ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 43મા અધ્યાયમાં એક એવા વ્યક્તિત્વની ચર્ચા થઈ, જેમણે સાહિત્ય, કળા અને પત્રકારત્વ ક્ષેત્રે સફળ સફર ખેડી છે. આ અનન્ય વ્યક્તિત્વ એટલે પંકજભાઈ વોરા, જેમણે પ્રથમ આફ્રિકા અને બાદમાં યુકેમાં ગુજરાતી ભાષાની મોટી સેવા કરી.
કાર્યક્રમની શરૂઆત કરતાં બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના એકત્રીકરણ, ચયન, મૂલ્યાંકન અને પ્રકાશન પ્રકલ્પના મુખ્ય સંશોધક-સંપાદક, ગુજરાતી લેખક અને વિવેચક ડો. બળવંતભાઈ જાનીએ કહ્યું કે, પંકજ વોરા એક એવું નામ જેમણે ભારત-મુંબઈ બાદ મોમ્બાસા-આફ્રિકા, જે બાદ બ્રિટન – એમ ત્રણ અલગ-અલગ ભૌગોલિક સ્થાને પોતાની કારકિર્દીની સાથે પોતાનું શૈક્ષણિક અને સાહિત્યિક ઉપાર્જન કર્યું.
આજે સોનેરી સંગત સંદર્ભે એક મહત્ત્વના ડાયસ્પોરા લેખક પંકજ વોરા વિશે વાત કરવાની છે. મનસુખલાલ ઝવેરી, ગૌરીપ્રસાદ ઝાલા અને ભૃગુરાય અંજારિયા આ ત્રણ ગુજરાતના મુંબઈસ્થિત મહાનુભાવો તેમની પાસેથી જ દીક્ષિત અને શિક્ષિત થયા છે. વળી હરિન્દ્ર દવે અને લેખિકા સરોજ પાઠકના તે સહાધ્યાયી હતા. ત્યાં સુધી કે પંકજભાઈને બ.ક. ઠાકોર સુવર્ણચંદ્રકથી પણ તેઓ વિભૂષિત થયા હતા. બીએ-એમએ થયા બાદ તેમણે લોનો અભ્યાસ કર્યો, જેમાં તેઓ નાની પાલખીવાળા અને ચંદ્રચૂડ જેવા વિશ્વખ્યાત વિદ્વાનો પાસેથી શિક્ષિત થયા હતા. જે બાદ ક.મા. મુનશીનાં સંતાનોના તેઓ શિક્ષક પણ બન્યા.
મુંબઈની શાંતિનિકેતન જેવી સંસ્થામાં થોડો સમય કામ કર્યા બાદ તેઓ આફ્રિકા ગયા, જે બાદ તેઓ યુકેમાં સ્થાયી થયા અને માતૃભાષા અને સાહિત્યની સેવા કરી. ડાહ્યાભાઈ પટેલ, ભાનુશંકર ઓધવજી વ્યાસ અને બળવંત નાયક સાથે તેમણે ઘણું બધું કામ કર્યું.
પ્રથમ મુંબઈ અને બાદમાં મોમ્બાસામાં સાહિત્યક્ષેત્રે તેમણે ખૂબ કામ કર્યું. જો કે બ્રિટનમાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ સાથે રહીને - ગુજરાત સમાચાર સાથે એકરૂપ-તદરૂપ રહીને તેની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં અગ્રસ્થાને રહીને તેમણે કામ કર્યું. આ એક એવી બુદ્ધિજીવી વ્યક્તિ હતી, જેમણે સાહિત્યજગતમાં પણ અહંગરો, રૈનબસેરા, ભર ઝુરાપો જેવાં કાવ્ય પુસ્તકો આપ્યાં, જેને આર.આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યાં.
હું તેનાથી એટલો બધો પ્રભાવિત થયો કે એના આધારે પછી મેં પંકજ વોરાની ડાયસ્પોરા કવિતા નામનો ગ્રંથ કર્યો. ગુજરાતમાં અને મુંબઈમાં ગુજરાતી સાહિત્યની મહત્ત્વની લાઇબ્રેરી અને યુનિવર્સિટીમાં કોઈ એવો અધ્યાપક નથી, જેણે પંકજ વોરા અને ભારતીબહેનની કવિતા વિશે વાત ન કરી હોય.
ભારતીબહેન અને તેમના પરિવારજનો સેતુ, રૂપલ, શ્રુતિ, આર્જવ, આશ્કા, અનુષ્કા અને આકાશે પંકજભાઈની અગ્રંથસ્થ કવિતાઓનાં બે હજાર પત્તાં મને મોકલી આપ્યાં. જેના પરથી ‘મારું વસિયતનામું’ અને ‘મારો અસબાબ’ નામના બે સંગ્રહો તેમની અમુદ્રિત સામગ્રીમાંથી પ્રકાશિત કર્યાં. જેને ભાગ્યેશ જ્હા દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં તેનું ઉદ્ઘાટન કરી કાવ્યપાઠ કરી પંકજભાઈ વિશે વિગતે વિવેચન કર્યું. ભરૂચમાં પણ અમે એક વિમોચન સમારંભ કર્યો, જેને કદમભાઈ ટંકારવી દ્વારા યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ઇમ્તિયાઝ પટેલ વરેડીઆવાળા પણ હાજર રહ્યા હતા. આવો જ એક કાર્યક્રમ રાજકોટમાં પણ થશે.
ગુજરાત વિશેનાં કાવ્યોની એન્થોલોજીમાં ડાયસ્પોરા કવિઓનાં કેટલાંક કાવ્યો પૈકી પંકજભાઈનું પણ એક કાવ્ય છે. ‘ગુજરાતી ફક્ત મારી ભાષા નથી, મારી પ્રીતિ છે, મારો પ્રતિધ્વનિ છે અને મારી પ્રતીતિ છે. ગુજરાતી મારું એંધાણ જ નથી, મારી અનુભૂતિ છે-મારો અહેસાસ છે- મારી અભિવ્યક્તિ છે. ગુજરાતી મારી શિક્ષા જ નથી, મારી સમસ્તી છે- મારી સંસ્કૃતિ છે- મારું સાતત્ય છે. ગુજરાતી એટલી મારી વાચા નથી, મારા ભેરુનો અહંગરો છે- મારા વતનનો ઘર ઝુરાપો છે અને મારા સમયનો રૈનબસેરો છે.’
બળવંતભાઈ જાની દ્વારા પંકજભાઈના યશોપાઠ બાદ ભારતીબહેન વોરાએ પોતાની અનુભૂતિ અને તેમના સહચર્યને વર્ણવતાં કહ્યું કે, પંકજ વોરા માટે કવિતા કલા નથી પણ સ્વભાવ છે. આજે હું પંકજને એક કવિ તરીકે જીવંત રાખનાર અને તેના માટેનું વાતાવરણ સર્જનારાં તમામ પરિબળોને યાદ કરું છું. પંકજ લખે છે કે, ‘સંગ-સંગ ભેરુ, તો સર થાય મેરુ. ઇંટે-ઇંટે બંધાય જિંદગીનું દેરું’
ફેબ્રુઆરી 1965માં અમારાં લગ્ન થયાં અને મે મહિનામાં અમે મોમ્બાસા ગયાં અને ઓગસ્ટમાં કંપાલા ગયાં. અહીં અમારા જૂના મિત્ર કવિ ડાહ્યાભાઈ પટેલ મળ્યા અને કવિતા વાંચવા-લખવાની મોસમ શરૂ થઈ ગઈ. રોજ પંકજનાં કાવ્યપઠનનો ઉત્સવ લાઇવ ઓડિયન્સ સાથે ઊજવાતો. અહીં એક નવયુવાન પોતાની શાળામાં પંકજને કાવ્યપઠન માટે બોલાવવા આવે છે અને તે હતા કાંતિભાઈ નાગડા. આ સિલસિલો નાઇરોબીમાં પણ યથાવત્ રહ્યો.
આ દરમિયાન અમને ભાનુભાઈ પંડ્યા મળ્યા. મોમ્બાસામાં પણ પંકજનો સાહિત્ય વર્તુળ સાથે પહેલેથી સંપર્ક હતો. મે 1975માં અમે લંડન આવ્યાં. અહીં એરપોર્ટ પર અમને લેવા ડાહ્યાભાઈ કવિ આવ્યા અને સાથે ગુજરાત સમાચાર પણ લેતા આવ્યા. પંકજના હાથમાં ગુજરાત સમાચાર આપીને તેમણે કહ્યું હતું, ‘કવિ પંકજ વોરા લંડન પધારી રહ્યા છે તે સમાચાર તમારા ફોટો સાથે મૂક્યા છે.’ આમ નિયતિએ અમારો સંબંધ ગુજરાત સમાચાર સાથે બાંધી દીધો. જે આજના સોનેરી સંગતના સિલસિલા સુધી યથાવત્ જ છે. સી.બી. પટેલ અને ગુજરાત સમાચાર અમારી વાતો, કવિતા, નાટકો તથા ઇવેન્ટ્સ ભરપૂર સન્માન સાથે સમાચારોમાં આવરી લેતા.
આ દરમિયાન 1992માં પ્રોફેસર ડો. અદમ ટંકારવી બોલ્ટનમાં સેટલ થવા આવ્યા. અદમભાઈનો આગ્રહ હતો કે તમારે તમારી રચનાઓને વ્યવસ્થિત કરીને છપાવવી જોઈએ. જે મુજબ ફેબ્રુઆરી 2005માં પંકજનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું ‘અહંગરો’. બીજું પુસ્તક પ્રકાશિત થયું ‘ઘર ઝુરાપો’ અને ત્રીજું પુસ્તક ‘રૈનબસેરા’ 2008માં પ્રકાશિત થયું.
ફેબ્રુઆરી 2020માં મને શૂન્યતામાંથી જાગ્રત થવાનું માર્ગદર્શન મળ્યું અને મેં બળવંતભાઈ જાનીને ફોન કર્યો. આ સમયે તેમનો જવાબ હતો કે અમારી પ્રાયોરિટી પંકજભાઈ સંદર્ભે જ હોય. આ સમયે મારા માટે એક નવો દોર શરૂ થયો, જેનું પરિણામ આ બે પુસ્તકો ‘મારું વસિયતનામું’ અને ‘મારો અસબાબ’ છે.
ડો. જગદીશભાઈ દવેએ પંકજભાઈ વોરા વિશે સંક્ષિપ્તમાં જણાવતાં કહ્યું કે, પંકજભાઈ જ્યાં જાય ત્યાં ભારતીબહેન અને તેમનો જાદુઈ બગલ થેલો હોય જ. જે કોઈ પરિચિતને જુએ તેના ખિસ્સામાં થેલામાંથી એક પુસ્તિકા ચોકલેટના પેકેટ સાથે સરકાવી જ દે. કાવ્યની રજૂઆત તેમની આગવી શૈલી હતી. તેઓ જેટલી ઝડપે બોલતા હતા, તેટલી જ ઝડપે તેઓ લખી પણ લેતા હતા. કવિતા, વાર્તા, નિબંધ, પ્રવાસ અંગે તેમનું ખંડ ભરીને લખાણ હશે, જે પ્રસિદ્ધિ માટે રાહ જોઈ રહ્યું હશે. ભારતીબહેન અને બળવંતભાઈ સમય કાઢી આ મહાસાગરમાંથી આપણને મોતી શોધી આપે તેવી જ શુભેચ્છાઓ.
જગદીશભાઈની યાદો જાણ્યા બાદ પંકજભાઈ વોરાએ લખેલી અને માયાબહેન દીપક દ્વારા સ્વરાંકન કરાયેલું ગીત ‘નાતાલમાં દિવાળી ઊજવાતી’ રજૂ કરાયું. ઉલ્લેખનીય છે કે, આ ગીત પંકજભાઈએ ત્યારે લખેલું જ્યારે ગુજરાત સમાચારના અથાક પ્રયાસો થકી લંડન-અમદાવાદ-લંડન ફ્લાઇટ શરૂ થઈ હતી.
અદમ ટંકારવીએ પંકજભાઈ અંગે કહ્યું કે, આ બે પુસ્તકો પ્રકાશિત થવાનો શ્રેય બળવંતભાઈ જાનીને જાય છે. તેમણે આ મરણોત્તર પુસ્તકોમાં સંશોધન, સંપાદન કરી તેના પ્રકાશનની વ્યવસ્થા કરી. એટલું જ નહીં ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે તેનું વિમોચન પણ કર્યું. ભરૂચમાં પણ અમે સાથે મળી તેનું વિમોચન કર્યું. પંકજભાઈના સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે ખૂબ જ પ્રયત્નો કર્યા. તેમના કાવ્યસંગ્રહનું વિમોચન ગુજરાતમાં તો થયું, પણ અમારી ઇચ્છા તે બ્રિટનમાં તેમના ચાહકો સુધી પહોંચે તેવી છે.
ઇમ્તિયાઝ પટેલ વરેડીઆવાળાએ કહ્યું કે, પંકજભાઈના વ્યક્તિત્વ અંગે મારી લખેલી પંક્તિ યાદ આવે છે કે, ‘અચાનક આંખ ખોલવાની ઘડી આવી, કોઈને યાદ કરવાની ઘડી આવી. હજુપણ યાદ છે એ ક્ષણ વિદાયની, વ્યથાની આહ ભરવાની ક્ષણ આવી.’ પંકજભાઈ અને ભારતીબહેને ગુજરાતી સાહિત્ય, સંસ્કાર, કવિતા અને વારસાની જે સેવા કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. તેમના ઘરે યોજાયેલા મુશાયરા અને મહેફિલનો હું પણ એક હિસ્સો હતો તે મારું ભાગ્ય કહેવાય.
સી.બી. પટેલે પંકજભાઈ અંગે જણાવતાં કહ્યું કે, ગુજરાત સમાચારે પંકજ વોરા અને અન્ય મિત્રોના સહયોગથી લંડન, લેસ્ટર, બોલ્ટન, પ્રેસ્ટન અને ડ્યૂસબરીમાં કેટલા બધા મુશાયરા કર્યા, જેમાં રઇશ મણિયાર અને શોભિત દેસાઈ સહિત નામી-અનામી અનેક લોકો હોય. આ રીતે આપણે ગુજરાત સમાચારના માધ્યમથી સમાજને એકરસ કરી શક્યા છીએ.
આપણે અહીં ઘણાં નામ લીધાં, પરંતુ ટી.પી. સૂચકને પણ યાદ કરવા પડે. ‘સંગ-સંગ ભેરુ, તો સર થાય મેરુ. ઇંટે-ઇંટે બંધાય જિંદગીનું દેરું’ એનો હું સાક્ષી છું. ગુજરાત સમાચાર દ્વારા પંકજ વોરા અને ભારતી વોરા સમાજમાં ઓતપ્રોત થઈ એટલા ઘણા બધા કાર્યક્રમ કર્યા છે. અમારા દ્વારા અને અમારી સાથે રહીને જે સમાજની સેવા માટે હું આપ બંનેનો આભારી છું.

