ભારતમાં 4 જૂનના રોજ 18મી લોકસભાની 543 સાંસદો ચૂંટી કાઢવા માટેનો લોકશાહીનો યજ્ઞ સફળતાપુર્વક સંપન્ન થયો. ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી મુદત માટે આગામી દિવસોમાં શપથ ગ્રહણ કરવા જઇ રહ્યાં છે. પંડિત જવાહરલાલ બાદ સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાનારા નરેન્દ્ર મોદી આઝાદ ભારતના બીજા વડાપ્રધાન બની રહ્યા છે. આ સાથે તેઓ ભારતના વડાપ્રધાનપદ પર આરૂઢ થનારા ત્રીજા ક્રમના વડાપ્રધાન બની રહ્યાં છે. 1947થી 1964 સુધી ભારતના વડાપ્રધાન રહેલા જવાહરલાલ નહેરૂનો કાર્યકાળ 16 વર્ષ અને 286 દિવસનો હતો જ્યારે બીજા ક્રમે 1966થી 1977 અને 1980થી 1984 દરમિયાન વડાપ્રધાન બનનારા ઇન્દિરા ગાંધી 15 વર્ષ અને 350 દિવસ આ હોદ્દા પર રહ્યાં હતાં. ત્રીજા ક્રમે નરેન્દ્ર મોદી આવે છે. 2014થી વડાપ્રધાન પદને શોભાવી રહેલા મોદીનો કાર્યકાળ 10 વર્ષ અને 19 દિવસનો રહ્યો અને હવે વધુ પાંચ વર્ષ માટે ભારતની જનતાએ તેમને દેશનું સુકાન સોંપ્યું છે.
નરેન્દ્ર મોદી સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઇ તો આવ્યા છે પરંતુ આ વખતના ચૂંટણી પરિણામો ભાજપની આશાઓ રોળી નાખનારા પૂરવાર થઇ રહ્યાં છે. ચૂંટણી પ્રચારના પ્રારંભે ભાજપે અબ કી બાર 400 પારના નારા લગાવ્યા હતા પરંતુ આ નારો પરિણામો જાહેર થતાંની સાથે જ ફુસ્સ થઇ ગયો છે. એ વાતમાં કોઇ શંકા નથી કે ભાજપના નેતૃત્વ હેઠળનું એનડીએ ગઠબંધન આ લખાય છે ત્યારે 291 બેઠકો પર પોતાનો કબજો જમાવી ચૂક્યું છે અને લોકસભામાં બહુમતી માટે જરૂરી એવી 272 બેઠકના આંકડાને પાર કરી ચૂક્યું છે. ભાજપે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે જવલંત વિજયની અપેક્ષા રાખી હતી તે રોળાઇ ગઇ છે. ભાજપના એકચક્રી શાસનનો સામનો કરવા માટે એકજૂથ થયેલા કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા ગઠબંધને સારો દેખાવ કરતાં 234 બેઠકો પર કબજો જમાવી લીધો છે. ભાજપ માટે દુર્ભાગ્યની વાત એ રહી કે 2014 અને 2019ની જેમ તે એકલે હાથે સરકારની રચના કરવાની સ્થિતિ હાંસલ કરી શક્યો નથી.
કોઇપણ સત્તાધારી પક્ષ માટે ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સી મહત્વનું પરિબળ છે. ભાજપને પણ આ પરિબળનો સામનો કરવો પડ્યો છે. તે ઉપરાંત એવું પ્રતીત થઇ રહ્યું છે કે વધુ પડતા આત્મવિશ્વાસે ભાજપની નૈયાને માંડ માંડ કિનારે લગાવી છે. ભાજપે આમ મતદારને સ્પર્શતા મોંઘવારી, બેરોજગારી, ગરીબી જેવા મુદ્દાઓને હાંસિયામાં ધકેલી દીધાં હતાં. ભાજપ એવા સ્વપ્નમાં રાચી રહ્યો હતો કે મોદી હૈ તો મુમકિન હૈ. વડાપ્રધાન મોદી પણ અહીં જનતાની નાડ પારખવામાં થાપ ખાઇ ગયાં અને ભાજપને એક રીતે જોવા જઇએ તો એક મજબૂત સરકારથી વંચિત રહેવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે મોદી અને ભાજપે સરકારને ટકાવી રાખવા માટે એનડીએ ગઠબંધનના સાથીપક્ષોના આશ્રયે રહેવું પડશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. ચૂંટણી વ્યૂહરચના અને મતદારની નાડ પારખવામાં ક્યાં ચૂક થઇ તેનું આત્મમંથન ભાજપે કરવું જ રહ્યું. વડાપ્રધાન મોદી અને ભાજપે મતદાર સમક્ષ ભારતના વિકાસ અને વિશ્વસ્તરે ભારતની વિખ્યાતી સહિતના ઘણા મુદ્દા અસરકારક રીતે રજૂ તો કર્યાં પરંતુ મતદારોની પાયાની સમસ્યાઓની અવગણના કરી અને તેની સીધી અસર ચૂંટણી પરિણામોમાં જોવા મળી.
જોકે આ પરિણામો ભારતની તંદુરસ્ત લોકશાહીનો ચિતાર પણ આપી રહ્યાં છે. કોઇપણ લોકશાહીમાં એક મજબૂત વિપક્ષ અત્યંત આવશ્યક છે. 2014 અને 2019માં રચાયેલી લોકસભાઓમાં મજબૂત વિપક્ષની ગેરહાજરી હતી. જેના કારણે સત્તાધારી પક્ષ દ્વારા ઘણી મનમાની પણ કરાઇ હતી. ભારતની 18મી લોકસભામાં વિપક્ષની મજબૂત હાજરી દેખાઇ રહી છે. જે સરકારને આપખુદ અને સ્વચ્છંદી બનતા અટકાવશે.
કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને પણ આ વખતે મળેલી સફળતાથી મદમાં આવી જવાની જરૂર નથી. ભારતના મતદારોએ તેમને એક મજબૂત વિપક્ષની જવાબદારી સોંપી છે. જો આ વખતે તેઓ આ જવાબદારી વિશ્વસનીય રીતે બજાવવામાં નિષ્ફળ જશે તો ભારતીય મતદારો તેમને આગામી ચૂંટણીમાં માફ કરશે નહીં. વિપક્ષમાં રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ જેવા ઘણા યુવા નેતા છે. તેમણે મળેલી સફળતાને પચાવવી પડશે અને સરકાર જનતાના હિતમાં કામ કરે તે સુનિશ્ચિત કરવું પડશે.
બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે પણ જનતાના સર્વોચ્ચ હિતોને ધ્યાનમાં રાખીને નીતિઓનું ઘડતર અને અમલીકરણ કરવું પડશે. મોંઘવારી, બેરોજગારી જેવી જનતાને કનડતી પાયાની સમસ્યાઓનું નિરાકરણ કરવું પડશે. 18મી લોકસભાની ચૂંટણીના પરિણામોએ એ તો સ્પષ્ટ કરી દીધું છે કે જનતા ગમે તેટલા પ્રભાવશાળી નેતાની શેહશરમ રાખતી નથી. તે કોઇ નેતાને શિરનો તાજ બનાવે છે અને જો તે જવાબદારીમાં ઊણો ઉતરે તો તેને સત્તાથી વિમુખ કરવામાં પણ વિલંબ કરતી નથી. ભાજપની નૈયા આ વખતે તો માંડ માંડ કિનારે લાગી ગઇ છે. એનડીએના સાથી પક્ષોના સથવારે સતત ત્રીજી મુદત માટે દિલ્હીમાં સરકાર તો બનાવી લેશે પરંતુ પોતે અજેય હોવાના ઘમંડમાંથી મુક્ત થવું પડશે. આ વખતના ચૂંટણી પરિણામો દ્વારા ભારતના મતદારે એક સ્પષ્ટ સંદેશ સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓને આપી દીધો છે.
આ લખાઇ રહ્યું છે ત્યારે સંપુર્ણ પરિણામો જાહેર થયાં નથી. કઇ પાર્ટીને કુલ કેટલા મત મળ્યાં અને 2019ની સરખામણીમાં કોની મત ટકાવારીમાં વધારો કે ઘટાડો થયો તે આગામી દિવસોમાં જાણવા મળશે. આ પરિણામો સતત સત્તામાં રહેતા રાજકીય પક્ષોની આંખો ઉઘાડનારા છે. ભાજપની મત ટકાવારીમાં કેટલો ઘટાડો થયો તે આંકડા જાહેર થતાં માલૂમ પડશે અને તેના આધારે ભાજપે આત્મમંથન કરવું પડશે. ધાર્યા પ્રમાણેના પરિણામ હાંસલ ન થતાં ભાજપના જુસ્સા પર જરૂર સર પડી હશે પરંતુ છેલ્લા 10 વર્ષના શાસનકાળમાં કેવા પ્રકારની નીતિના કારણે મતદારો વિમુખ થયાં તેનો અભ્યાસ કરીને નવા કાર્યકાળમાં ભૂલો સુધારવાનો પ્રયાસ કરવો પડશે. જો તેમ થશે તો જ 2029માં ભારતમાં ફરી એકવાર ભાજપ સરકારનું સ્વપ્ન તે જોઇ શકશે. જો ભાજપ ભૂતકાળની ભૂલો સુધારવાનો પ્રયાસ નહીં કરે તો મતદાર તેને જાકારો આપતાં ખચકાશે નહીં તેવી ચેતવણી આ વખતના પરિણામોએ આપી દીધી છે.
