ગેરકાયદેસર માઇગ્રેશન મહાસત્તાઓ અને સત્તાધીશોનું જ પાપ

Wednesday 29th January 2025 08:36 EST
 

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકેના બીજા કાર્યકાળના પ્રારંભ સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે આકરાં પગલાંનો પ્રારંભ કરી દીધો છે. મિલિટરી વિમાનોમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ઠાંસી ઠાંસીને તેમના વતનના દેશોમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. અમેરિકાની આ નીતિ ગૃહયુદ્ધ, યુદ્ધ, ભૂખમરા, દુકાળ, સરમુખત્યારશાહીના અત્યાચારોથી પીડાતા દેશોની જનતાના ભાવિ પર ગંભીર અસરો ઊભી કરશે કે કેમ તે સવાલ આજે માનવ અધિકાર એક્ટિવિસ્ટોમાં ચર્ચાઇ રહ્યો છે.
માઇગ્રેશન માનવજાત અસ્તિત્વમાં આવી ત્યારથી જારી છે. એમ કહેવાય છે કે 13 લાખ વર્ષ પહેલાં આફ્રિકામાંથી પહેલા માનવ સમૂહે હિજરત શરૂ કરી હતી અને ત્યારબાદ માનવજાત સમગ્ર વિશ્વમાં પ્રસરી ગઇ હતી. જીવનના સંઘર્ષો સામે ટકી રહેવા માનવી સ્થળાંતર કરતો જ રહ્યો છે. આજના આધુનિક વિશ્વમાં દેશો સરહદો વચ્ચે બંધાઇ ગયાં છે. એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે અનેક પ્રકારના નિયંત્રણો અને મંજૂરીઓ ફરજિયાત બની રહી છે. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો જીવના જોખમે દરિયાઇ અને જમીન માર્ગે મુસાફરીઓ કરીને વતનના દેશોથી દૂર સુદૂર આવેલા સમૃદ્ધ દેશોમાં પલાયન કરતાં ખચકાતાં નથી.
અમેરિકામાં દક્ષિણ ભાગમાં આવેલા હૈતી, મેક્સિકો, કોલંબિયા જેવા દેશોમાંથી લાખોની સંખ્યામાં માઇગ્રન્ટ્સ અમેરિકા પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. યુકેમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને દર વર્ષે હજારો ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ પહોંચે છે. યુરોપના ઇટાલી, જર્મની, ગ્રીસ સહિતના અન્ય દેશો પણ આ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. અને હવે ત્યાં સત્તામાં આવી રહેલા જમણેરી વિચારધારા ધરાવતા સત્તાધીશો માનવ અધિકારોને નેવે મૂકીને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ સામે બાંયો ચડાવી રહ્યાં છે. ગેરકાયદેસર કે કાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાવવા વિવિધ દેશો દ્વારા નીતનવા નિયમો અમલમાં મૂકાઇ રહ્યાં છે. ભારત પણ દાયકાઓથી બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવતા માઇગ્રન્ટ્સની ગંભીર સમસ્યાથી પીડાઇ રહ્યો છે.
એ વાતમાં જરાપણ શંકા નથી કે ગેરકાયદેસર માઇગ્રેશન સત્તાધીશો દ્વારા સર્જાયેલી જ સમસ્યા છે. વૈશ્વિક પ્રભુત્વ જાળવી રાખવા માટે પ્રજાને પ્રજા સામે લડાવી મારતી મહાસત્તાઓ જરાપણ દૂધે ધોયેલી નથી. અફઘાનિસ્તાન, ઇરાક, સીરિયા, સુદાન, યમન, લીબિયા, પેલેસ્ટાઇનમાં મહાસત્તાઓએ ભડકાવેલા સંઘર્ષો અને ગૃહયુદ્ધોને કારણે જ વિશ્વમાં ગેરકાયદેસર માઇગ્રેશનની સમસ્યા વકરી છે. સત્તા, વિચારધારાના સંઘર્ષોમાં છેલ્લે તો સામાન્ય જનતાનું જ ધનોત પનોત નીકળે છે. પોતાના વતનના દેશમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિમાં પરિવારનું પાલનપોષણ કરવાની મજબૂરીમાં જ કોઇ વ્યક્તિ સ્થળાંતરનો વિકલ્પ અપનાવતો હોય છે. પોતાની ધાર્મિક માન્યતાઓ પર જ્યારે કોઇ વિચારધારા થોપી દેવામાં આવે અને અત્યાચારો ગુજારવામાં આવે ત્યારે જ માનવી વતન છોડવાનો દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય લેવા મજબૂર બને છે.
આમ આદમીને સુખ, શાંતિથી જીવન વીતાવવું પસંદ છે. પોતાના વતનના દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય તો કોણ પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં જવાનો વિચાર પણ કરે. વિશ્વના તમામ દેશોમાં માનવ અધિકારોનું યોગ્ય પાલન અને જતન કરવામાં આવે તો કોઇ વ્યક્તિ પોતાનો દેશ છોડીને અન્યત્ર પલાયન કરે નહીં. આજની સ્થિતિમાં એવું પ્રતીત થઇ રહ્યું છે કે માનવ અધિકાર હવે ફક્ત કાગળ પર રહી ગયો છે. માનવ અધિકારનો સગવડીયો અને બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. આ એક કડવી વાસ્તવિકતા છે. ગેરકાયદેસર માઇગ્રેશન મહાસત્તાઓ અને સમૃદ્ધ દેશોનું જ મહાપાપ છે. વિશ્વમાં માનવ અધિકારને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે તે દિવસે ગેરકાયદેસર માઇગ્રેશન આપોઆપ સમાપ્ત થઇ જશે.


comments powered by Disqus