ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી : પ્રિયા ઝિંગન

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 04th December 2024 07:56 EST
 
 

શૂન્ય શૂન્ય એક.... નોટ નોટ વન....!
નહીં સમજાયું હોય, પણ જો તમે કોઈક રીતે ભારતીય સેના સાથે જોડાયેલા હો અથવા સેનાના જાણકાર હશો તો સમજાઈ જશે કે નોટ નોટ વન એટલે ૨૧ સપ્ટેમ્બર ૧૯૯૨ના ભારતીય સેનામાં એનરોલ-પંજીકૃત થયેલી સેનાની પ્રથમ મહિલા કેડેટ અને સેનાની પ્રથમ મહિલા અધિકારી પ્રિયા ઝિંગન !
પ્રિયા ઝિંગનનો જન્મ હિમાચલ પ્રદેશના સિમલામાં થયેલો. એના પિતા પોલીસ અફસર હતા. પ્રિયાએ ક્યારેક પિતાને પગલે ચાલીને પોલીસમાં જવાનું વિચારેલું, પણ પનવમા ધોરણમાં એક ઘટના બની અને પ્રિયા ઝિંગનના જીવનને દિશા મળી. શાળાના એક કાર્યક્રમમાં રાજ્યનાં રાજ્યપાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલાં. રાજ્યપાલની સાથે એમનો એડીસી-એર ડિફેન્સ કમાન્ડર પણ તહેનાત હતો. શાળાએથી ઘેર પાછા ફરતી વખતે છોકરીઓ પરસ્પર વાતચીતમાં કહી રહેલી કે તેઓ ફોજી સાથે લગ્ન કરશે, પણ પ્રિયાએ કહ્યું કે, ‘હું ખુદ એક ફોજી અફસર બનીશ...!’
આ શબ્દો બાળસહજ તુક્કો નહોતો. એ જ એનું ભવિષ્ય હતું. કોલેજનો અભ્યાસ સમાપ્ત થયા પછી પ્રિયાએ લોમાં પ્રવેશ મેળવ્યો. ફોજી બનવાનું ખ્વાબ અવારનવાર અકળાવી મૂકતું, પણ એ જમાનામાં મહિલાઓ માટે સેનામાં પ્રવેશબંધી હતી. શું કરવું એ પ્રિયાને સમજાતું નહોતું. દરમિયાન, પ્રિયાએ અખબારમાં પ્રકાશિત ભારતીય સેનાની એક જાહેરખબર જોઈ. આ જાહેરાતમાં માત્ર પુરુષોની ભરતીનો ઉલ્લેખ કરાયેલો. એ સમયમાં માત્ર મહિલા ડોકટરોને સેનામાં પ્રવેશ મળતો.. પ્રિયાએ ચીફ ઓફ આર્મી સ્ટાફ ફ્રાંસિસ રોડ્રિગ્સને પત્ર લખ્યો. મહિલાઓને સેનામાં સામેલ ન કરવા સંબંધી અનેક પ્રશ્નો પત્રમાં પૂછ્યા. પ્રિયાના આશ્ચર્ય વચ્ચે ત્રણ અઠવાડિયા પછી સેનાપ્રમુખ રોડ્રિગ્સ તરફથી પ્રત્યુત્તર આવ્યો કે, ભારતીય સેનામાં થોડા જ સમયમાં મહિલાઓની નિયુક્તિની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.... જવાબી પત્ર વાંચીને પ્રિયા ઝિંગન ખુશીથી ઝૂમી ઊઠી.
આ ગાળામાં વકીલાતમાં જરાય રસ ન હોવા છતાં પ્રિયા પોતાના પિતાની સલાહથી હાઈકોર્ટમાં તાલીમી તરીકે જોડાઈ ગઈ. આ અરસામાં પ્રિયાની નજર અખબારમાં છપાયેલી એક જાહેરાત પર પડી. જાહેરાતમાં સેનામાં મહિલાઓની ભરતી અંગેની વિગતો પ્રકાશિત થયેલી.. એણે સેનામાં પ્રવેશ માટે અરજી કરી. આખરે ધીરજનું મીઠું ફળ મળ્યું. ૨૧ સપ્ટેમ્બર ૧૯૯૨ના ચેન્નઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં જનારી કેડેટ ઝીરો ઝીરો વન પ્રિયા પહેલી મહિલા બની ગઈ. એ સાથે જ પ્રિયા ભારતીય સેનામાં ભરતી થનારી પહેલી મહિલા બની ગઈ.
પ્રિયા ઝિંગન સેનાની પહેલી મહિલા અફસર તો બની ગઈ, પણ એ કારણસર જ એણે કેટલીયે મુશ્કેલીઓ વેઠવી પડી. પ્રિયા ઝિંગન સેનાના પાયદળમાં-ઇન્ફન્ટ્રી ડિવિઝનમાં જોડાવા ઉત્સુક હતી, પણ સ્ત્રી હોવાને કારણે એના અનુરોધનો અસ્વીકાર કરવામાં આવ્યો. પ્રિયા કાયદાની સ્નાતક હોવાથી ૬ માર્ચ ૧૯૯૩ના કોર ઓફ જજ એડવોકેટ જનરલની કચેરીમાં પ્રિયાને નિયુક્ત કરવામાં આવી. પ્રિયાની સાથે લશ્કરમાં ક્યારેય પક્ષપાત કરાયો નહોતો, એક અપવાદ સિવાય. એ પ્રસંગ અંગે વાત કરતાં પ્રિયાએ જણાવેલું કે, એ દિવસોમાં મારું પોસ્ટિંગ લખનઉ સેન્ટ્રલ કમાન્ડ હેડક્વાટર્સમાં થયેલું. ત્યાં સેનાના જવાન પુરુષ અફસરોને તો સલામ કરતા, પણ પ્રિયાને નહીં. કારણ એક મહિલા અફસરને પોતાની વરિષ્ઠ અને ઉપરી ગણવામાં જવાનોને સંકોચ થતો. પ્રિયાએ એક કીમિયો અજમાવ્યો. એ ખુદ જવાનોને સેલ્યુટ કરવા લાગી. કેટલાક દિવસો બાદ જવાનો પ્રિયાને સલામ કરવા લાગ્યા. ૨૦૦૨માં પ્રિયા એક મેજર તરીકે સેવાનિવૃત્ત થઈ. નિવૃત્તિ પછી પ્રિયા ઝિંગને પત્રકારત્વ અને જનસંચારમાં સ્નાતક કર્યું. પછી ગેંગટોકના સાપ્તાહિક સિક્કિમ એક્સપ્રેસનું સંચાલન કરવા લાગી. વર્ષ ૨૦૧૩માં ટીવી ચેનલ પરથી પ્રસારિત થતા ‘ખતરોં કે ખિલાડી’ નામના કાર્યક્રમના પહેલા ભાગમાં પ્રિયા પ્રતિભાગી હતી. આ જ વર્ષમાં લોરેન્સ સ્કૂલ, સનાવરમાં અંગ્રેજી શિક્ષક તરીકે સામેલ થઈ.
હાલમાં પ્રિયા ભારતીય સેનામાંથી લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત થયેલા અને પેપ ટર્ફ નામની એડવેન્ચર સ્પોર્ટ્સ કંપની ચલાવતા પતિ મનોજ મલ્હોત્રા અને પુત્ર સાથે હિમાચલ પ્રદેશમાં રહે છે. પ્રિયા અત્યારે પણ પ્રવૃત્ત છે, પણ સેનાના દિવસો સૌથી ખુશનુમા અને ખુશાલીના હોવાનું જણાવે છે. જોકે સૌથી વધુ ગર્વ પ્રિયાને એ બાબતનો છે કે પોતે ભારતીય સેનાની પહેલી મહિલા કેડેટ અને પહેલી મહિલા અધિકારી હતી. પ્રિયાને પોતાની એક જ ઓળખ પસંદ છે. કેડેટ નોટ નોટ વન !


comments powered by Disqus