વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કે બ્રિટનમાં ગ્રૂમિંગ ગેંગ્સ પર ગંભીર સવાલો ઉઠાવ્યા બાદ નરાધમોની ટોળકીઓને ઉઘાડી પાડવા દેશવ્યાપી માગ બુલંદ બની પરંતુ કેર સ્ટાર્મરની સરકારે પણ આ દુષણની સામે ઢાંકપિછોડા અને શાહમૃગી વલણ જારી રાખ્યું છે. દેશમાં પ્રવર્તી રહેલા આક્રોશને ઠારવા હોમ સેક્રેટરી કૂપરે ગ્રૂમિંગ ગેંગ્સના અપરાધોનું નેશનલ ઓડિટ અને પાંચ સ્થળે સ્થાનિક સ્તરે ઇન્કવાયરીના આદેશ જારી કર્યાં છે. આમ સરકારે દેશવ્યાપી તપાસને હાંસિયામાં ધકેલી દીધી છે.
લેબર સરકાર સત્તામાં આવી ત્યારથી તેના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોથી પીછેહઠ કરતી રહી છે. એવું લાગી રહ્યું છે કે લેબર સરકાર યુ-ટર્ન લેવામાં માહેર છે. એટલે જ તો આટલા ગંભીર મામલા પર તેણે 3 મહિના જેવા ટૂંકાગાળામાં ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સ્ટાર્મર સરકાર નેશનલ ઇન્કવાયરીને સમયનો બગાડ અને અર્થવિહિન કવાયત ગણાવતી રહી છે તે ક્યાં સુધી વ્યાજબી ગણી શકાય. ગ્રૂમિંગ ગેંગ્સના મામલે એક પછી એક સરકાર વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરતી રહી છે. રાજકીય દબાણ ન વધે ત્યાં સુધી સરકારો પગલાં લેવા તૈયાર પણ થતી નથી. સ્ટાર્મર સરકારના મામલામાં પણ કંઇક એવું જ બન્યું છે. મસ્કના નિવેદન બાદ મચેલા હોબાળા અને રાજકીય દબાણને ઠારવા માટે જ આ પગલાં લેવાયાં છે તે સારી રીતે સમજી શકાય તેમ છે.
આ પ્રકારના અધકચરા પગલાંથી ગ્રૂમિંગ ગેંગ્સના દુષણને ડામી શકાય તેમ નથી. દાયકાઓથી હજારો શ્વેત બ્રિટિશ કન્યાઓ નરાધમોનો શિકાર બનતી આવી છે. આવી પીડિતાઓ માટે ન્યાય તો એક દૂરનું સ્વપ્ન બનીને રહી ગયું છે. ઘણી પીડિતાઓ ઇચ્છે છે કે આ દુષણની દેશવ્યાપી તપાસ કરાવવામાં આવે પરંતુ સરકારની નિંભરતા તેમને ન્યાય અપાવે તેવી કોઇ શક્યતા દેખાતી નથી.
આ પ્રકારના અપરાધોમાં એક ચોક્કસ દેશમાંથી આવેલા લોકો મુખ્યત્વે સામેલ હોવા છતાં તમામ એશિયન લોકોને જવાબદાર ઠેરવવાની વૃત્તિ પણ શરમજનક છે. રાજકીય નેતાઓ દ્વારા પણ તેમને એશિયન ગ્રૂમિંગ ગેંગ કહેવી તે આજના બ્રિટનની પ્રગતિ અને વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર ભારતીય સહિતના અન્ય એશિયન સમુદાયોનું ગંભીર અપમાન છે. ખરેખર તો સરકારે નેશનલ ઇન્કવાયરી શરૂ કરીને અપરાધિક માનસિકતા ધરાવતા લોકો અને સમુદાયને ઉઘાડા પાડવાની તાતી જરૂર વર્તાઇ રહી છે.
