અમેરિકાના ચૂંટણી ઇતિહાસનો જવલંત વિજય હાંસલ કરી ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીના રોજ 47મા પ્રમુખપદે શપથ ગ્રહણ કરવાની સાથે અમેરિકામાં સુવર્ણ યુગના પ્રારંભનો નારો આપી દીધો છે. પોતાની આક્રમક શૈલી માટે જાણીતા ટ્રમ્પે સત્તારૂઢ થતાં વેંત ચૂંટણી દરમિયાન મતદારોને આપેલા વચનોના પાલનનો પણ પ્રારંભ કરી દીધો છે.
મેક અમેરિકા ગ્રેટ અગેઇનના નારા સાથે પ્રમુખ બનેલા ટ્રમ્પે પહેલા જ દિવસે જારી કરેલા ફરમાનો દ્વારા સંકેત આપી દીધો છે કે તેઓ અમેરિકાના હિતો માટે ગમે તે હદે જવા તૈયાર છે. પછી તે વેપારની વાત હોય કે વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિની. ઓફિસ સંભાળતાની સાથે જ ટ્રમ્પે ભવિષ્યમાં ગંભીર અસરો ઉપજાવનારા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ જારી કરીને અમેરિકાની જનતા, અમેરિકાના પાડોશી દેશો, વેપાર અને સંરક્ષણ ભાગીદાર દેશો, વૈશ્વિક વ્યવસ્થાને ડામાડોળ કરતા સંઘર્ષોમાં સામેલ દેશોને બોલિવૂડની એક ફિલ્મના ડાયલોગની જેમ કહી દીધું છે કે, મેં જો બોલતા હૂં વો કરતા હૂં, ઔર જો નહીં બોલતા વો તો મેં ડેફિનેટલી કરતા હૂં.
અબજોપતિ અને બિઝનેસ ટાયકૂન એવા ટ્રમ્પના સાથીદારો પણ તેમના જેવી જ માનસિકતા ધરાવનારા છે. ટ્રમ્પની કેબિનેટમાં અમીરોનું પ્રભુત્વ છે. વિશ્વના સૌથી અમીર ઇલોન મસ્ક ટ્રમ્પ દ્વારા અપાયેલી વિશેષ જવાબદારી સંભાળવાના છે. ટ્રમ્પ, તેમના ડેપ્યુટી વાન્સ અને મસ્કની ત્રિપુટી ઇમિગ્રેશન, બોર્ડર અને બિઝનેસના મામલે કોઇ બાંધછોડ કરવાની પ્રકૃતિ ધરાવતી નથી. ટ્રમ્પ 2.0નો પ્રથમ દિવસ એ વાત તો સ્પષ્ટ કરી રહ્યો છે કે પ્રમુખ ટ્રમ્પ તેમના પ્રથમ કાર્યકાળમાં થયેલી નીતિવિષયક ભૂલોનું પુનરાવર્તન કરવા માગતા નથી. પહેલા દિવસના તેમના ઓર્ડર્સ પણ સ્પષ્ટ બતાવી રહ્યાં છે કે ટ્રમ્પ એક આક્રમક છતાં ઠરેલ રાજનીતિજ્ઞની જેમ કામ કરવા પ્રતિબદ્ધતા સાથે આગળ વધશે. તેમની નીતિઓ નક્કર રહેશે અને અમેરિકાનું હિત સર્વોપરિ રાખવામાં આવશે. પેરિસ ક્લાઇમેટ એકોર્ડ અને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે છેડો ફાડી નાખવાનું તેમનું કદમ આ વાતનો પુરાવો આપી રહ્યું છે.
આજે સમગ્ર વિશ્વ અમેરિકા અને ટ્રમ્પ પર મીટ માંડીને બેઠું છે. ટ્રમ્પ 2.0ના આગામી 100 દિવસ વિશ્વને એક નવી દિશા આપવા અને દશા બદલવામાં અત્યંત મહત્વની ભુમિકા ભજવશે એ વાતમાં કોઇ શંકા નથી. ટ્રમ્પ 2.0નું “ Make America Great Again” કેટલી હદે સફળ રહે છે તે જોવું રહ્યું.
