હેસિયત, લગ્નમાં ખર્ચની અને સમાજમાં સખાવતની..

Wednesday 06th March 2024 05:08 EST
 

ભારતમાં લગ્નો હંમેશા ખર્ચાળ અને ઝાકમઝાળભર્યાં રહ્યાં છે. આમ આદમીથી માંડીને ધનકુબેરો પરિવારના લગ્ન પ્રસંગોમાં પોતાની હેસિયત સમાજમાં દેખાડવા માટે પાણીની જેમ પૈસા વહાવતા રહે છે. આજે ભારતમાં સામાન્ય પરિવારમાં લગ્ન પ્રસંગ પાછળ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ તો ક્યાંય લેખે ગણાતો નથી. તો બીજીતરફ ધનકુબેરોના સંતાનોના લગ્નોમાં સેંકડો કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે. એશિયાના સૌથી ધનાઢ્ય એવા અંબાણી પરિવારની સંતાન ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. સહારા ઇન્ડિયા પરિવારના બે પુત્ર સુશાન્તો અને સીમાન્ગતોના લગ્નમાં રૂપિયા 554 કરોડનો ખર્ચ કરાયો હતો. પૂર્વ મંત્રી અને બિઝનેસમેન જનાર્દન રેડ્ડીની દીકરી બ્રહ્માણીના લગ્નમાં 500 કરોડ રૂપિયા ખર્ચાયા હતાં. ભારતીયોના આવા લેવિશ લગ્નો દુનિયાભરમાં ચકચાર મચાવી રહ્યાં છે. તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રીવેડિંગ કાર્યક્રમ પાછળ 120 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી નાખવામાં આવ્યો. ઘણીવાર સવાલ થાય કે લગ્ન પાછળ કરાયેલો આ ખર્ચ સખાવત અને માનવીય સેવાઓમાં વપરાય તો કેવું સારૂં.. પરંતુ અંબાણી પરિવાર તેની સખાવતો માટે પણ એટલો જ પ્રસિદ્ધ છે. પ્રીવેડિંગ પ્રસંગે અનંત અંબાણી દ્વારા વનતારા નામના પ્રોજેક્ટની ઘોષણા કરાઇ. આ પ્રોજેક્ટ અંતર્ગત જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી પરિસરમાં જ મૂંગા અને અબોલ પ્રાણીઓની સેવા શરૂ કરાઇ છે. અંબાણી પરિવારે પૂરવાર કરી દીધું છે કે જો તે લગ્નોમાં તેની હેસિયત પ્રમાણે ખર્ચ કરી શકે છે તો સખાવતમાં પણ પીછેહઠ કરતો નથી. 3000 એકરમાં પથરાયેલું આ એનિમલ શેલ્ટર ત્યજી દેવાયેલાં, માંદા અને ઇજાગ્રસ્ત તથા વિલુપ્ત થતા પ્રાણીઓની સારસંભાળ લેવાનું છે. આ આખો પ્રોજેક્ટ અનંત અંબાણીના કોમળ હૃદયની દેન છે. અંબાણી પરિવાર ધીરૂભાઇના સમયથી સખાવતમાં આગળ રહ્યો છે. પહેલાં આ પરિવાર ધીરૂભાઇ અંબાણી ફાઉન્ડેશન દ્વારા સખાવત કરતો અને ત્યારબાદ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આ યાત્રા જારી રખાઇ. આજે તેના દ્વારા ભારતના વિકાસને લક્ષ્યાંક રાખીને ફાઉન્ડેશન ગ્રામીણ ક્ષેત્ર, શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ, કલા – સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની જાળવણી જેવા ક્ષેત્રોમાં અદ્દભૂત કામગીરી કરવામાં આવી રહી છે. ભારતના ધનકુબેર દ્વારા પુત્રના લગ્નમાં કેટલા કરોડ રૂપિયા હોમી દેવાયાં તેની ટીકા કરનારાઓએ તેમના દ્વારા સમાજના ઉત્કર્ષ માટે કેટલી સખાવત કરાઇ તે પણ ધ્યાને લેવી જોઇએ. હેસિયત બંનેમાં સરખી હોવી જોઇએ. અંબાણી પરિવારે તેની હેસિયત બંને દિશામાં પૂરવાર કરી છે.


comments powered by Disqus