લંડનઃ જીવનની ઘડિયાળ તેની અવિરત આગેકૂચ ચલાવતી રહે છે ત્યારે અનિવાર્ય વૃદ્ધાવસ્થા તમામ લોકોને સ્પર્શતી રહે છે જે સાર્વત્રિક સત્ય છે. મોટા ભાગના લોકો પોતાનું જીવન દીર્ઘ રહેવા સાથે આરોગ્યમય બની રહે તેવી આશા સેવતા હોય છે ત્યારે પણ 100મા જન્મદિનથી પણ આગળ વધવાનું બાજુએ રાખીએ તો પણ 100મા જન્મદિન ઉજવવા સુધી જીવન જીવે તે બાબત સીમાચિહ્ન બની રહેવા સમાન છે. જોકે, સમયના ચડાવ અને ઉતારની મધ્યે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેઓ સામાન્ય ધારણાઓથી વિપરીત અડીખમ ઉભા રહે છે અને માનવીય આશા, ઉત્સાહ કે જોશનું મૂર્તિમંત પ્રતીક બની રહે છે.
આ વિશ્વમાં દીર્ઘ આયુષ્યની હંમેશાં ઉજવણી કરવામાં આવે છે પરંતુ, શતકની વય સુધી પહોંચવાનું ઘણા ઓછાંના નસીબમાં હોય છે. આ પરિસ્થિતિમાં એકસો વર્ષની વય સુધી પહોંચવાની સાથોસાથ વણથંભી જીવનયાત્રા ચાલુ રહે તે હંમેશાં ધ્યાનાકર્ષક અને આદરને પાત્ર બની રહે છે. આવી આદરપાત્ર વ્યક્તિ ડાહીબહેન જીવરાજ કરમશી શાહ છે જેમણે 19 ફેબ્રુઆરી 2024ના દિવસે પોતાનો 109મો જન્મદિન ઉજવ્યો હતો અને તેની સાથે જ બ્રિટનમાં સંભવતઃ સૌથી વયોવૃદ્ધ જીવંત ભારતીય મહિલા બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું છે. તેમણે માત્ર ઉંમરની મર્યાદા ઓળંગી લીધી છે એવું નથી, તેઓ ચૈતન્યશક્તિ અને આદરનું પ્રતીક પણ બની રહ્યાં છે.
ડાહીબહેને હાંસલ કરેલા અસાધારણ સીમાચિહ્નને બિરદાવવા કિંગ ચાર્લ્સ તૃતીય અને તેમના પત્ની ક્વીન કેમિલાએ વિશિષ્ટ બર્થડે કાર્ડ મોકલવા સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ તેમની સિદ્ધિ અને વારસાની પ્રત્યક્ષ નોંધ લેવાયાનું મહત્ત્વ દર્શાવે છે. આ વિશ્વ પળે પળે બદલાતું રહે છે અને સિદ્ધિઓ પણ અસ્થાયી હોય છે ત્યારે તેમનું દીર્ઘાયુષ આશાનું પ્રતીક બની રહે છે તેમજ સમયના નિયંત્રણોને પાર કરી માનવીય જોશ અને ઉત્સાહ કેવી રીતે ઉર્ધ્વગામી બની રહેવાની શક્તિ દર્શાવે છે તેનું જીવંત ઉદાહરણ છે.
જીવનયાત્રાના 109 વર્ષ અને પરિવારનો પ્રેમ
કુમળી વયથી જ ડાહીબેને નવાગામ (જામનગર, ગુજરાત)માં ઘરપરિવારનો વહીવટ અને પોતાના ભાઈબહેનોની કાળજી લેવાની જવાબદારી સંભાળી લીધી હતી. તેઓની વય નાની હોવાં છતાં, મક્કમતા અને દૃઢ મનોબળ સાથે તેમણે આ જવાબદારીઓ શિર પર લીધી હતી. તેઓ માત્ર 13 વર્ષનાં હતાં ત્યારે જીવરાજ કરમશી શાહ (ચેલા) સાથે તેમનાં લગ્ન થયાં હતાં અને કેન્યાના નાઈરોબીમાં જીવનના નવા પ્રકરણનો આરંભ કર્યો હતો. ભારતમાં પિયરના પરિવારથી અલગ થવાના દુઃખ સાથે પણ તેઓ કેન્યાના નવા વાતાવરણમાં ઝડપથી ગોઠવાઈ ગયાં હતાં. સખત મહેનત અને અખૂટ ધીરજ સાથે તેમણે સફળતાપૂર્વક ત્રણ પુત્રો - જયંતીભાઈ, રસિકભાઈ અને દિવંગત દિનેશભાઈ તથા બે પુત્રીઓ-રમાબહેન અને જયાબહેનનાં ઉછેરની કામગીરી સુપેરે પાર પાડી હતી. 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં કેન્યાના નાગરિકો માટે યુકેમાં સ્થળાંતર કરવાની તક સર્જાઈ ત્યારે ડાહીબહેનના પરિવારે આ તકનો વિચાર કરી યુકે સ્થળાંતર કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. યુકેમાં સ્થાયી થયેલા પોતાના સંતાનોના નક્શેકદમ પર ચાલતાં ડાહીબહેન અને તેમના પતિએ 1973માં યુકે જવાની યાત્રા આરંભી જે તેમના જીવનમાં વધુ એક નવું પ્રકરણ બની રહ્યું.
પોતાના પ્રેમાળ દાદીમા જેમને તેઓ વહાલથી બા તરીકે ઓળખાવે છે તેવા ડાહીબહેન વિશે તેમના પૌત્રો તુષાર અને કેતન જે. શાહે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ન્યૂઝવિક્લીઝ સાથે મધૂરા સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘ ડાહીબહેને (બા) અમે નાના હતા ત્યારે અમારી સાથે રહેવા આવતા અન્ય ગ્રાન્ડચિલ્ડ્રન (અન્ય પુત્રો અને પુત્રીઓના સંતાનો) સાથે અમારા બધાની સારસંભાળ લીધી હતી. અમે બાળકો ગમે તેટલા તોફાનમસ્તી કરીએ તો પણ બા કદી ઊંચા અવાજે અમને લઢ્યાં નથી.’
યુકેમાં જીવન સાથે અનુકૂલન સાધવા બાબતે તેમના પૌત્રોએ મેર્યું હતું કે,‘સામાન્ય શિક્ષણનો અભાવ હોવાં છતાં, યુકેમાં જીવન સાથે તેમણે નોંધપાત્ર રીતે અનુકૂલન સાધી લીધું હતું. તેઓ હંમેશાં વ્યસ્ત રહેતાં હતાં, મારા માતાપિતા કામકાજમાં રોકાયેલા હતા ત્યારે તેમણે ઘર- પરિવારની સંભાળ લીધી હતી. તેઓ સીવણકામ, ગૂંથણ તથા શાકભાજી અને ફળો ઉગાડવા સહિત બાગકામ જેવી પ્રવૃત્તિઓમાં રચ્યાંપચ્યાં રહેતાં હતાં. તેઓ વાંચી કે લખી શકતાં ન હોવાં છતાં, તેઓ ઈચ્છા થાય ત્યારે સગાંસંબંધીઓને મળવાં જવાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું પણ શીખી ગયાં હતાં.
તાજેતરમાં તેમનું આરોગ્ય થોડું કથળ્યું હોવાં વિશે તેમણે દુઃખ સાથે જણાવ્યું હતું કે,‘બા કદી પગ વાળીને બેસી રહે તેવાં ન હતાં અને મારા નિવૃત્ત પેરન્ટ્સ સાથે સગાંસંબંધીઓને મળવાં પહોંચી જતાં હતાં. જોકે, કોવિડ મહામારીમાં સામાજિક મેળમિલાપ પર નિયંત્રણ આવી ગયું હતું ત્યારે તેમનાં થોડું પરિવર્તન આવ્યું હોવાનું અમારી નજરમાં આવ્યું હતું.
એક વર્ષથી થોડા સમય પહેલા તેમની વધતી વયના કારણે પથારીવશ થવું પડ્યું હતું. હવે તેઓ આ દિવસોમાં કોઈની સાથે વધુ વાતચીતમાં પરોવાતાં નથી. આમ છતાં, તેઓ ઘરમાં જ રહે છે અને તેમના પરિવાર દ્વારા તેમની સારી સારસંભાળ અને કાળજી લેવાતી રહી છે.’

