અમદાવાદઃ રશિયાએ 1957 સસ્તા સ્પુટનિક સેટેલાઈટ લોન્ચ કરી સ્પેસ ટેકનોલોજીમાં જેવી ક્રાંતિ આણી છે તેવી જ ક્રાંતિ આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના લાર્જ લર્નિંગ મોડેલ ક્ષેત્રે ચીનના સ્ટાર્ટ અપ ડીપસીકએ લાવી છે. અમેરિકાના અબજો ડોલરના રોકાણ સામે માત્ર 60 લાખ ડોલર (ભારતીય ચલણમાં લગભગ રૂ. 52 કરોડ)ના રોકાણથી ડીપસીકનું લર્નિંગ મોડેલ અત્યારે વિશ્વમાં સૌથી વધુ વપરાતા ચેટજીપીટી કરતા વધારે શક્તિશાળી, સરળ અને વધારે ઝડપી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચીનની આ શોધથી અમેરિકા, એશિયા અને યુરોપમાં એઆઈ માટે સેમીકન્ડકટર બનાવતી કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે. આ કડાકાના કારણે ટેક કંપનીઓના બજાર મૂલ્યમાં એક લાખ કરોડ ડોલર (એક ટ્રીલીયન ડોલર) સાફ થઇ ગયા છે.
ઓપનએઆઈ વર્ષે પાંચ અબજ ડોલરનો ખર્ચ પોતાના લાર્જ લર્નિંગ મોડેલમાં કરે છે. આ ઉપરાંત, તેના મોડેલની જટિલતાની ગણતરી માટે ચીપસેટ, તેનું ટેસ્ટીંગ અને તેના ડેટા સ્ટોરેજ અને તેને લગતી સેવાઓ આપતી અમેરિકન કંપનીઓ પણ અબજો ડોલરનો ખર્ચ કરે છે. ડીપસીકના એકદમ સસ્તા મોડેલથી આ બધી કંપનીઓએ કરેલા રોકાણ અને તેની સામેના વળતર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે અને તેના કારણે શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણકારો જણાવે છે.

