લંડનઃ હાઉસ ઓફ કોમન્સના ટેરેસ પેવેલિયન ખાતે 28 ઓક્ટોબરે NHSના ભવિષ્યને ઘડવાના માર્ગો (Shaping the Future of the NHS) વિશે ચર્ચાવિચારણા યોજાઈ હતી. મલ્ટિડિસિપ્લિનરી અને મલ્ટિ પ્રોફેશનલ હેલ્થકેર ફોરમનું અધ્યક્ષસ્થાન પ્રોફેસર મહેન્દ્રભાઈ પટેલે સંભાળ્યું હતું. ઈવેન્ટમાં ફાર્મસી, નર્સિંગ, મેડિસીન સહિતના ક્ષેત્રોનાં અગ્રણીઓ ઉપસ્થિત હતા. પેનલચર્ચામાં રોયલ કોલેજ ઓફ નર્સિંગના પૂર્વ પ્રોફેસર ડેમ ડોના કિન્નેર, રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીના પોલ બેનેટે વિચારપ્રેરક ભૂમિકા ભજવી હતી. ડો. ભરત શાહ અને તેમની સંસ્થા સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ આ ઈવેન્ટના સ્પોન્સર હતા. ડો. ભરતભાઈ શાહે NHSના ભવિષ્યને ઘડવાના માર્ગો સંદર્ભે સિગ્મા ફાર્માસ્યુટિકલ્સની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઈવેન્ટમાં તાજેતરના દારઝી રિપોર્ટની ભલામણો અને પ્રાઈમ મિનિસ્ટરના 10 વર્ષીય NHS પ્લાનને સુસંગત વધુ એકીકૃત, ન્યાયોચિત અને ટકાઉક્ષમ હેલ્થકેર સિસ્ટમના વિઝન સાથે વિવિધ હેલ્થકેર શાખાઓ વચ્ચે સહકાર પર ભાર રખાયો હતો.
ફોરમના અધ્યક્ષ પ્રોફેસર મહેન્દ્રભાઈ પટેલે વિવિધ હેલ્થકેર પ્રોફેશનલ્સ અને પ્રભાવશાળી અવાજોને રજૂ કરવા સાથે NHSમાટે મહત્ત્વપૂર્ણ રિફોર્મ્સ અને વ્યૂહાત્મક સુધારા માટે સંવાદની હિમાયત કરી હતી. તેમણે વિવિધ શાખાઓ વચ્ચે સહકાર વધારવાના ઈવેન્ટના લક્ષ્યોની રૂપરેખા જણાવી હતી. ઈવેન્ટના સ્પોન્સર અને સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ડો. ભરતભાઈ શાહે હેલ્થકેર ઈનોવેશન્સમાં તેમની નસંસ્થાના સમર્પણ અને નિષ્ઠાને પ્રદર્શિત કર્યા હતા. ઈવેન્ટના યજમાન સાંસદ મેટ ટર્મેઈને વર્તમાન હેલ્થકેર પડકારો તેમજ સુસંવાદી અને બધી શાખાઓને સુસંગત ઉપાયોના અમલની તાકીદના સમયે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
પ્રથમ સેશનના અધ્યક્ષસ્થાનેથી ડો. જેનેટ ડિક્સને ‘પ્રોફેશનલ લીડરશિપ ઈન હેલ્થકેર’ વિષય પર હેલ્થકેરમાં વ્યવસ્થિત સુધારાઓ વિકસાવવામાં લીડરશિપની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સર હ્યૂજ ટેલરે ઉચ્ચ પરિણામોના મહત્ત્વપૂર્ણ ગતિશીલ પરિબળ સમાવેશી નેતૃત્વની સમજ આપી હતી. આ સેશનમાં પ્રોફેશનલ્સ વચ્ચે સમાવેશી અને એકીકૃત લીડરશિપ કેવી રીતે અનેક ક્ષેત્રોમાં ખાઈ પૂરી શકે અને પેશન્ટ્સ પરિણામો સુધારી શકાય તેના વિશે ચર્ચા થઈ હતી. પેનલચર્ચામાં ડેમ ડોના કિન્નેર અને પોલ બેનેટ સહિત પ્રતિષ્ઠિત પેનલિસ્ટોએ ક્રોસ-પ્રોફેશનલ લીડરશિપના સફળ ઉદાહરણો પૂરાં પાડી આરોગ્યસંભાળની જટિલ જરૂરિયાતોને પહોંચી વળવા આંતરશાખાકીય સહકારનું ફલક વિસ્તારવા NHSને અનુરોધ કર્યો હતો.
બીજાં સેશનમાં પ્રોફેસર જે્ડ બાયર્નેના અધ્યક્ષસ્થાને ‘ધ ફ્યૂચર ઓફ NHS’ વિષયમાં બધા સેક્ટર્સમાં ટકાઉ પ્રેક્ટિસીસ અને એકીકૃત સારસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. BMJ પબ્લિકેશન્સના પ્રોફેસર કામરાન અબ્બાસીએ દર્દીકેન્દ્રિત અને પ્રીવેન્ટિવલ સંભાળને પ્રાધાન્ય આપતા સુધારાઓના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સત્રના પેનલિસ્ટોમાં BMJ કમિશનર ડો. ચાંદ નાગપોલ, ધ પેશન્ટ્સ એસોસિયેશનનાં સારાહ ટિલસેડનો સમાવેશ થયો હતો. તેમણે તાજેતરના રિપોર્ટ્સની ભલામણોને અમલી બનાવવા વિશે મંતવ્યો રજૂ કર્યા હતા અને NHSમાં ટેકનોલોજીસના એકીકરણ તેમજ વર્કફોર્સના કલ્યાણને વિકસાવવા ધીરજપૂર્ણ હેલ્થકેર ટીમોના નિર્માણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ત્રીજાં સેશન ‘પ્રાયોરાઈટિઝિંગ ઈન્ક્લુઝિવ એન્ડ ઈફેક્ટિવ રિસર્ચ’ના અધ્યક્ષસ્થાનેથી પ્રોફેસર ઈઆન યંગે યુકેના હેલ્થકેર ફલકમાં સમાવેશી સંશોધનના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પ્રોફેસર ડેવિડ સ્ટ્રેઈને વિવિધ સમુદાયોમાં ન્યાયોચિત આરોગ્ય પરિણામો હાંસલ કરવા સમાવેશી સંશોધન પ્રેક્ટિસીસ આવશ્યક હોવાં પર ભાર મૂક્યો હતો. ક્લિનિકલ હ્યુમન ફેક્ટર્સ ગ્રૂપના ડો. ડોન બેન્સન, ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ બટલર સહિતના ચાવીરૂપ વક્તાઓએ સમાવેશી સંશોધનમાં સફળ કેસ સ્ટડીઝ દર્શાવ્યા હતા. પ્રોફેસર મહેન્દ્રભાઈ પટેલ અને પ્રોફેસર ડેમ ડોના કિન્નેર દ્વારા ટીપ્પણીઓ સાથે ફોરમનું સમાપન થયું હતું. તેમણે NHSને આગળ વધારવા સતત સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પછી, નેટવર્કિંગ સેશનમાં બધાએ સંભવિત પાર્ટનરશિપ્સની અનૌપચારિક ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો. (ફોટોસૌજન્યઃ રાજ બકરાણિયા, PR MEDIAPIX)

