અમદાવાદ: યુનાઇટેડ નેશન્સ ખાતે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન ઇન ડિપ્લોમસી (કૂટનીતિના ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન આપનાર મહિલાઓને સમર્પિત દિવસ) મનાવવામાં આવ્યો હતો અને તેમાં ગુજરાતી વિદૂષી હંસાબહેન મહેતાને સવિશેષ યાદ કરવામાં આવ્યા હતા. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે આ પ્રસંગે ગુજરાતી મહિલા અને જાણીતાં સમાજસુધારક, શિક્ષણવિદ્ હંસાબહેન મહેતાને ખાસ યાદ કર્યા હતા.
યુનાઇટેડ નેશન્સ (યુએન)ના વડા મથકે ખાતે 24 જૂને યોજાયેલા ખાસ કાર્યક્રમને સંબોધતા ડેનિસ ફ્રાન્સિસે અવરોધોને પાર કરીને સર્વસમાવેશક નીતિઓ, વિચારને વેગ આપવામાં યોગદાન આપનાર મુત્સદ્દી મહિલા નેતાઓને ભાવાંજલિ આપી હતી. હંસાબહેન મહેતા વિશે તેમણે કહ્યું હતું કે આજે માનવ અધિકારનો વિચાર ખરા અર્થમાં વૈશ્વિક છે તેનો શ્રેય હંસા મહેતાને ફાળે જાય છે.
ઉલ્લેખનીય છે કે હંસાબહેન મહેતા 1947થી 1948 દરમિયાન હ્યુમન રાઇટ્સ અંગેના યુએન કમિશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે સામેલ થયાં હતાં. હ્યુમન રાઇટ્સ અંગેના વૈશ્વિક ઘોષણાપત્રની કલમ-1ની ભાષામાં હંસા મહેતાએ મહત્ત્વનો સુધારો કરાવ્યો હતો. આ કલમમાં પહેલાં લખવામાં આવ્યું હતું કે ‘ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ.’ (દરેક પુરુષ જન્મથી મુક્ત અને સમાન છે). જોકે હંસા મહેતાએ માત્ર પુરુષ જ નહીં દરેક વ્યક્તિને આવરી લેતા આ વાક્યમાં સુધારો કરાવ્યો હતો કે ‘ઓલ હ્યુમન બીઇંગ્સ આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ (દરેક માનવી જન્મથી મુક્ત અને સમાન છે)’.
આમ હંસાબહેન મહેતાએ માત્ર પુરુષ કે સ્ત્રી નહીં પણ દરેક માનવી સમાન છે એ વિશ્વને યાદ અપાવ્યું હતું.
સ્વાતંત્ર્ય સેનાનીથી દેશનાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર
1897ની ત્રીજી જુલાઈએ સુરતમાં જન્મેલાં હંસાબહેન પ્રથમ ગુજરાતી ઐતિહાસિક નવલકથા ‘કરણઘેલો’ના સર્જક નંદશંકર મહેતાનાં પૌત્રી હતાં. વિદેશમાં અભ્યાસ કરી સ્વદેશ પરત ફર્યા બાદ તેમણે સમાજના વિરોધની પરવા કર્યા વિના ડો. જીવરાજ મહેતા સાથે આંતરજ્ઞાતિ લગ્ન કર્યાં હતાં. ડો. મહેતા બાદમાં ગુજરાતના પ્રથમ મુખ્ય-મંત્રી બન્યા હતા. હંસાબહેને આઝાદી લડતમાં અગ્રેસર ભાગ ભજવ્યો હતો. બાદમાં 1946માં તેઓ મુંબઈની એસએનડીટી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યાં હતાં. તેઓ દેશનાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર હતાં. બાદમાં તેઓ વડોદરાની એમએસ યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ બન્યાં હતાં. 1995ની ચોથી એપ્રિલે મુંબઈમાં 98 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

