ડોલરનું આધિપત્ય, ટ્રમ્પની દાદાગીરી અને ભારત

Wednesday 04th December 2024 04:41 EST
 

અમેરિકાના હિતોને સર્વોપરિ પ્રાધાન્ય આપતા પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ સંગઠનને વૈશ્વિક વેપારમાં ડોલરના સ્થાને અન્ય ચલણ લાગુ કરવાના પ્રયાસો સામે ખુલ્લી ધમકી ઉચ્ચારી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે જો બીજી કોઇ કરન્સીની વાત કરી તો અમે અમેરિકામાં નિકાસ થતાં તમારા ઉત્પાદનો પર 100 ટકા જકાત લાદી દઇશું.
શા માટે ટ્રમ્પ ડોલરના મામલે આટલા બધા આક્રમક બની રહ્યા છે તે સમજી શકાય તેવું છે. વિશ્વના અર્થતંત્ર પર પ્રભુત્વ જાળવી રાખવા અમેરિકા માટે ડોલરનું આધિપત્ય અત્યંત મહત્વનું છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારત સહિતના બ્રિક્સ દેશોએ અમેરિકી પ્રતિબંધો છતાં રશિયા સાથે પોતાની કરન્સીમાં વેપાર જારી રાખતાં અમેરિકાના પેટમાં પહેલેથી તેલ રેડાયેલું જ હતું અને હવે બ્રિક્સ સંગઠન દ્વારા ડોલર સામે બાથ ભીડી શકે તેવી કરન્સી શરૂ કરવાની વિચારણા બાદ અમેરિકા અને વિશેષ કરીને નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ધૂંઆપૂંઆ થઇ રહ્યાં છે. પાંચ દેશોથી શરૂ થયેલું બ્રિક્સ સંગઠન ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે અને આજે તેની સભ્ય સંખ્યા 9 પર પહોંચી ગઇ છે. બ્રિક્સના સભ્ય દેશો દુનિયામાં ૪૫ ટકા વસતી અને ૨૮ ટકા જીડીપી ધરાવે છે. વિશ્વમાં કુલ ખરીદશક્તિ એટલે કે પાવર પરચેઝ પેરિટી જીડીપીમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. સાઉદી અરબ, મલેશિયા, તૂર્કી, અઝરબૈજાન સહિતના દેશો આ સંગઠનમાં જોડાવા તલપાપડ છે. બ્રિક્સમાં સભ્ય દેશોની સંખ્યામાં વધારો અમેરિકી આધિપત્ય સામે જોખમરૂપ પૂરવાર થઇ રહ્યો છે.
અમેરિકાને લશ્કરી રીતે પડકારી શકે તેવો કોઇ દેશ વિશ્વમાં નથી પરંતુ આર્થિક લડાઇની વાત આવે ત્યારે અમેરિકા સતર્ક થઇ જાય છે. આ મની પાવર જ તેને વિશ્વમાં દાદાગીરી કરવા મોકળું મેદાન આપે છે. પરંતુ હવે આર્થિક અને લશ્કરી રીતે અમેરિકાને પડકાર આપી રહેલો ચીન અને રશિયા એક ધરી બનાવીને ડોલરના આધિપત્યને પડકારી રહ્યાં છે. જો બ્રિક્સ દેશો વેપારમાં ડોલર સિવાયની કરન્સી શરૂ કરી દે તો ડોલરનું વર્ચસ્વ નેસ્તોનાબૂદ થઇ શકે છે. ભૂતકાળમાં યુરોપિયન સંઘની કોમન કરન્સી યૂરો ચલણમાં આવ્યા બાદ અમેરિકાને યુરોપિયન દેશો સાથેના વેપારમાં મોટો ફટકો પડ્યો છે. તેથી ડોલર વધુ નબળો બને તે અમેરિકાને પોસાય તેમ નથી.
વર્તમાન વૈશ્વિક વ્યવસ્થામાં ડોલર સર્વોપરિ ચલણ છે. દરેક દેશનું વિદેશી હુંડિયામણ અમેરિકન ડોલરમાં જ સંગ્રહાયેલું છે. જો ડોલરને પડકાર આપવા નવી કરન્સી મેદાનમાં આવે તો વૈશ્વિક વેપારમાં અંધાધૂંધી પણ સર્જાઇ શકે છે. આ અંધાધૂંધીમાં ભારત કેવુ વલણ અપનાવશે તે તો સ્પષ્ટ નથી પરંતુ બ્રિક્સ કરન્સીના કારણે જો અમેરિકા ભારતીય નિકાસો પર પણ 100 ટકા જકાત લાદે તો ભારતને મોટો આર્થિક ફટકો પડી શકે છે. ટ્રમ્પ અને અમેરિકા ડોલરનું પ્રભુત્વ જાળવી રાખવા કોઇ કસર બાકી નહીં રાખે તેથી ભારત માટે બ્રિક્સ કરન્સી બેધારી તલવાર પૂરવાર થઇ શકે છે. ભારતના કૂટનીતિજ્ઞોએ ફૂંકી ફૂંકીને આગળ વધવું પડશે તે વાતમાં કોઇ શંકા નથી.


comments powered by Disqus