંસદની ચૂંટણી, દક્ષિણ આફ્રિકામાં સંસદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આમ 2024 વિશ્વના મહત્વના દેશો માટે ચૂંટણીનું વર્ષ બની રહેશે અને તેમના પરિણામો વૈશ્વિક ભૂરાજકીય વ્યવસ્થા પર વ્યાપક અસરો પણ પાડશે.
દર વર્ષની જેમ નવા વર્ષના પ્રારંભ સાથે વિશ્વ શાંતિ, સુખ અને સમૃદ્ધિની દિશામાં પ્રગતિ કરે, યુદ્ધોનો અંત આવે, કુદરતી હોનારતોનું પ્રમાણ ઓછું રહે, લોકતાંત્રિક અને માનવ અધિકારોનું જતન થાય તેવા આશાવાદ સાથે ગુજરાત સમાચારના તમામ વાચકોને નૂતન વર્ષાભિનંદન....


comments powered by Disqus