ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થતાં વિશ્વે રાહતનો શ્વાસ લીધો છે. જો બંને પક્ષ યુદ્ધવિરામનું નિષ્ઠાથી પાલન કરશે તો મધ્યપૂર્વમાં ફરી એકવાર શાંતિ જોવા મળી શકે છે. મધ્યપૂર્વમાં ચાલતા ઘટનાક્રમોની સીધી અસર ભારત પર પણ થાય છે. આ સમજૂતિને પગલે ભારતને પણ અનેક મોરચે રાહત મળી શકે છે કારણ કે મધ્યપૂર્વમાં ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિત સમાયેલા છે.
ભારત માટે સૌથી મહત્વની ઉર્જા સુરક્ષા છે. આજે વિશ્વમાં અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજા ક્રમનો ક્રુડ આયાતકાર દેશ છે. આ પ્રદેશની અશાંતિ ભારતની ઉર્જા જરૂરીયાતો પર સીધી અસર કરે છે. યુદ્ધ અને અન્ય અશાંત પરિસ્થિતિઓ ક્રુડની કિંમતો વકરાવે છે જેની સીધી અસર ભારત સરકારની તિજોરી પર પડે છે. ભારતમાં ઉત્પાદન ખર્ચ વધે છે. જેથી ફુગાવો વધતાં અર્થતંત્ર પર માઠી અસર જોવા મળે છે. મધ્યપૂર્વમાં પાછી ફરેલી શાંતિથી ભારત ચોક્કસપણે આ મોરચા પર રાહત અનુભવશે.
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ દરમિયાન યમનમાં સક્રિય હૂથી બળવાખોરો દ્વારા રાતા સમુદ્રમાં વેપારી જહાજોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા. જેના કારણે ભારતીય જહાજો માટે પણ સંકટ સર્જાયું હતું અને ભારતીય નિકાસકારો પર શિપિંગ ખર્ચનો બોજો વધી ગયો હતો. સમજૂતિ બાદ રાતા સમુદ્રનો જળમાર્ગ ફરી એકવાર સુરક્ષિત બનતાં ભારતના અમેરિકા, યુરોપ અને ઉત્તર આફ્રિકા સાથેના વેપારને વેગ મળશે. બીજીતરફ મધ્યપૂર્વના દેશોમાં 90 લાખ પ્રવાસી ભારતીયો વસવાટ કહે છે અને દર વર્ષે રેમિટન્સ સ્વરૂપે કરોડો ડોલર ભારતમાં મોકલી આપે છે. મધ્યપૂર્વમાં શાંતિનો અર્થ એ છે કે ત્યાં કામ કરતા ભારતીયોની સુરક્ષા મુદ્દેની ચિંતામાં ઘટાડો થાય છે. યુદ્ધ અને સંઘર્ષની સ્થિતિમાં ભારતીયોને બચાવવા માટે ભારત સરકારે તેના સ્ત્રોતોનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો પડે છે.
યુદ્ધવિરામના પગલે હવે ભારત અને ઇઝરાયેલ સ્થગિત થઇ ગયેલા સંરક્ષણ સોદાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. ઇઝરાયેલ ભારતમાં મોટો શસ્ત્ર નિકાસકાર દેશ છે. તે ઉપરાંત ઇઝરાયેલમાં કામ કરવા જતા ભારતીય કામદારોની સંખ્યામાં પણ વધારો થશે અને ભારતીય કંપનીઓ પણ ઇઝરાયેલમાં રોકાણ વધારી શકશે. આમ આ યુદ્ધવિરામ ભારતને ઘણી રાહતો આપનારો પૂરવાર થશે.
