આ અંક આપના હાથમાં આવશે ત્યારે ચાન્સેલર જેરેમી હન્ટ તેમનું પહેલું સ્પ્રિંગ બજેટ રજૂ કરી ચૂક્યાં હશે. આ વખતના તેમના બજેટ પર બ્રિટિશ અર્થતંત્ર અને જનતાની ઘણી અપેક્ષાઓ ટકેલી છે પરંતુ 2023માં તેમણે રજૂ કરેલા બજેટમાં રજૂ કરેલા પ્રસ્તાવોના પાલનમાં સરકાર કેટલી સફળ રહી તે પણ જોવું રહ્યું. જેરેમી હન્ટે તે સમયે બજેટમાં અર્થતંત્રમાં વિકાસ, ફુગાવામાં ઘટાડો જેવા ઘણા સ્વપ્નો દેખાડ્યાં હતાં. પરંતુ સત્તાવાર આંકડા કહે છે કે હન્ટે જગાવેલી અપેક્ષાઓ મુજબ બ્રિટિશ અર્થતંત્રનો વિકાસ થયો નથી. ડિસેમ્બર 2023માં તો બ્રિટિશ અર્થતંત્ર મંદીમાં સરી પડ્યું હતું. 2023માં બ્રિટિશ અર્થતંત્ર કોઇ વિકાસ સાધી શક્યું નહોતું. જોકે ફુગાવાના મોરચે હન્ટ સારી કામગીરી કરી શકવામાં સફળ રહ્યાં હતાં. 2023માં તેમણે બજેટ રજૂ કર્યું ત્યારે દેશમાં ફુગાવાનો દર 10 ટકા ઉપર હતો જે ડિસેમ્બર 2023માં 4 ટકાની આસપાસ આવી ગયો. ફુગાવાના દરમાં ઘટાડો છતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા તેની વ્યાજ નીતિ યથાવત રાખવામાં આવી જે દર્શાવે છે કે આર્થિક મોરચે હન્ટની કામગીરીની સફળતા પર બેન્ક ઓફ ઇંગ્લેન્ડને વિશ્વાસ નથી. બેન્ક વ્યાજ દરોમાં ઘટાડા માટે હજુ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહી છે જેના કારણે દેશમાં ધીરાણના દર હજુ ઊંચા છે. જે આર્થિક વિકાસ સામે સૌથી મોટો પડકાર બનીને ઊભરી રહ્યાં છે. દેશમાં કામ નહીં કરતાં લોકોને ફરી નોકરીઓમાં લાવવા માટે હન્ટ દ્વારા વિવિધ પગલાંની જાહેરાત 2023ના બજેટમાં કરાઇ હતી જેથી આર્થિક વિકાસને વેગ મળે પરંતુ હન્ટ અનુસાર હજુ 7 મિલિયન લોકો કામ કરી રહ્યાં નથી અને બેનિફિટ્સના આશરે જીવી રહ્યાં છે. જોકે ટ્રેઝરીના સત્તાવાર આંકડા કહે છે કે આ સંખ્યા 8 મિલિયનની આસપાસ હોઇ શકે છે. જે દર્શાવે છે કે આ મોરચે હન્ટ નિષ્ફળ ગયાં છે. હન્ટની નીતિ કામ કરી ગઇ અને 2022ની સરખામણીમાં 2023માં મૂડીરોકાણમાં 6.1 ટકાનો વધારો થયો હતો. આમ હન્ટનું 2023નું બજેટ કેટલાક મોરચે સફળ તો કેટલાક મોરચે નિષ્ફળ રહ્યું હતું. હવે જોવાનું રહ્યું કે 2024ના બજેટમાં હન્ટ કેવી કલાકારી કરે છે.
