ગાઝાઃ સોમવારે હજારો પેલેસ્ટિનિયન નાગરિકો તેમના સામાન સાથે પાછા ફરતા જોવા મળ્યા હતા. લોકો સાઇકલ, વ્હીલચેર અને ટ્રોલીનો ઉપયોગ કરીને તેમના સામાન સાથે ઘરે પરત ફરતા જોવા મળ્યા હતા. 16 મહિના બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પછી, હજારો વિસ્થાપિત પેલેસ્ટિનિયન સોમવારે ઉત્તર ગાઝામાં તેમના ઘરે પાછા ફર્યા છે. 7 ઓક્ટોબર, 2023એ હમાસના હુમલા અને ત્યારબાદ ઇઝરાયલની સેનાની કાર્યવાહીને કારણે ઉત્તર ગાઝાના 10 લાખથી વધુ લોકોએ તેમનાં ઘર છોડવા પડ્યાં હતાં. આ પહેલાં શનિવારે હમાસે 4 ઇઝરાયલ મહિલા સૈનિકોને મુક્ત કરી હતી. તેના બદલામાં ઇઝરાયલે 200 પેલેસ્ટિનિયન કેદીને મુક્ત કર્યા હતા. જો કે રવિવારે યુદ્ધવિરામમાં ખલેલ પડવાની આશંકા છે. ઇઝરાયલે કહ્યું કે હમાસે એક નાગરિક અર્બેલ યહૂદને મુક્ત કરવાની યોજનાને તોડી નાખી છે.
હમાસે 4, ઈઝરાયલ 20 પેલેસ્ટેનિયનને છોડવા તૈયાર
ગાઝા પટ્ટીમાં યુદ્ધ રોકવા માટે ઇઝરાયલ સાથેના યુદ્ધવિરામ કરારના ભાગરૂપે હમાસે શનિવારે તેની ચાર મહિલા સૈનિકોને મુક્ત કરી. યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા ઇઝરાયલી બંધકોની આ બીજી મુક્તિ છે. રવિવારથી શરૂ થયેલા યુદ્ધવિરામ કરારનો ઉદ્દેશ્ય ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને આતંકી જૂથ હમાસ વચ્ચેના અત્યાર સુધીના સૌથી ઘાતક અને સૌથી વિનાશક યુદ્ધનો અંત લાવવાનો છે. ઇઝરાયલ પણ 200 બંધકોને મુક્ત કરશે. હાલમાં સીઝફાયરના કારણે હવાઈ હુમલાઓ બંધ થયા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાયની અવિરત પહોંચ શક્ય બની છે.
ગાઝામાં પાછો હમાસનો અંકુશ
યુદ્ધવિરામ પછી માત્ર ગણતરીના જ દિવસોમાં ગાઝાપટ્ટી સ્થિત હમાસ વધુ મજબબૂત બની ગયું છે અને લગભગ સમગ્ર ગાઝાપટ્ટી પર ફરી કાબૂ જમાવી રહ્યા છે. ગાઝાસ્થિત હમાસે 7 ઓક્ટોબર 2023ના દિને દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ આ યુદ્ધ ભડકી ઊઠ્યું હતું. બેન્જામિન નેતન્યાહૂએ આ ત્રાસવાદી જૂથને ''સાફ'' કરી નાખવા શપથ લીધા છે, પણ આ શપથ અધૂરા રહેશે તેમ લાગે છે. ઇઝરાયલે હમાસના અનેક ગુપ્તસ્થળો અને તેના કેટલાયે નેતાનો સફાયો પણ કરી દીધો છે, છતાં તે જૂથ નાશ પામ્યું નથી, ઊલટાનું ફરી પ્રબળ બની રહ્યું છે. આની સાબિતી તે પરથી મળે છે કે જ્યારે હમાસે બંધકોને રેડક્રોસને સોંપ્યા ત્યારે કેટલાક હમાસ આતંકીઓ તો વાનની ઉપર ચઢી ગયા હતા. હમાસે જણાવ્યું કે તેઓ ગાઝાપટ્ટીમાં ફરી બળવત્તર બની રહ્યા છે.

