બાંગ્લાદેશમાં શેખ હસીનાના તખ્તાપલટ બાદ કટ્ટરવાદીઓ દ્વારા સુનિયોજિત રીતે હિન્દુઓને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. આજે બાંગ્લાદેશમાં વસતો હિન્દુ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. કટ્ટરવાદીઓના ટોળાં હિન્દુઓના ઘરો અને મંદિરોને સતત નિશાન બનાવી રહ્યાં છે. આ કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાના બદલે બાંગ્લાદેશની પ્રોટેમ સરકાર અને કાયદો વ્યવસ્થા પણ જાણે કે હિન્દુઓને લક્ષ્યાંક બનાવવામાં ઉતાવળી બની હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે.
બાંગ્લાદેશી હિન્દુઓની સુરક્ષાની માગ સાથે સામે આવેલા ઇસ્કોન બાંગ્લાદેશના પ્રવક્તા અને પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરીને તેમના પર દેશદ્રોહના આરોપો મઢી દેવાયાં છે. જેલમાં તેમની મુલાકાતે ગયેલા પૂજારી શ્યામ દાસ પ્રભુની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. બાંગ્લાદેશથી ભારતમાં ધાર્મિક સમારોહમાં ભાગ લેવા આવી રહેલા ઇસ્કોનના 200 જેટલાં સાધુ અને અનુયાયીને બાંગ્લાદેશી સરકાર દ્વારા અટકાવી દેવાયાં હતાં. આમ એવું લાગી રહ્યું છે કે બાંગ્લાદેશમાં સરકારની સીધી નજર હેઠળ કટ્ટરવાદીઓ દ્વારા લઘુમતી સમુદાય એવા હિન્દુઓ વિરુદ્ધ સુનિયોજિત રીતે પ્રોપેગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.
ગાઝામાં હમાસ પર ઇઝરાયેલના હુમલા બાદ બ્રિટનની સડકો પર પેલેસ્ટિનિયનોની તરફેણમાં મોટા પાયે દેખાવોનું આયોજન કરી પેલેસ્ટિનિયનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ઇઝરાયેલ સામે પગલાંની પ્રચંડ માગણીઓ કરાઇ હતી. પરંતુ બ્રિટનમાં વસતા હિન્દુઓ બાંગ્લાદેશમાં થઇ રહેલા અત્યાચારોના જાણે કે મૂક પ્રેક્ષક બનીને બેઠાં હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. પેલેસ્ટાઇનના સમર્થનમાં યોજાયેલા દેખાવો હિંસક બન્યાં હતાં પરંતુ બ્રિટનમાં વસતો હિન્દુ અને ભારતીય સમુદાય હંમેશા કાયદાના દાયરામાં રહીને રજૂઆત કરતો રહ્યો છે. બાંગ્લાદેશના પીડિત હિન્દુ સમુદાય માટે કાયદાના દાયરામાં રહી અવાજ ઉઠાવવાની શું બ્રિટિશ હિન્દુ સમુદાયની ફરજ નથી?
બ્રિટન વિશ્વનો અગ્રણી દેશ છે અને અહીં ઉઠાવાતા અવાજના પડઘા આંતરરાષ્ટ્રીય મંચ પર પડતા હોય છે. ભારત અને હિન્દુઓના પરમ મિત્ર રહેલા સાંસદ બોબ બ્લેકમેન દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં બાંગ્લાદેશમાં થઇ રહેલી હિન્દુઓની સતામણી સામે જોરદાર રજૂઆત કરવામાં આવી છે. આજે બ્રિટનમાં સેંકડો હિન્દુ સંગઠનો કાર્યરત છે પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે હજુ સુધી કોઇ હિન્દુ સંગઠન બાંગ્લાદેશી હિન્દુઓની વહારે આવવાનો પ્રયાસ પણ કરી રહ્યું નથી. પાકિસ્તાનમાં તો હિન્દુઓની સ્થિતિ અત્યંત દયનીય બની જ ચૂકી છે પરંતુ અત્યાર સુધી હિન્દુઓ માટે સલામત ગણાતા બાંગ્લાદેશમાં પણ હવે કટ્ટરવાદીઓ બેફામ બની રહ્યાં છે. એ દિવસ દૂર નથી કે બાંગ્લાદેશના હિન્દુઓની સ્થિતિ પણ પાકિસ્તાનના હિન્દુઓ જેવી બની જાય. આવી સ્થિતિમાં બ્રિટિશ હિન્દુ સમુદાય કમ સે કમ ભારતીય હાઇ કમિશન સમક્ષ હાજર થઇ એક આવેદનપત્ર આપવાની જહેમત તો ઉઠાવી જ શકે.
બ્રિટિશ હિન્દુ સમુદાય કરતાં વિશ્વમાં હિન્દુઓની સ્થિતિ અંગે બ્રિટિશ નેતાઓ વધુ ચિંતિત છે. બોબબ્લેકમેને બાંગ્લાદેશી હિન્દુઓનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો તો સાથે સંખ્યાબંધસાંસદોએ પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય પર થતા અત્યાચારો રોકવા સ્ટાર્મર સરકાર સમક્ષપાકિસ્તાનને અપાતી સહાયમાં આકરી શરતો લાગુ કરવાની માગ કરવામાં આવી છે. જો રાજકીયનેતાઓ આટલી કાળજી લઇ શકે છે તો બ્રિટિશ હિન્દુ સંગઠનોએ પણ નાતિ જાતિના વાડામાંથીમુક્ત થઇને એકજૂથ બની વૈશ્વિક મંચ પર પડઘા પડે તેવા બુલંદ અવાજે બાંગ્લાદેશી અનેપાકિસ્તાની હિન્દુઓના સમર્થનમાં આગળ આવવું જોઇએ.
