એશિયન એન્ટરપ્રાઇઝ લાઈવઃ એશિયન ઉદ્યોગસાહસિકોનું સશક્તિકરણ

- તનિશા ગુજરાતી Wednesday 06th March 2024 06:33 EST
 
 

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા સોમવાર 19 ફેબ્રુઆરી 2024ના રોજ નવું નેટવર્કિંગ અને ફાયરસાઈડ ચેટ પ્લેટફોર્મ ‘એશિયન એન્ટરપ્રાઇઝ લાઈવ’ લોન્ચ કરવામાં આવ્યું હતું. હેરોના સંગત સેન્ટર ખાતે આયોજિત ઈવેન્ટમાં પ્રથમ મહેમાન વક્તા પિકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ લિમિટેડના ચેરમેન શ્રી યોગેશ મહેતા હતા અને કાન્તિભાઈ નાગડા MBEએ મોડરેટરની ભૂમિકા ભજવી હતી.બિઝનેસ માલિકો અને સ્ટાર્ટ અપ્સ માટે સપોર્ટિવ અને પ્રેરણાદાયી નેટવર્ક રચવાના હેતુસરની આ ઈવેન્ટ સીરિઝમાં એશિયન એન્ટ્રેપ્રીન્યોર્સ તેમની સફળતાની કથાઓ અને ઊંડી સમજમાં સહુને સહભાગી બનાવશે. ઈવેન્ટમાં હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાણ અને ઈલિંગના મેયર કાઉન્સિલર હિતેશ ટેઈલર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી યોગેશભાઈ મહેતા પરમાર્થી છે જેઓ યુકે અને અન્ય 13 દેશોમાં લોકોપયોગી કાર્યો કરે છે. સંપત્તિના નિર્માણ ઉપરાંત, તેઓ વિવિધ ચેરિટીઝને ઉદારપણે દાન કરવા માટે પણ જાણીતા છે. તેઓ 1972માં યુગાન્ડાથી પરિવાર સાથે યુકે આવ્યા હતા. શ્રી યોગેશભાઈએ રેપિડ ફાયર રાઉન્ડમાં હળવાશપૂર્ણ પ્રશ્નોના ઉત્તરો આપ્યા પછી કેટલાક ગંભીર અર્થસભર ઉત્તરો પણ આપ્યા હતા.આ ઈવેન્ટમાં ઉપસ્થિત ન રહી શકનારાઓની માગણીને સંતોષવા ફાયરસાઈડ વાતચીતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છેઃ

કાન્તિભાઈ નાગડા (KN): યોગેશભાઈ, તમારો જન્મ યુગાન્ડામાં સેવન હિલ્સ પર આવેલા સદાબહાર શહેર રાજધાની કમ્પાલામાં થયો હતો. અમને કહો, તમને 1972 યાદ છે?

યોગેશભાઈ મહેતા (YM): હા, બરાબર યાદ છે. તે સમયે હું આશરે 15 વર્ષનો હતો. કમ્પાલામાં જન્મ અને ઉછેર હોવાથી મને દેશ, શહેર અને લોકોની સુંદર સ્મૃતિઓ છે. મને યાદ છે અમે 6-7 મિત્રો હતા, અમે સાથે જ ઉછર્યા હતા અને આજે પણ સંપર્કમાં રહ્યા છીએ.

KN: તમે રાઉન્ડ હાઉસ ઈમારતને જાણો છો? ત્યાં કોણ રહેતું હતું તે વિશે યાદ છે?
YM: મને રાઉન્ડ હાઉસની જાણકારી છે પરંતુ, ત્યાં કોણ રહેતું હતું તેની યાદ નથી.

KN: ઈન્ડિયન હાઈ કમિશનર. તમે જ્યાં રહેતા હતા ત્યાંથી આ ઘણે દૂર ન હતું. યોગેશે બાથ નજીકના નાના ગામ ચિપ્પેનહામમાં કોલેજ કરી હતી અને પાછળથી કોલેજના પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપી હતી. 1960ના દાયકામાં ચિપ્પેનહામમાં દુકાનો શનિવાર બપોરે લંચ ટાઈમ પછી બંધ થઈ જતી તે સોમવારની સવારે ખુલતી હતી. તમારે કદી વીકએન્ડ્સમાં ભૂખ્યા રહેવું પડ્યું છે?
YM: ખરેખર નહિ, 70ના દાયકામાં ઘણું બધું બદલાઈ ગયું હતું. બાથ ઘણે દૂર ન હતું અને હું મુસાફરી ઘણી કરતો. અમે મિત્રોએ મોડે સુધી પીરસતા તમામ સ્થળો શોધી કાઢ્યા હતા. આ પછી હું બે વર્ષ લંડનમાં રહ્યો હતો અને આશરે 9000 વિદ્યાર્થીઓ સાથેના સ્ટુડન્ટ્સ યુનિયનનો પ્રેસિડેન્ટ બન્યો હતો. મને એ સવાર આછીપાતળી યાદ છે. કોઈકે આ માટે મારું નામ આપ્યું હતું. હું બહારથી આવ્યો હતો અને માત્ર ખપ પુરતી વાતચીત કરવા પુરતું ઈંગ્લિશ બોલી જાણતો હતો છતાં, તેમને મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ હતા. આ બહુ મોટું પ્લેટફોર્મ હતું અને મને લાગે છે કે અમે 3-4 જ ભારતીયો હતા. અહીંથી બધી શરૂઆત થઈ હતી. મેં ફેરફારો કર્યા હતા. મેં ઘણા રેડ્સ (સામ્યવાદીઓ)ને ઠંડા (બ્લુ) પાડી દીધા હતા અને મેં જ્યારે વિદાય લીધી ત્યારે સારું બેન્ક બેલેન્સ ધરાવતો એક માત્ર પ્રેસિડેન્ટ હતો.

KN: તમે ઘણા સામ્યવાદીઓ (રેડ્સ)ને ઠંડા પાડી દીધા તો તમે રિશિ સુનાકને મદદ કરશો? રેડ્સને બ્લુઝમાં ફેરવી નાખવાની કેટલી સંભાવના રહેશે?
YM: સંભાવના તો ઘણી મુશ્કેલ છે, માર્ગ લાંબો છે અને ઘણું થઈ શકે છે. પરંતુ, હું આશા રાખું કે તેઓ ચાલુ રહે અને દેશને સ્થિર બનાવે કારણકે સમગ્ર યુરોપ બદલાઈ રહ્યું છે. હું માનું છું કે રિશિ આ કામ માટે પરફેક્ટ છે અને મહાન છે.
KN: યોગેશભાઈએ જુનિયર તરીકે 1974માં કારકીર્દિની શરૂઆત કરી હતી. યુનિવર્સિટીમાં જતા પહેલા આ કામચલાઉ નોકરી જ હતી પરંતુ, તેમણે ઈન્ટરનેશનલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ચાલુ રાખ્યું અને મેનેજર બનવા સુધી પ્રગતિ કરી. તેમણે 1977માં બાપુજીના ક્લોધિંગ બિઝનેસમાં જોડાવા માટે નોકરી છોડી દીધી અને થોડા મહિનાઓ પછી હેરફેર અને રિલોકેશનનો પોતાનો જ બિઝનેસ શરૂ કર્યો હતો. તેમણે 1980માં અમેરિકન બિઝનેસ પાર્ટનર સાથે બિઝનેસની શરૂઆત કરી અને પોતે જ્યાં નોકરી કરતા હતા તે જ કંપની હસ્તગત કરી લીધી. મને યાદ આવે છે કે 3 ડિસેમ્બર 2012માં તમે 900 નોકરીઓ બચાવી હતી અને તેના મથાળાં બિઝનેસ મેગેઝિન્સમાં ચમક્યાં હતાં. આ પછી તમે પિકફોર્ડ્સ ખરીદી, આ બધા વિશે અમને વિગતે જણાવો.
YM: મેં અગાઉ જણાવ્યું તેમ મારે હંગામી નોકરી કરવી હતી પરંતુ, એમ્પ્લોયરને ફૂલ ટાઈમ કામ કરે તેવી વ્યક્તિ જોઈતી હતી. જોકે, મેં ત્યાં 2-3 મહિના જ કામ કરવાનું વિચાર્યું હતું પરંતુ, આ કામ મને ગમી ગયું અને લાંબો સમય ત્યાં રહ્યો અને ત્રણ વર્ષમાં જ હું જનરલ મેનેજર બન્યો હતો. કામ ઘણું પડકારજનક હતું પરંતુ, હું યુવાન અને ઘણો ભૂખ્યો હતો. તો આ મારી પ્રારંભિક યાત્રા હતી. મેં જે ઈચ્છ્યછ્યછયું તે હાંસલ કર્યું. હું અહીં છું તેના મુખ્ય કારણોમાં કદાચ આ એક હોઈ શકે. કારણ એ છે કે મેં ગત 20 વર્ષમાં ગતિશીલતાનું ઘણું પરિવર્તન નિહાળ્યું છે. હું જોઉં છું કે બાળકો ફેમિલી બિઝનેસને ચલાવવા નથી ઈચ્છતા, આપણે જે કર્યું તે સારી કરવાલાયક બાબત હતી. આપણી પેઢીએ બાળકોને સારું શિક્ષણ આપ્યું છે, આથી તેઓ પ્રોફેશનલ્સ બને છે અને સારી નોકરીઓ મેળવે છે. હવે તો શૂન્યાવકાશ સર્જાયો છે કારણકે કોઈ ઉત્તરાધિકાર રહ્યો નથી અને શું થાય છે તે પણ મેં ધ્યાને લીધું છે. આગામી પેઢી 15-20 વર્ષ સુધી તેમની કોર્પોરેટ નોકરીઓમાં કામ કરશે અને તે પછી, બદલાવ લાવવો ઘણો મુશ્કેલ બને છે. હું આ જાણું છું કારણકે હું જનરલ મેનેજર હતો ત્યારે 3 વર્ષના કામકાજ પછી મેં આસ્થાપૂર્વક કૂદકો લગાવ્યો હતો. હું મોટી કંપની સાથે કામ કરી રહ્યો હતો અને જો મેં ત્યાં કામ કરવાનું ચાલુ રાખ્યું હોત તો હું ખુશ અને સુરક્ષિત પણ હોત. પરંતુ, જોખમ લેવું એ જ મહત્ત્વનું છે. આ જ કારણથી હું યુવા લોકોને બિઝનેસીસમાં જોડાવા, પોતાનું પાયાનુ ઘડતર અને શિક્ષણ પૂર્ણ કર્યા પછી આ જોખમ લેવા પ્રોત્સાહિત કરું છું, પરંતુ, એક તબક્કે કોઈ બિઝનેસ કરવાનો, ખાસ કરીને ફેમિલી બિઝનેસ કરવા પ્રયાસ કરો. ઈંગ્લેન્ડમાં તો વિવિધ પ્રકારના અસંખ્ય નાના બિઝનેસીસ છે.મારા પિતાની ફિન્ચલી નજીક વ્હેટસ્ટોનમાં નાની રીટેઈલ શોપ હતી. મેં ત્યાં હોલસેલ ડિવિઝન શરૂ કર્યું અને મહત્ત્વની બાબત એ હતી કે મને સખત મહેનતનું કામ ગમતું હતું. હું કોમર્શિયલ સ્ટ્રીટ્સમાં જતો અને સેમ્પલ્સ ખરીદતો, સેમ્પલ્સ સાથે બાથ, બ્રિસ્ટોલ, કાર્ડિફ અને આખા દેશમાં ઘેર ઘેર ફરતો હતો. પહેલા થોડાં સપ્તાહોમાં હું ઘેર ઘેર દરવાજા ખટખટાવતો તો શરૂઆતમાં કોઈ રસ નહિ દર્શાવતું પણ હું તેઓ થાકી ન જાય અને મને તક ન આપે ત્યાં સુધી તંત ન છોડતો. મેં તેમને મારા સેમ્પલ્સ દેખાડ્યા, તેમના ઓર્ડર્સ લીધા, ઈસ્ટ લંડન પહોંચ્યો, માલ ખરીદ્યો અને તેની ડિલિવરી પણ કરી દીધી. મારી પાસે વધુ સ્ટોક ખરીદવા ઝાઝી મૂડી ન હતી. એક વર્ષ સુધી મારી પાસે કોઈ નાણા ન હતા. મેં આરામની નોકરી છોડીને આ જોખમ લીધું હતું અને તે બાબત જ તફાવત સર્જનારી હતી. બધું જ બદલાઈ ગયું, મારી અંદરનું કોઈ મને મોટી વસ્તુઓ કરાવવા માગતું હતું. અને હું નસીબદાર હતો.સારા નસીબે, હું અગાઉની કંપનીમાં નોકરી કરતો હતો ત્યાં કામ કરનારા અમેરિકન મેનેજિંગ ડાયરેક્ટરનો એક દિવસ મારા પર કોલ આવ્યો. તેઓ પોતાનું કામકાજ શરૂ કરી રહ્યા હતા અને તેમણે મૂવિંગ કંપનીમાં ઈક્વિટી પાર્ટનર તરીકેનું સ્થાન મને ઓફર કર્યું. કોઈ જાતના ખચકાટ વિના મેં હા કહી દીધી. મેં પિતાજીને મારો હોલસેલ બિઝનેસ સોંપી દીધો પરંતુ, નવો બિઝનેસ શરૂ કરવા મારે મૂડીની જરૂર હતી. હું પિતાજી પાસે જઈ કોઈ નાણાની માગણી કરી શકું તેમ ન હતો કારણકે તેમણે યુગાન્ડામાં પોતાની તમામ મૂડી ગુમાવી હોવાનું મેં નિહાળ્યું હતું. આથી, હું મિત્રો અને પારિવારિક મિત્રો પાસે ગયો. મારે 1978માં 120,000 પાઉન્ડનું કરજ લેવું પડ્યું હતું પરંતુ, લોકો પાસે જવાની અને તેમની પાસેથી નાણા ઉધાર મેળવવાની મારામાં હિંમત હતી. બિઝનેસ માટે આ આવશ્યક હતું અને બેએક વર્ષમાં બિઝનેસ જોરદાર ચાલ્યો. અમે સફળ બન્યા હતા. અમે ધીમે ધીમે એક ટીમ ઉભી કરી. અમે વિસ્તરણ કર્યું, વોટફોર્ડ પહોંચ્યા, અન્ય કંપનીઓ હસ્તગત કરવાનું ચાલુ રાખ્યું, આવકો ઉભી કરી અને અન્ય 13 દેશોમાં ફેલાવો કર્યો. આ સમગ્ર યુરોપમાં છેક, સ્કેન્ડેનેવિયા, નોર્વે, સ્વીડન, ડેન્માર્ક, જર્મની, ફ્રાન્સ સુધી હેરફેર અને સ્થળાંતર-રીલોકેશનની કંપની હતી. લાંબા સમય સુધી મારી કામગીરી ટ્રબલશૂટરની રહી હતી. પરંતુ, જો મારે ફરીથી કાંઈ કરવાની તક સાંપડે તો કદાચ મેં અલગ ઈન્ડસ્ટ્રી, યુરોપમાં મજૂરો અને ડ્રાઈવર્સ સાથે કામ કરવાની ઈન્ડસ્ટ્રી પસંદ કરી હોત. હું જ્યારે પણ સવારમાં કોઈ અવરોધ કે સમસ્યા સાથે જાગું ત્યારે તેને હું એક પ્રક્રિયા તરીકે જ હાથ લઉં છું. તે દિવસો રોજિંદા પડકારના હતા અને સારા નસીબે, કંપનીઓએ ઘણો સારો વિકાસ કર્યો છે. અમે વિશાળ ગ્રૂપમાં પહોંચી ગયા છીએ જે સમૃદ્ધ થતું રહ્યું છે.મેં પિકફોર્ડ્સની શરૂઆત કરી અને તેને ઘણાં વર્ષો થયાં પરંતુ, હું જ્યાં સુધી અન્ય કોઈ વ્યક્તિને તે સુપરત ના કરું ત્યાં સુધી તેને જાળવી રાખી મજબૂત બનાવવા ઈચ્છું છું. આ એક બ્રાન્ડ છે.બિઝનેસમાં હું ભારે નસીબદાર છું કે મારા નાના ભાઈઓ, હિતેશ અને દિલેશ, પરિવારની માફક મારી સાથે ઉભા રહ્યા છે. મારા સૌથી નાના ભાઈ દિલેશે પરફ્યુમ્સ વેચવાની શરૂઆત કરી અને હિતેશ ફાર્માસિસ્ટ છે. તેઓ એરિયાના ગ્રાન્ડે, જેનિફર લોપેઝ વગેરે સાથે ગણનાપાત્ર કામ કરી રહ્યા છે. આ માત્ર પરફ્યુમ્સ વેચવાની વાત નથી, તે સુગંધના સર્જન, અત્તરની બનાવટ, ફીચરીંગ અને એડવર્ટાઈઝિંગની પણ વાત છે, આમાં અસ્તિત્વ જાળવી રાખવા વ્યક્તિએ ઘણા નાણા ખર્ચવા પડે છે અને મારા બંને ભાઈઓએ ખરેખર સારું કાર્ય કર્યું છે. પારિવારિક બિઝનેસ અમારા ત્રણ વચ્ચે જ રહ્યો છે. ખરેખર તો, વ્યક્તિએ માત્ર એક બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પરંતુ, મારામાં રહેલા ઉદ્યોગસાહસિકે મને અન્ય બિઝનેસીસ કરવાની છૂટ આપી છે. ઘણી બધી દિશાઓમાં કામકાજ વિસ્તરેલું રહેવાથી મારા માટે પ્રવાસ કરવો મુશ્કેલ રહે છે. આથી, મેં 25 ટકા ઈક્વિટી હિસ્સો મારી મેનેજમેન્ટને સુપરત કરી દીધો છે જેથી, મારે વારંવાર પ્રવાસ કરવાનો રહે નહિ. મેં 20 વર્ષે બિઝનેસની શરૂઆત કરી, 27મા વર્ષે લગ્ન કર્યા અને હું મારા પિતાને ખુશ કરવા ઈચ્છું છું.

KN: આપણે હાલ ઘણા ઉદાહરણ જોઈએ છીએ જ્યાં બાળકો અલગ વ્યવસાય પસંદ કરે છે અને પારિવારિક બિઝનેસ વારસામાં મેળવી તેને ચલાવવા ઈચ્છતા નથી. તેમને ફેમિલી બિઝનેસમાં કોઈ જ રસ હોતો નથી. તમને એશિયન એન્ટ્રેપ્રીન્યોર્સનું ભાવિ કેવું લાગે છે?
YM: તેમની સાથે નિખાલસતાથી ચર્ચા કરવાનું મહત્ત્વપૂર્ણ છે. બાળકો ચોક્કસ ઉંમર પછી જોખમ લેવાનું ઈચ્છતાં નથી. આથી, હું તેમને એવી સલાહ આપીશ કે થોડાં વર્ષ બહાર જઈ કામકાજ કરો અને પછી વિચારો અને તેમના કમ્ફર્ટ ઝોનમાંથી કૂદકો મારી હાથમાં આવેલી તક ઝડપી લો. કારણકે કોઈ સલામત નોકરી છેડવા ઈચ્છતું નથી. એક વખત તમે તમારા કામકાજી જીવનમાં બરાબર આરામથી ગોઠવાઈ ગયા હો ત્યારે બિઝનેસમાં જોડાવું ઘણું મુશ્કેલ બને છે. હું આશા રાખું છું કે હું તેમના મનમાં પ્રેરણાના બીજ રોપી શકીશ.

KN: એક પરોપકારી વ્યક્તિ તરીકે યોગેશભાઈએ લેસ્ટરમાં જૈન મંદિર, હેઈઝમાં નવનાથ સેન્ટર જેવી વિવિધ ચેરિટીઝમાં સક્રિય ભૂમિકા ભજવી છે. તમે જે ચેરિટીઝ સાથે સંકળાયેલા છો તેના વિશે થોડું જણાવો.
YM: શરૂઆતના દિવસોમાં મેં સી.બી. પટેલ જેવા લોકોને વ્યાપક સખાવતી કાર્યો કરતા નિહાળ્યા હતા. હું તેમના જેવા લોકો પાસેથી શીખ્યો છું. મારા પત્ની પણ 80ના દાયકાના પૂર્વાર્ધમાં શરૂઆતમાં ટ્રસ્ટનો હિસ્સો હતા.
હું NSPCCનો કમિટી મેમ્બર હતો. હું ત્યાં બે-ત્રણ વર્ષ હતો. લેસ્ટરમાં જૈન દેરાસરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે અમે પરિવાર તરીકે સારી રકમનું યોગદાન કર્યું હતું અને મેં એમ કરવાનું ચાલુ રાખ્યું છે. મને પ્રોપર્ટી ખરીદવામાં ઘણાં વર્ષ લાગી ગયા, મેં માત્ર નાણાકીય યોગદાન જ નથી કર્યું પરંતુ, કોમ્યુનિટીમાંથી પણ સારી રકમ એકત્ર કરી આપી હતી. અમે તાજેતરમાં સૌપ્રથમ હિન્દુ સ્મશાનગૃહ બનાવવામાં એક સ્વામિનારાયણ મંદિરને પણ બહોળું યોગદાન આપ્યું હતું. અને મારા ભાઈઓ પણ આ કાર્યોમાં સતત સાથ આપતા રહ્યા છે.

KN: આશરે 20 વર્ષ પહેલા આપણે રેયનેર્સ લેનમાં કાઠિયાવાડી રેસ્ટોરાંમાં હતા ત્યારે તમે 3 પેઈન્ટિંગ્સ માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી. શું આર્ટવર્ક્સનો સંગ્રહ કરવો તમારો શોખ છે?
YM: હું કળાનો પ્રશંસક છું. મારા યુવાનીના દિવસોમાં હું કારનો સંગ્રહ કરવાનો શોખ ધરાવતો હતો. ધીમે ધીમે કળાક્ષેત્રમાં, ખાસ કરીને એમએફ હુસૈન, ગાયતોન્ડે, અને મહેતા જેવા ભારતીય માસ્ટર્સ સંદર્ભે મારો પ્રવેશ થયો. આને ઈન્વેસ્ટમેન્ટ્સ સાથે કોઈ સંબંધ નથી. જોકે, થયું છે એવું કે કળાનું મૂલ્ય ધીરે ધીરે નોંધપાત્રપણે વધ્યું છે.ફાયરસાઈડ ચેટ પછી, પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે ફાયરસાઈડ ચેટ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જીવન, નસીબ અને આંતરિક ઈચ્છા, તંદુરસ્ત લાઈફસ્ટાઈલ, નેટવર્કિંગ અને બિઝનેસમાં સંપર્કોના નિર્માણ વિશે વાત કરી હતી. તેમણે યુવાન એન્ટ્રેપ્રીન્યોર્સને પ્રેરણા આપવાનો વિચાર કેવી રીતે આવ્યો તેમજ વર્ષો પહેલા તેમણે એશિયન એચિવર્સ એવોર્ડ્સ શરૂઆત કરી હતી તેના વિશે પણ જણાવ્યું હતું. સીબીએ વિવિધ સંગઠનો/સંસ્થાઓ સાથે યોગેશભાઈના સખાવતી કાર્યો પર પ્રકાશ પાથર્યો હતો. તેમણે કાન્તિભાઈનો આભાર માન્યો હતો અને બિઝનેસ વિશ્વને અમૂલ્ય યોગદાન આપવા બદલ યોગેશભાઈ અને ઉત્સાહપૂર્વક ઈવેન્ટમાં ઉપસ્થિત રહેવા બદલ તમામ લોકો પ્રતિ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. ABPLના ગ્રૂપ એડિટર મહેશભાઇ લિલોરિયા દ્વારા આભાર પ્રસ્તાવ સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું


comments powered by Disqus