ગુજરાત સમાચાર દ્વારા આયોજિત ‘સોનેરી સંગત’ કાર્યક્રમ અનેકાનેક વિષયરસ પર ચર્ચા કરતું રહ્યું છે, ત્યારે 30 મેએ સોનેરી સંગતમાં ચર્ચા ચાલી ‘મારી, તમારી અને આપણી વાત.’ જેમાં ચર્ચા થઈ વતનને છોડી યુકે આવેલા આપણા ગુજરાતી ભાઈ-બહેનોની, તેમના આવવાના કારણની, તેમણે સામનો કરેલા પડકારો અને મુશ્કેલીની અને તેઓ દ્વારા પ્રાપ્ત સિદ્ધિની. ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ સી.બી. પટેલે આ સમગ્ર કાર્યક્રમની ધુરા સંભાળી હતી.
સી.બી. પટેલે આ સાથે જણાવ્યું કે, આપણે જ્યારે પરદેશ આવ્યા ત્યારે જાત-જાતની અપેક્ષાઓ અને અભિલાષાઓ હતી.- કેટલીક વાસ્તવિક તો કેટલીક વધારે પડતી આશાવાદી હતી.
સી.બી. પટેલે જગદીશભાઈ દવેને ચર્ચામાં આમંત્રણ આપી તેમની ઓળખ આપતાં તેમના અનુભવો જણાવવા કહ્યું.
જગદીશભાઈ દવેઃ હું ગુજરાતથી લંડન 1984માં આવ્યો, તે પહેલાં ગુજરાતીના અધ્યાપક તરીકે વાડિયા કોલેજ પુણામાં મેં કામ શરૂ કર્યું. હું 1984થી ગુજરાતી શીખવી રહ્યો છું અને હજુપણ અવિરત શીખવી રહ્યો છું. મને લંડનમાં અહીંના ગુજરાતીઓનો સમાજલક્ષી ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ અભ્યાસ કરવાનું કામ મળ્યું હતું.
ગુજરાતથી અહીં સોશિયલ લિંગ્વિસ્ટિક્સનો અભ્યાસ કરવા આવ્યો ત્યારે ભાવનગરના મારા જૂના મિત્ર અને બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં સોશિયોલોજીના પ્રોફેસર રોહિત બારોટે અહીં ભારતીય વિદ્યાભવનમાં મારી ઓળખાણ કરાવી આપી. એટલે સૌપ્રથમ ત્યાંથી કામ શરૂ થયું.
શરૂઆતમાં અહીં જન્મીને મોટા થનારા ગુજરાતીઓ માટે ગુજરાતી શિક્ષણ નવી ભાષાવિજ્ઞાનની પદ્ધતિથી આપવું, જેની તાલીમ મેં પુણાની 150 વર્ષ જૂની ડેક્કન યુનિવર્સિટીથી મેળવી હતી. ત્યાંથી મેં મેળવેલી તાલીમ પ્રમાણે મેં અહીં પણ ભાષા શીખવવાની શરૂઆત કરી હતી. મને તે સમયે કલ્પનાબહેન અને નિલેશભાઈ દવેએ તેમણે સ્થાપેલી વિદ્યાવિહાર નામની સંસ્થામાં જોડાવા માટે આમંત્રણ આપતાં કહ્યું હતું કે, ‘એકેડેમી ઓફ વેદિક હેરિટેજમાં ડાયરેક્ટર થાઓ અને વિદ્યાવિહારમાં પ્રિન્સિપલ તરીકે કામ સંભાળી લો.’ જે બાદ લંડનમાં ભારતીય વિદ્યાભવનમાં મથુરજીએ મને ગુજરાતી શિક્ષક બનાવી લીધો. ત્યારપછી તો અકાદમીના આમંત્રણે ક્રમિક 6 પુસ્તકો લખ્યાં, શિક્ષણ બાદ તાલીમ વર્ગ શરૂ કર્યાં, પરીક્ષાનું આયોજન કરીને મહામાત્ર પણ બન્યો. જે બાદ ગુજરાત સમાચારના માધ્યમથી ‘લર્ન ગુજરાતી’ પુસ્તક પણ પ્રકાશિત થયું, જેનું વિમોચન લોર્ડ મેઘનાદ દેસાઈએ કર્યું હતું.
જગદીશભાઈ દવેના અનુભવો જાણ્યા બાદ સી.બી. પટેલ દ્વારા કુસુમબહેન પોપટને આમંત્રણ આપતાં તેમના અનુભવો જણાવવા આગ્રહ કર્યો.
સી.બી. પટેલના આગ્રહને પ્રતિસાદ આપતાં કુસુમબહેન પોપટે જણાવ્યું કે, મારો જન્મ મોમ્બાસામાં 1930માં થયો છે. હું મોમ્બાસામાં જન્મી, પરંતુ અભ્યાસ પોરબંદર ગુરુકુળના કન્યા વિદ્યાલયમાં કર્યો. અભ્યાસ બાદ પાછી આવી ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું અને પ્લેનની ટિકિટ પણ મળતી નહોતી, જેથી વહાણમાં 1 મહિનો અને 3 દિવસની મુસાફરી કરી. હું વહાણ પર દરિયો જોતાં રોતી હતી કે મારા બાપુજીએ મને ભણતર અધૂરું હોવા છતાં કેમ પાછી બોલાવી લીધી? ભારતથી નીકળી આફ્રિકા પહોંચવું તે કસોટીસમાન હતું. જો કે બાપુજીએ મને આશ્વાસન આપ્યું હતું કે, તું અહીં આવે એટલે તરત સ્કૂલમાં તારું નામ લખાવી દઈશું અને તારી વધુ ભણતરની ઇચ્છા પૂર્ણ કરીશું.
જ્યારે મોમ્બાસા પહોંચ્યા ત્યારે શનિવાર અને રવિવારની રજા હોવાથી કસ્ટમના અધિકારીઓની રજા હતી, એટલે અમને બોટમાંથી ઉતરવા પણ મળ્યું નહોતું. આ સ્થિતિમાં મારા પિતા ખાડીમાં તરતાં તરતાં બોટ પર પહોંચ્યા હતા અને મને મળવા આવ્યા હતા.
ઘરે પહોંચતાં જ મારા પિતાએ મને નાહી ધોઈ તૈયાર થઈ જવા જણાવ્યું. મારા બાએ મને જણાવ્યું હતું કે, બહેનનાં જેઠાણી ઉપર ખાતે (યુગાન્ડા) જવાનાં છે. આ દરમિયાન બહેનનાં જેઠાણી દ્વારા મારાં લગ્નની વાત આવી. જે બાદ મને જોવા માટે આવ્યા અને અમારાં લગ્ન નક્કી થયાં.
કુસુમબહેનનો ભવ્ય ભૂતકાળ જાણ્યા બાદ સી.બી. પટેલે ધીરુભાઈ ગઢવીને આમંત્રણ આપતાં પૂછયું કે, આપ જણાવો કે આપ ક્યાં જન્મ્યા, શું કરતા હતા અને કેમ લંડન આવ્યા?
ધીરુભાઈએ જણાવ્યું કે, 1980માં ક્રાઉલી આવ્યા બાદ ગુજરાતી બહુલ ધરાવતી કેટરિંગ સર્વિસમાં કામ કર્યું. ક્રાઉલીમાં પણ અમે મિત્ર મંડળના સહયોગથી એક નાની સંસ્થા ચલાવતા, જે અંતર્ગત નવરાત્રી સહિતના કાર્યક્રમો યોજતા. 1988માં હું બ્રાઇટનમાં રહેવા આવ્યો અને ત્યાં દુકાન લીધી અને મહેનત કરી એક સફળ બિઝનેસ બનાવ્યો. આ સાથે બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે મેં અને મારી પત્નીએ ખૂબ મહેનત કરી. મારે બે જોડિયા પુત્ર અને બે પુત્રીઓ છે, જેમણે સારામાં સારી ડિગ્રી પ્રાપ્ત કરી પોતાની કંપનીઓમાં સારામાં સારી પોઝિશન પર સેટલ છે.
ઘણા મહાનુભાવો સાથે સંપર્કમાં આવ્યા બાદ GCS – ગુજરાતી કલ્ચરલ સોસાયટીમાં અનેક વર્ષ સેવા કર્યા બાદ કમિટી મેમ્બર, એન્ટરટેઇન્મેન્ટ સેક્રેટરી અને પછી પ્રેસિડેન્ટ તરીકે પણ ત્રણથી 4 વર્ષ સેવા કરી છે. 40થી 45 વર્ષથી GCS હજુપણ તેની સેવાઓ અવિરત આપી રહ્યું છે, જેમાં આજે પણ હું એક એક્ટિવ મેમ્બર તરીકે સેવા આપી રહ્યો છું.
ધીરુભાઈ ગઢવી બાદ સી.બી. પટેલે જ્યોત્સનાબહેન શાહને આમંત્રણ આપતાં પૂછયું કે, આપ ક્યારે આવ્યાં અને તમે અહીં શું સિદ્ધ કર્યું?
જ્યોત્સનાબહેન શાહે જણાવ્યું કે, આપણે રોજીરોટી, કારકિર્દી બનાવવા અથવા પ્રગતિ માટે માઇગ્રેટ થયા છીએ. અમે 27 નવેમ્બર 1992માં હિથ્રો એરપોર્ટ પર જ્યારે ઉતર્યા ત્યારે પરદેશ જવાની ખુશી હતી, તો પોતાનો દેશ છોડવાનું દુઃખ પણ હતું. જો કે ખુશી અને દુઃખની વચ્ચે એક કારકિર્દી પણ બનતી હતી.
લંડનના બેથી ત્રણ મહિનાથી બંધ ફ્લેટમાં અમારો જીવ મુંઝાતો હતો. આ દરમિયાન મારા પતિએ પણ ખૂબ સારી પકડ મેળવી લીધી હતી. આ જ અરસામાં અમારા ઘરે આવતા ગુજરાત સમાચારમાં એડિટરની પોસ્ટ ખાલી હોવા અંગે વાંચ્યું, તો નસીબ અજમાવ્યું. આમ મારા પતિ ડીઆરએ સી.બી. પટેલને ફોન કર્યો અને પછી મને 3 જુલાઈ 1983એ ગુજરાત સમાચારમાં લઈને આવ્યા. જ્યાં સી.બી. પટેલે મારો ઇન્ટરવ્યૂ કર્યો.
પત્રકારત્વ અજાણ્યો વિષય હોવા અંગેનો જે મારો ડર હતો એ સી.બી. પટેલને મળ્યા બાદ દૂર ભાગી ગયો. સી.બી. પટેલના નેતૃત્વમાં અમને ખીલવાની સુંદર તક પ્રાપ્ત થઈ અને આમ જ મેં વિકાસ અને પત્રકારત્વની કેડી પર મંડાણ કર્યાં.
1987માં મારા પતિની પાછી ભારતમાં ટ્રાન્સફર થઈ, ત્યારે સી.બી.ની ઇચ્છા હતી કે તમે ન જાઓ. જો કે ભારત ગયા બાદ ફરી સંજોગો બદલાયા અને 1988માં ફરી અમે યુકે આવ્યા અને ફરી પાછું નવું જીવન શરૂ કર્યું. આ સમયે મેં અનેક ગુજરાતી ક્લાસ અને શાળામાં ગુજરાતીનું શિક્ષણ આપ્યું. હું લંડન યુનિવર્સિટીની ગુજરાતીની એક્ઝામિનર પણ બની, એલઆઇસી ઇન્શ્યોરન્સ એજન્ટ તરીકેનું કામ પણ કર્યું. આ દરમિયાન 1992માં ફરી ગુજરાત સમાચારમાં મારા રસના વિષયમાં જોડાઈ અને ત્યારથી હું મેનેજિંગ એડિટર બની.
જ્યોત્સનાબહેનની ખાટીમીઠી સાંભળ્યા બાદ સી.બી. પટેલે કોકિલાબહેન પટેલને તેમના જીવનની સુરખી જણાવવા આમંત્રણ આપ્યું.
કોકિલાબહેને પોતાની બ્રિટન યાત્રા અંગે જણાવ્યું કે, મારો જન્મ મહિ નદીના કાંઠે આવેલા વાંસદમાં થયો અને આણંદના ડો. પ્રવીણ પટેલ સાથે 26 નવેમ્બર 1971ના રોજ મારા લગ્ન થયાં હતાં. આણંદમાં 6 વર્ષના કારકિર્દીના સંઘર્ષ દરમિયાન ડો. પ્રવીણે બ્રિટનમાં એપ્લાય કર્યું અને સંજોગોવશાત અમારે અહીં આવવાનું થયું.
સ્કોટલેન્ડના મોન્ટ્રોઝમાં રોટલીનો લોટ ન મળે, તુવેર દાળ કે કોઈ કઠોળ પણ ન મળે. પ્રવીણ પણ ખૂબ વ્યસ્ત રહેતા એટલે શોપિંગ માટે ક્યાં જવું અને શું લેવું તેની પણ ખબર નહોતી! અંગ્રેજી ન આવડતું હોવાથી ચિઠ્ઠીમાં શું બોલવું તે પતિએ લખીને આપ્યું હતું અને હું મારા ચાર વર્ષના પુત્ર સાથે ખરીદી કરવા નીકળી પડી. હસબન્ડે આપેલી ચિઠ્ઠી એક ડ્રાઇવરને બતાવી અને તેણે જવાબ આપ્યો, ‘યેસ માય ડાર્લિંગ, ગો અધર સાઇડ.’ ડ્રાઇવરનો જવાબ સાંભળી હું ગભરાવાની સાથે હતપ્રભ થઈ ગઈ અને ઘરે જઈને પતિને કહ્યું, હવે હું ફરી શોપિંગ કરવા નહીં જાઉં. જો કે 4 મહિના બાદ પ્રવીણને યોર્કશાયરમાં જોબ મળી ગઈ. એક દિવસ પતિદેવે જમતાં જમતાં ટકોર કરી કે, ઘરમાં બેઠી ખાયે રાખે છે, કામે જાને. આ પડકારથી અંદરનો માહ્યલો જાગી ઊઠ્યો અને મેં ગ્રીસ અને ઓઇલના કપડાના ટુકડાનાં બંડલ બનાવતી ફેક્ટરીમાં નોકરી શરૂ કરી દીધી.
બ્રેડફોર્ડમાં અમે છ-એક મહિના રહ્યા અને ત્યાં હું પ્રેગ્નન્ટ થઈ. અમે બ્રેડફોર્ટથી જુલાઈ 1987માં લેસ્ટર આવ્યાં અને ત્યાં મારા નાના દીકરા જિગરનો જન્મ થયો. પછીથી ફરી પતિની જોબ બદલાતાં અમે 1990માં પિટરબરો પહોંચ્યાં, ત્યાં દોઢેક વર્ષ રોકાઈને રોમફોર્ડ આવ્યા ત્યારે જિગર દોઢ વર્ષનો હતો. રોમફોર્ડમાં મને એક દુકાન ખરીદી, જે માટે બેન્ક ઓફ બરોડાના તત્કાલીન મેનેજર નટુભાઈ પટેલે મને 14 હજાર પાઉન્ડની લોન આપી હતી. જો કે બાદમાં દીકરાઓના ભવિષ્યને લઈને કરેલા નિર્ણયને લઈને મેં દુકાન વેચી દીધી.
ખરીદનારાએ હપતા ન ભરતાં પ્રથમ લીઝધારક તરીકે તબક્કાવાર મારા પર 45 હજાર પાઉન્ડનું લેણું નીકળ્યું અને દુકાનના માલિક દ્વારા મારા પર કેસ કર્યો. કમભાગ્ય કે હેરોમાં જે સોલિસિટર મળ્યો તે પણ અયોગ્ય. જો કે સી.બી. પટેલના સપોર્ટથી જજસાહેબે મારા સોલિસિટરને કોર્ટનો તમામ ખર્ચ ભરવા અને લેન્ડલોર્ડ સાથે સમજૂતીરૂપે 5 હજાર પાઉન્ડ ભરવા આદેશ આપ્યો. ઓક્ટોબર 1983માં ગુજરાત સમાચારમાં ટાઇપ સેટર તરીકે જોડાઈ. અહીં સી.બી. પટેલ સાહેબના નેતૃત્વ અને પ્રેરણાથી પત્રકારત્વના પાઠ શીખવા મળ્યા.
કોકિલાબહેનના અનુભવ જાણ્યા બાદ સી.બી. પટેલે દેવીબહેન પારેખને તેમના અનુભવ જણાવવા આવકાર્યાં.
સી.બી. પટેલના આવકારને માન આપતાં દેવીબહેને જણાવ્યું કે, હું બોમ્બેમાં જન્મી છું અને 1963માં બોમ્બેથી આફ્રિકાના મોમ્બાસા પહોંચી હતી. ત્યાં પહોંચ્યા બાદ 1964માં નોર્થન સોમાલિયામાં નોકરી કરતા મારા પતિની કંપની બંધ થઈ. આ સમયે અમને ભારત અથવા લંડન જવા માટે કહેવામાં આવ્યું. મારા પતિ મહેશના ભારતમાં કોઈ વધારે સગાં ન હોવાથી અમે લંડન જવાનો નિર્ણય કર્યો.
લંડન પહોંચી ત્યારે અંગ્રેજી આવડતું નહોતું. અહીં 1966માં હું પ્રેગ્નન્ટ થઈ અને બોમ્બે ડિલિવરી માટે ગઈ. પરત આવીને મેં ફેશન સહિતનો મારો શોખ વિકસાવ્યો અને પાર્ટટાઇમ કામ પણ કર્યું. વર્ષ 1982માં લંડનમાં ઇન્ડિયન ફેસ્ટિવલનું આયોજન થયું હતું, જેમાં ભારતીબહેન શાહ અને મને સોના હેન્ડલૂમ દ્વારા ભારતીય વારસાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યાં હતાં, જેના કારણે અમે માત્ર બે ભારતીય મહિલાઓ હાજર રહી હતી.
આ સ્થળે મને ઘણા લોકોને મળવાનો અને ફેશનમાં આગળ વધવાનો અવસર મળ્યો. હું અહીં આવી ત્યારથી લગભગ સાડી અને વેસ્ટર્ન ડ્રેસીસ જ પહેરું છું. મારા આ પરિધાન અંગે લોકો દ્વારા વખાણ કરવામાં આવ્યાં અને આ ક્ષેત્રે કંઈક શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું. આ સમયે દિલ્હીની એક કંપનીએ મને 90 દિવસની ક્રેડિટ પર માલ આપવાની ઓફર કરી અને મેં કામ શરૂ કર્યું.
દેવીબહેનના અપ્સ એન્ડ ડાઉન્સ જાણ્યા બાદ સી.બી. પટેલે પોતાની સ્મરણ યાત્રા વાગોળી હતી.
સી.બી. પટેલે જણાવ્યું કે, હું ભારતમાં જન્મ્યો. મારો મનોરથ ડોક્ટર થવાનો હતો અને થઈ પણ શક્યો હોત, પરંતુ નાણાંની તકલીફ હતી. મારે આર્મીમાં પણ જોડાવું હતું, પોલીસમાં પણ જોડાવું હતું. આઇપીએસની પરીક્ષા આપવા ગયો પણ પરત આવવું પડ્યું, કારણ કે ભરૂચમાં પૂર આવ્યું હતું.
જો કે છેલ્લે મેં માઇગ્રેશન કર્યું. 29 મેએ 1960એ સૌપ્રથમ મેં પરદેશની ધરતી દાર-એ-સલામ પર પગ મૂક્યો, જ્યાં હું છથી સાડા છ વર્ષ રહ્યો. એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો અને લંડન તેને પૂર્ણ કરવા આવ્યો. ઘણા બધા લોકોએ ઘણી રીતે મને મદદ કરી છે અને હજુ મારે લાંબુ જીવવાની ઇચ્છા ખરી... મારે હજુ બીજાં 23 વર્ષ કામ કરવું છે.
સી.બી. પટેલે પોતાનાં સંસ્મરણો વાગોળ્યા બાદ બ્યૂરો ચીફ નિલેશભાઈ પરમાર દ્વારા દેશવિદેશના સમાચારોને લોકો સમક્ષ તાદૃશ્ય કર્યા હતા. કાર્યક્રમને અંત સુધી લઈ જતાં ગ્રૂપ એડિટર મહેશભાઈ લીલોરીયાએ માઇગ્રેશન અંગે જણાવ્યું કે, સ્થળાંતર કોઈ એક પ્રદેશ કે ભૌગોલિક વિસ્તારથી આવનજાવનની પ્રક્રિયા જ નથી. સ્થળાંતર વિકાસની પ્રક્રિયાનો એક અગત્યનો ભાગ છે. સ્થળાંતર કરનારા સંસ્કૃતિ અને મૂલ્યોના સંવાહક અને સંવર્ધક પણ હોય છે. કાર્યક્રમમાં હાજર રહેનારા તમામ લોકોનો ખૂબખૂબ આભાર.
આવતા ગુરુવારે 6 જૂને ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ ભારતના રાજકીય, સામાજિક અને આર્થિક ફલક માટે કેટલું મહત્ત્વ ધરાવે છે તેની ચર્ચા કરીશું. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ચૂંટણી કઈરીતે સમગ્ર વિશ્વને અસર કરે છે તે અંગે પણ ચર્ચા કરીશું.

