શ્રૃતિ આર્ટ્સ લેસ્ટરનું ભવ્ય સર્જન: ‘શ્રી રામ: પ્રિન્સ ઓફ અયોધ્યા’ મ્યુઝીક ડાન્સ ડ્રામાનો ત્રિવેણી સંગમ

-જ્યોત્સ્ના શાહ Wednesday 04th December 2024 07:43 EST
 
 

શ્રૃતિ આર્ટ્સ લેસ્ટરે ૨૦૨૪ના નવેમ્બર મહિનામાં એક નવતર પ્રયોગ કર્યો. ગત વર્ષે દેશમાં સદીઓ બાદ અયોધ્યા નગરીમાં ભગવાનશ્રી રામની પધરામણી કરાઇ અને રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો. એ આખું વરસ ભારતમાં રામની પધરામણીની ઉજવણીનું રહ્યું તો આપણે બ્રિટનવાસીઓ એમાંથી કઇ રીતે બાકાત રહે! એ વિચારબીજે ‘શ્રી રામ: પ્રિન્સ ઓફ અયોધ્યા’ મ્યુઝીક ડાન્સ ડ્રામાનો ઉદ્ગમ થયો.
આ સંકલ્પનાના ફળસ્વરૂપ ફેબ્રુઆરી મહિનામાં શ્રૃતિ આર્ટ્સની ટીમ આ પ્રોજેક્ટ સાકાર કરવા સક્રિય બની. એમાં સ્થાનિક કલાકારોને સામેલ કરવાનો નિર્ધાર થયો.
 જાણીતા સંગીતકાર આલાપ દેસાઇ સમક્ષ આ વિચાર રજુ કરાયો અને એમણે સહર્ષ સ્વીકાર્યો. એ માટે બ્રાન્ડ ન્યુ મ્યુઝીક તૈયાર કર્યું. શ્રૃતિ ટીમનું નેતૃત્વ યોગેશભાઇ દેસાઇ સહિત પ્રીતિબહેન મટ્ટાણી, પ્રદીપભાઇ, રાજેનભાઇ, પ્રતાપભાઇ, હેમંતભાઇના સહયોગથી અને સાધના, સિધ્ધિ, દીપાલી, નંદિની, ભવનીષા, દિન્તા, સંજય, ટીના, રોશન આદીના સથવારે રૂપરેખા ઘડાઇ. ઊર્જાબહેન દેસાઇએ ડાન્સ ટીમ તૈયાર કરી. લેસ્ટરના ૪૦ અને લંડનના ૩૦ કલાકારોની કોરસ ટીમ તૈયાર કરાઇ. એકમેકના સાથથી એક સુંદર મ્યુઝીક - ડાન્સ - ડ્રામા મિશ્રિત સ્ટેજ શો તૈયાર થયો. લેસ્ટરના ૧૫૦૦ની ક્ષમતા ધરાવતા સુવિખ્યાત ડી મોન્ટ ફોર્ટ હોલમાં ૧૦ નવેમ્બરે પ્રથમ શો હાઉસ ફુલ ગયો. એ પ્રસંગે સ્થાનિક એમ.પી. શિવાની રાજાએ હાજર રહી શોની શોભા વધારી.
મુખ્ય મહેમાન તરીકે એના ઉદ્ઘાટન માટે તંત્રીશ્રી સી.બી.પટેલને આમંત્રણ અપાયું પરંતુ એમની વ્યસ્તતાને કારણે એ શક્ય ન થયું.
બીજો શો લંડનના હેરો આર્ટ્સ સેન્ટરમાં ૧૭ નવેમ્બરે યોજાયો. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના પ્રતિનિધિ તરીકે મેં હાજરી આપી. આ શો નજરે નિહાળવાથી એની પ્રસંગોપાત્ત સર્જાયેલ સુંદર સ્ટેજ સજાવટ, નૃત્યોની રજુઆતમાં ચહેરા પરના ભાવો-લાગણીઓ, અંગમરોડ અને રંગીન વેશભૂષા, ઉત્તમ અભિનય, ૭૦ કલાકારોનું લાઇવ કોરસ અને શિરમોર સમું આલાપ દેસાઇનું સંગીત…અંતરના તાર ઝણઝણાવી દે તેવું હતું.
રામ લલ્લાના જન્મથી માંડી રામનું અયોધ્યામાં પુનરાગમન સહિતના રામાયણના વિવિધ પ્રસંગો એમાં આવરી સુંદર સ્ટેજ શોનું નિર્માણ આપણી ભાવિ પેઢીને મહાકાવ્ય રામાયણનો પરિચય કરાવવા ઉપરાંત કલાના સંગમનો આ શો તૈયાર કરવા માટે સમગ્ર ટીમને અભિનંદન.
 મહિલા ગાયિકા ગાર્ગી વોરા, લીરીક્સ સુરેશ તિવારીનું અને એના CEO હેમંત મટ્ટાણીની જહેમત આ સર્જનમાં રંગ લાવી હતી. એનું નેરેશન પણ નવી પેઢી અને ગુજરાતી-હિન્દી ન જાણનારા માટે વચ્ચે-વચ્ચે ઇંગ્લીશમાં કરાયેલ.
આ શો ભવિષ્યમાં યુ.કે.ના અન્ય શહેરોમાં કરવાની માંગ પણ છે.
અત્રે એ યાદ કરવું ઘટે કે, ૧૯૮૩માં શ્રૃતિ આર્ટ્સની સ્થાપના સંસ્કાર પુરૂષ તરીકે જાણીતા શ્રી ચંદુભાઇ મટ્ટાણીએ કરી હતી. ભારતીય શાસ્ત્રીય અને સુગમ સંગીતના પ્રચાર-પ્રસાર માટે આ સંસ્થાની સ્થાપના કરી કલાકારો અને સભાજનોનો એક ખાસ વર્ગ ઉભો કરવામાં એમનું નોંધનીય પ્રદાન તેઓશ્રીને અમરત્વ બક્ષે છે.


comments powered by Disqus