શ્રીનગર: કાર રેસિંગ અને મોટરસ્પોર્ટ્સ જગતમાં સાઉથ એશિયન ખેલાડીનું નામ ભાગ્યે જ સાંભળવા મળે છે. ખાસ કરીને ભારત માટે આ રમતમાં ઓળખ બનાવનાર ઘણાં ઓછા છે. આવાં જૂજ નામોમાં એક છે હુમૈરા મુશ્તાક. જમ્મુ-કાશ્મીરની આ 25 વર્ષીય મહિલા રેસરે બ્રિટિશ એન્ડ્યુરેન્સ રેસિંગમાં પ્રથમ સાઉથ એશિયન મહિલા અને પ્રથમ ભારતીય મહિલા ખેલાડી તરીકે નામ નોંધાવ્યું છે. દિગ્ગજોની ભીડમાં હુમૈરા આ ચેમ્પિયનશિપમાં એકમાત્ર મહિલા હતી. આ રેસમાં ઉતરી તેણે યુરોપ અને યુએઈમાં યોજાનાર ગ્રાન્ડ ટૂરમાં સ્થાન તો મેળવ્યું, પરંતુ તેણે ય અન્ય ઘણાં ખેલાડીઓ જેમ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.
જૂની વિચારધારા ધરાવતા પરિવારથી આવતી હુમૈરાએ કહ્યું કે તેને લોકોનો સપોર્ટ નહોતો મળતો, પાડોશીઓ રેસિંગ છોડી દેવા કહેતા. હુમૈરાને પિતાએ અહીં સુધી પહોંચાડી. ચાર વર્ષની વયથી તે રેસિંગ કારોથી રમતી અને મોટા થયા બાદ રેસિંગ શીખી તથા પિતાના કહેવા પર ચેમ્પિયનશિપમાં ઉતરવા લાગી. આ કારણે જ તે ઈન્ટરનેશનલ ગ્રેડનું લાઈસન્સ હાંસલ કરી શકી. આ લાઈસન્સ મેળવવા તેણે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવું પડે તેમ હતું, પરંતુ જમ્મુમાં એટલા ટ્રેક નહોતા. આ પછી તેણે જમ્મુ છોડ્યું અને ભારતીય સર્કિટમાં પ્રદર્શન બતાવવામાં સફળ રહી. તેણે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર રેસિંગ કરી. હુમૈરાની સફળતાની યાત્રામાં એક પડકાર ફિલ્ડ પર એકમાત્ર મહિલા હોવાનું પણ હતો. હુમૈરા કહે છે કે તે ઘણીવાર પુરુષો સાથે સ્પર્ધા કરતી હતી. તેના મતે એસ્ટન માર્ટિન ગેરેજમાં પ્રી-સિઝન ટેસ્ટિંગે તેની બ્રિટિશ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની તકો સર્જી. તેની ક્ષમતાથી અજાણ લોકોએ તેને ચારના બદલે સાત દિવસના ટેસ્ટિંગમાં ઉતરવા સલાહ આપી. જોકે હુમૈરાએ પ્રથમ લેપમાં જ સૌને ચોંકાવ્યા.
હુમૈરા કહે છે કે, ‘ટ્રેક પર હું પોતાને પુરુષો સામે મહિલા તરીકે નથી જોતી. હું રેસિંગ ગિયર અને હેલમેટ સાથે પોતાને માત્ર એક રેસિંગ ડ્રાઈવર તરીકે જોઉ છું.' હવે હુમૈરા આગામી વર્ષે જાન્યુઆરીમાં દુબઈ, સ્પેન અને ઈંગ્લેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરી રહી છે.

