સિડનીઃ વિશ્વના ડ્રગ્સ ઝડપવાના સૌથી મોટા ઓપરેશનમાં કોલંબિયાની આગેવાનીમાં કરાયેલા ઓપરેશનમાં 1400 ટન ડ્રગ્સ ઝડપી લેવાયું છે. આ ડ્રગ્સની બજાર કિંમત રૂ. 7.14 લાખ કરોડ છે. 6 અઠવાડિયા સુધી ચાલેલા ઓપરેશનના અંતે કોલંબિયન નાર્કોટિક્સ બ્યૂરોની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓએ 128 ટન મારીજુઆના અને 225 ટન કોકેઇન સહિત 1400 ટન ડ્રગ્સ ઝડપ્યું છે.
ડ્રગ્સના જથ્થા સાથે 400 કરતાં વધારે લોકોની ધરપકડ પણ કરાઈ છે. કોલંબિયન સત્તાવાળાઓએ કોકેઇન અને મારીજુઆના સિવાય અન્ય ક્યાં ડ્રગ્સ ઝડપાયાં તેની વિગતો આપી નથી, પરંતુ કોકેઇન કરતાં પણ મોંઘા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું તેમણે સ્વીકાર્યું છે. આ ડ્રગ્સ 6 સેમિ સબમર્સિબલ વેસલ્સમાં ભરીને દક્ષિણ અમેરિકાથી ઓસ્ટ્રેલિયા લઈ જવાતું હતું. કોલંબિયાના પેસિફિક દરિયાકાંઠે આવેલા બંદર શહેર તુમાકોથી આ બોટ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ત્યારથી તેના પર સત્તાવાળાઓની નજર હતી.
ઓસ્ટ્રેલિયા કન્ઝ્યુમિંગમાં, કોલંબિયા ઉત્પાદનમાં નં.1
ધ ઓર્ગેનાઇઝેશન ફોન ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ મુજબ ઓસ્ટ્રેલિયન માથાદીઠ કોકેઇનના સૌથી વધુ વપરાશકારો છે અને બીજા નંબરે બ્રિટન આવે છે. કોલંબિયા વિશ્વમાં કોકેઇનના ઉત્પાદનમાં નંબર-1 છે. યુએન રિપોર્ટ અનુસાર કોલંબિયા વિશ્વનું સૌથી મોટું કોકેઇન નિકાસકાર છે. કોકેઇન કોકાનાં પાંદડાંથી બને છે. કોલંબિયાએ ગયા વર્ષે કોકેઇનના ઉત્પાદન અને કોકાનાં પાંદડાંના પાકમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.

