ભારતમાં વિપક્ષ વેરવિખેર, નેતાઓનું સત્તા ભણી પલાયન

Wednesday 06th March 2024 05:09 EST
 

ભારતમાં લોકસભાની ચૂંટણીનો તખ્તો ઘડાઇ ગયો છે. ચૂંટણી પહેલાંની નેતાઓની એક જ દિશામાં થઇ રહેલી આવન-જાવન સંકેત આપી રહી છે કે આગામી સંસદીય ચૂંટણી એકપક્ષીય બની રહેવાની છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સેનાપતિ અમિત શાહે તો અબ કી બાર 400 પારનો નારો ભાજપના કાર્યકર્તાઓને આપી જ દીધો છે. 539 બેઠક ધરાવતી લોકસભાના ઇતિહાસમાં ફક્ત એક જ વાર કોઇ પાર્ટી 400 કરતાં વધુ બેઠક સાથે સત્તા પર બિરાજમાન થઇ છે. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી સંસદીય ચૂંટણીમાં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસને 400 કરતાં વધુ બેઠક પ્રાપ્ત થઇ હતી. હવે 40 વર્ષ બાદ રાજીવ ગાંધીનો આ રેકોર્ડ તૂટે તેવી સંભાવના દેખાઇ રહી છે. થોડા મહિના પહેલાં એક મંચ પર એકઠા થયેલા 27 જેટલા વિપક્ષનો શંભુમેળો ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં જ વિખેરાઇ રહ્યો છે. વિરોધપક્ષને એકજૂથ કરવાના નારા સાથે ધજા ઉંચકનાર નિતિશ કુમાર પોતે ભાજપના ખોળામાં બેસી ગયા છે તો અન્ય પાર્ટીઓના મોટા માથા પણ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી સત્તાની વધુ નજીક જવાના પ્રયાસમાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષમાંથી કેટલું પલાયન થશે તે કલ્પનાની બહાર છે પરંતુ મજબૂત અને જીવંત લોકશાહી માટે સંસદમાં વિપક્ષ હોવો પણ અત્યંત જરૂરી છે. આજે ભારતીય રાજકારણમાં વિપક્ષની દશા પીંછા ખરી ગયેલી મરઘી જેવી થઇ ગઇ છે. આ સ્થિતિ માટે વિપક્ષ પોતે જ જવાબદાર છે. વિપક્ષમાં રહેલા રાજકીય નેતાઓ ફક્ત અંગત સ્વાર્થ અને હિતો સાધવા માટે જ રાજનીતિ કરી રહ્યાં છે. તેમને પણ સત્તાના ફળ ચાખવાની ઉતાવળ છે અને તેથી જ હવે ભારતીય રાજનીતિમાં વિચારધારા, મૂલ્યો, સિદ્ધાંતોને કોઇ સ્થાન રહ્યું નથી દરેક નેતા સત્તાની પાછળ દોડી રહ્યો છે. આવું પહેલીવાર થઇ રહ્યું નથી. કોંગ્રેસનો સૂરજ ચમકતો હતો ત્યાં સુધી નેતાઓ કોંગ્રેસ ભણી દોટ મૂકતાં હતાં. હવે ભાજપ અને નરેન્દ્ર મોદીનો સિતારો બુલંદ છે તેથી હવે નેતાઓ ભાજપમાં સામેલ થવા દોટ મૂકી રહ્યાં છે. નેતાઓની સ્વાર્થી રાજનીતિને કારણે દેશની લોકશાહી તાક પર મૂકાઇ રહી છે. વિપક્ષના નેતાઓમાં સરકાર અને સત્તાનો મૂલ્ય અને સિદ્ધાંત આધારિત વિરોધ કરવાની હામ અને સાહસ જોવા મળતાં નથી. એવું લાગી રહ્યું છે કે ભારતીય રાજનીતિમાંથી વિપક્ષનું નામુ નંખાઇ ગયું છે.


comments powered by Disqus