લંડનસ્થિત સી.બી. પટેલના નેતૃત્વમાં ગુજરાત સમાચાર યુકે સ્થિત ગુજરાતીઓને પોતાના વતનમાં જોડી રાખે છે, જે પ્રયાસરૂપે તેમના માર્ગદર્શનમાં અને કોકિલાબહેન પટેલના નેતૃત્વમાં ગુજરાત સમાચારે ઝૂમ દ્વારા ‘સોનેરી સંગત’ કાર્યક્રમ શરૂ કર્યો છે. જે અંતર્ગત 26 ફેબ્રુઆરીએ યોજાયેલા ‘સોનેરી સંગત’ કાર્યક્રમમાં એડિટર ઇન ચીફ સી.બી. પટેલ, કોકિલાબહેન પટેલ ઉપરાંત માયાબહેન દીપક, નિલેશ પરમાર, સ્કોટલેન્ડથી મીનાક્ષીબહેન ચાંપાનેરી, કાંતિભાઈ નાગડા, ડો. જગદીશભાઈ દવે, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજાબહેન રાવલ, આશાબહેન પટેલ, ભરતભાઈ કિરી, ઊર્મિલાબહેન ઠક્કર સહિત અનેક ગુજરાતીઓએ સોનેરી સંગતની રંગત જમાવતાં કાર્યક્રમમાં હાજર સૌકોઈનું અભિવાદન કરી આવકાર્યા હતા.
ગુજરાત સમાચારના ‘સોનેરી સંગત’ની રંગત જમાવતાં કોકિલાબહેન પટેલે કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો અને ગુજરાત અને તેના હવામાન અંગે લોકોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત ઠંડી, વરસાદ અને અન્ય કારણોથી બહાર નીકળી ન શકતા લોકો માટે સી.બી. પટેલના એક ઉચ્ચ વિચારને લોકો સમક્ષ મૂક્યો હતો. જે અંતર્ગત ગુજરાત સમાચાર દ્વારા ઘરની બહાર ન નીકળી શકવાની સ્થિતિમાં ઘરમાં રહેતાં જ સૌકોઈને આપણા વતન અને દેશ-દુનિયાના સમાચારથી અવગત બને તે અંગે ‘સોનેરી સંગત’ નામથી ઝૂમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી.
કોકિલાબહેન પટેલે જણાવ્યું કે, આ કાર્યક્રમ દ્વારા વાંચકો અને લોકોને ઘરેબેઠાં નવાનવા જ્ઞાનવર્ધક વિષયો, ગમ્મત કરાવતા વિષયો, સમાચારની સરવાણી, એક્સપર્ટની એડવાઇસ, સંગીતની મહેફિલ માણી શકશે.
‘સોનેરી સંગત’ની શરૂઆત માયાબહેન દીપક દ્વારા ભગવાન શ્રીગણેશની પ્રાર્થનાથી કરવામાં આવી હતી, જે બાદ પ્રોસ્ટેટ કેન્સરની બીમારીથી ઝઝૂમતા કિંગ ચાર્લ્સની સુખાકારી માટે ‘હમ કો મન કી શક્તિ દેના’ પ્રાર્થના કરવામાં આવી હતી. જે બાદ ગઝલ સમ્રાટ પંકજ ઉધાસને શ્રદ્ધાંજલિ આપતાં ‘ચિઠ્ઠી આઇ હૈ’ ગીત પ્રસ્તુત કર્યું હતું. ‘સોનેરી સંગત’માં સમાચારોનો રસથાળ પ્રસ્તુત કરતાં નિલેશ પરમારે દેશ-દુનિયાના સમાચારની ઝલક રજૂ કરી હતી.
બ્રિટનમાં રહેતાં અને ગુજરાતી ભાષાના મશાલચી ડો. જગદીશભાઈ દવેના માતૃભાષા અંગેના યોગદાનને કોકિલાબહેન પટેલ દ્વારા બિરદાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત તેમના દ્વારા ગુજરાત સમાચારમાં 80 અને 90ના દાયકામાં આવતી તેમની કોલમ ‘લર્ન ગુજરાતી’ને પણ કોકિલાબહેને યાદ કરી હતી.
સ્કોટલેન્ડમાં ગુજરાતી ભાષાનું જતન કરનારાં અને સ્થાનિક ગુજરાતી પરિવારોનાં બાળકોને ગુજરાતીનું જ્ઞાન આપનારાં મીનાક્ષીબહેન ચાંપાનેરીને કોકિલાબહેન દ્વારા આવકારાયાં હતાં. મીનાક્ષીબહેને સી.બી. પટેલ અને હાજર સૌકોઈનો આભાર માનતાં કહ્યું હતું કે, 1985માં આવ્યાં ત્યારે એકલવાયું લાગતું હતું. બર્મિંગહામથી આવી હું અહીં 250થી 300 બાળકોને ગુજરાતીનું શિક્ષણ આપતી હતી. શરૂઆતમાં 5થી 6 બાળકોને ભણાવતી હતી, જેમાં મારી 2 દીકરી પણ હતી, એક વર્ષના અંતે હું 15થી 20 બાળકોને ભણાવતી હતી. દૂરદૂરથી આવતાં આ બાળકોને મેં કક્કો-બારાખડી શિખવાડ્યાં, લખતાં -વાંચતાં કર્યા અને બાદમાં મેં તેમને સ્ટેજ પર પ્રાર્થના પર્ફોર્મ કરવા પ્રોત્સાહન પણ આપ્યું. મીનાક્ષીબહેને હાલમાં સ્કોટલેન્ડમાં ગુજરાતી અને ભારતીય સમાજના વર્ચસ્વ અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા.
લંડનના હેરોમાં કાનૂની સલાહ આપતા સંગત એડવાઇસ સેન્ટરના સીઈઓ કાંતિભાઈ નાગડાને કોકિલાબહેને આવકારતાં તેમની ઓળખ આપી હતી અને યોગેશભાઈ મહેતા અંગે ઓળખ આપવા જણાવ્યું હતું. કાંતિભાઈ નાગડાએ યોગેશભાઈ અંગે કહ્યું કે, 19 ફેબ્રુઆરીએ ગુજરાત સમાચારના નેજા હેઠળ એક કાર્યક્રમ યોજાયો, જ્યાં એક જાણીતા બિઝનેસમેન યોગેશભાઈ મહેતાનો પરિચય આપવામાં આવ્યો હતો. તેઓ યુકે સહિત 13 દેશોમાં વિવિધ વ્યવસાય કરે છે અને 2500થી વધુ કર્મચારીઓનું ગુજરાન તેઓ ચલાવે છે. તેઓએ શૂન્યથી સર્જન કરી અબજોપતિ સુધીની સફર ખેડી છે. તેઓ મારા સાત ટેકરી પર બનેલા લીલાછમ્મ હોમ ટાઉન કંપાલામાં જન્મ્યા છે.
1972માં ઇદી અમીને તમામને તગેડી મૂક્યા, તેનો ભોગ મારી સાથે તેઓ પણ બન્યા હતા. તે સમયે તેઓ એક બહેન અને બે ભાઈઓ સાથે યુકે આવ્યા. યોગેશભાઈએ એક નાના ટાઉનમાં પોતાનો કોલેજનો અભ્યાસ કર્યો, હું પણ 1966માં તે જ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે ત્યાં એક વર્ષ પ્રેસિડેન્ટ પણ રહ્યા.
1974માં યોગેશભાઈ એક જુનિયર તરીકે એક કંપનીમાં કામે લાગ્યા. તે ઇન્ટરનેશનલ કંપનીમાં સતત નોકરી ચાલુ રાખી મેનેજર તરીકે પ્રોગ્રેસ પણ કરી. 1977માં તેમણે તે નોકરી છોડી પિતાના કપડાના વ્યવસાયમાં લાગ્યા, જ્યાં તેમણે મૂલ્યવાન અનુભવ મેળવવા ઘણા મહિના ગાળ્યા.
જો કે, તેમની ઉદ્યોગસાહસિક ભાવનાથી તેમણે ડિસેમ્બર 2012 માં તેમના ભાગીદાર ટીમોથી રોમર સાથે મળીને એક સંઘર્ષ કરતી કંપની પિકફોર્ડ્સ ખરીદી તક ઝડપી લીધી. જે-તે સમયે પિકફોર્ડ્સ અનેક પડકારોનો સામનો કરી રહી હતી અને તે બંધ થવાની આરે હતી અને 900 કર્મચારીઓની આજીવિકા જોખમાઈ હતી. જો કે યોગેશભાઈ અને ટિમોથીના હસ્તક્ષેપથી આ 900 લોકોની નોકરીઓ તો બચી જ ગઈ, ઉપરાંત યોગેશભાઈને પિકફોર્ડ્સના ચીફ એક્ઝિક્યુટિવ અને પ્રાથમિક માલિકની ભૂમિકામાં લાવી દીધા.આ સફળતાના આધારે યોગેશભાઈએ તેના ભાઈ સાથે ફ્રેગ્રન્સ ઉદ્યોગમાં ઝંપલાવી શેનિલ એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી, જે ઝડપથી યુકેની અગ્રણી પર્ફ્યૂમ કંપનીઓ પૈકી એક બની ગઈ. પોતાના બિઝનેસ સામ્રાજ્યને વધુ વિસ્તારીને યોગેશભાઈએ વિવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યકરણ કર્યું, જેમાં વાનકુવર, ટોરોન્ટો અને એડમોન્ટન જેવાં શહેરોમાં અને કેનેડામાં વેરહાઉસ ખરીદવાનો સમાવેશ થાય છે. વધુમાં તેણે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ કર્યો, રશિયામાં એક અગ્રણી પ્રોપર્ટી કંપનીમાં ભાગીદાર બનવાની સાથે તેની ઉદ્યોગસાહસિક વૈવિધ્યતા અને અનુકૂલનક્ષમતા પણ દર્શાવી.
તેમના ઉદ્યોગ સાહસિક વ્યવસાયોની સાથે યોગેશભાઈએ લેસ્ટરમાં એક મોટું મંદિર પણ ઊભું કરાવ્યું અને અનેક સમુદાયની સંસ્થાઓની શરૂઆત કરી. વધુમાં તેમણે એક જમીન ખરીદી, જે બ્રિટિશ એરવેઝનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ હતું. આ જમીન તેમણે ઉદારતાથી નવનાથ વણિક એસોસિયેશનને આપી, જ્યાં આજે વણિક સમાજનું નવનાથ ભવન છે.
વધુમાં યોગેશભાઈએ NSPCC સહિત વિવિધ સખાવતી કાર્યોમાં ટેકો આપ્યો, જ્યાં તેની પત્ની પણ સભ્ય તરીકે સક્રિય રીતે સામેલ છે. તેમણે ડેવલપમેન્ટ કમિટીના પ્રેસિડેન્ટ તરીકે સંસ્થાના મિશનોને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમના આ પરોપકારનો પ્રવાહ સરહદો પાર યુકે, ભારત, આફ્રિકા અને અન્ય સ્થળે પણ વિસ્તરેલો હતો. યોગેશભાઈનો કલા પ્રત્યેનો જુસ્સો તેમનાં ચિત્રોના વ્યાપક સંગ્રહ દ્વારા સ્પષ્ટ થાય છે, જેમાં અગ્રણી ભારતીય કલાકારોના પેઇન્ટિંગ પણ સામેલ છે. 25 વર્ષ પહેલાં એક એક્ઝિબિશનમાંથી અગ્રણી ચિત્રકારનાં ખરીદેલાં પેઇન્ટિંગની કિંમત આજે 2 મિલિયન પાઉન્ડ છે.
બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજાબહેન રાવલે જણાવ્યું કે, ગુજરાત સમાચાર – એશિયન વોઇસ 51 વર્ષથી સેવાયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ દ્વારા સૌને ભાષા, જ્ઞાન અને ચિંતનની સેવા આપી રહ્યાં છે. અમે અમારા વાંચકો સાથે અમારો ગાઢ સંબંધ બંધાયો છે, જેનો બહોળો પ્રતિસાદ પણ મળ્યો છે. હું આપને વિનંતી કરું છું કે આપ ગુજરાત સમાચાર ન વાંચતા હો તો આજે જ સબસ્ક્રાઇબ કરો અને જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞમાં જોડાઓ અને આપના સંબંધીઓને પણ પ્રોત્સાહિત કરો. અમે હાલ ખાસ 10 ટકાની ઓફર આપી રહ્યા છીએ. અમે મધર્સ ડે અને વુમન્સ ડે દ્વારા નારીશક્તિની ઉજવણી કરી રહ્યા છીએ, જે અંતર્ગત 10 ટકા રાહતદરે સબસ્ક્રાઇબર્સને નોંધી રહ્યા છીએ. અમારી ટીમ સોમવારથી શુક્રવાર સવારે 9થી 6 વાગ્યા સુધી આપને મદદ કરવા માટે તત્પર છીએ, તો આજે જ અમારો સંપર્ક કરો.
એડિટર ઇન ચીફ સી.બી. પટેલે લોકોને વંદન કરતાં જણાવ્યું કે, મને આનંદ છે કે ગુજરાત સમાચાર 2 મહિનામાં 52 વર્ષ પૂર્ણ કરશે. આપણો આ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ તેનું જ એક સોપાન છે. આપ સૌના સહકારથી જ ગુજરાત સમાચાર સેવાયજ્ઞ અને જ્ઞાનયજ્ઞમાં અડીખમ છે. આ કાર્યક્રમમાં માયાબહેને જે સુંદર ભજન અને પ્રાર્થનાનું રસપાન કરાવી કિંગ ચાર્લ્સ માટે પ્રાર્થના કરી પંકજ ઉધાસને શ્રદ્ધાંજલિ આપી, નિલેશભાઈ દ્વારા પણ સમાચારોથી આપણને અવગત કરાવ્યા તે ગુજરાત સમાચારના સાથી મંડળની તત્પરતા અને ઉદ્યમ દર્શાવે છે.
અનંત અંબાણીના પ્રિવેડિંગના સમાચારે ખાસ ધ્યાન ખેંચ્યું. જીવનમાં સંતાનોને કેટલીક મર્યાદાઓ હોય છે. અનંત સ્થળકાય છે, અસ્થમા છે અને અન્ય પણ શારીરિક પીડા છે. જામનગરમાં તેમના દાદા અને પિતાના આશીર્વાદથી એક સેંકડો એકરની જગ્યા બની છે, જેમાં મંદિરો સિવાય પશુપ્રેમનાં મૂલ્યો પણ સાર્થક થાય છે. એક અદભુત વન બનાવી પશુઓની સારવાર પણ કરાય છે, ખરેખર સકારાત્મક છે. આપણી સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત અન્ય કાર્યો કરવા પણ પ્રયત્ન કરીશું. આપ અમારા વાંચકો તરીકે, વડીલ તરીકે અને લેખક તરીકે અમારી જે મદદ કરી રહ્યા છો તે પ્રશંસનીય છે. અનેક લોકોએ અમને વર્ષો સેવા અને સાથ આપ્યા, જેમાં જ્યોત્સનાબહેન શાહ, ગ્રૂપ એડિટર મહેશભાઈ લીલોરીયા, પૂજાબહેન રાવલ મુખ્ય છે.
સી.બી. પટેલે જણાવ્યું કે, હાર્ડ કોપી અને ઓનલાઇન થકી અમારા અઢી લાખ વાંચકો છે. ભારતમાં સરવે થયો છે, જેમાં ભારતની બહાર સૌથી વધુ ફેલાવો ધરાવતાં અખબાર ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ છે. અમારા તમામ આંદોલનમાં સમાજે અમને સાથ આપ્યો છે, ભલે તે મંદિર માટે હોય કે ડાયરેક્ટ ફ્લાઇટ માટે. તમામ તબક્કે સમાજ અમારી પડખે ઊભો રહ્યો છે, જેનાથી અમને પ્રાણવાયુ મળે છે.
આવતા ગુરુવારે પણ આવો જ એક ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ યોજાશે, જેમાં આપણે શિવરાત્રી ઊજવીશું અને માતૃવંદના કાર્યક્રમ પણ રજૂ કરીશું. જેમાં મીનલબહેન જયસ્વાલ અને કરિશ્માબહેન શાહ ભારતીય પ્રવાસીના આયોજન અંગે રજૂઆત કરશે.
યુ-ટ્યુબ પર સોનેરી સંગત નિહાળવા અહીં આપેલા આ કોડને સ્કેન કરો...

