વૈવિધ્યતાથી ભરપૂર ભારત દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (એકસમાન નાગરિક ધારો) લાગુ કરવા અંગેની ચર્ચા છાશવારે ઉઠતી રહે છે. 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ આ દિશામાં પ્રયાસો પણ શરૂ કરી દેવાયાં છે. ગુજરાત સહિતના કેટલાંક ભાજપશાસિત રાજ્યો તેમની રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની કવાયત કરી રહ્યાં છે. આ શ્રેણીમાં ભાજપશાસિત ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું ભાજપનું પ્રથમ રાજ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સત્તામાં આવ્યો ત્યારથી ભાજપ સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો હિમાયતી રહ્યો છે. ઉત્તરાખંડ આ દિશામાં પ્રથમ ડગલું ગણી શકાય. જેમ ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી બનાવવામાં આવ્યું હતું તેવી જ રીતે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડનો લિટમસ ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યો હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. ઉત્તરાખંડમાં સફળતાનો અર્થ એ થશે કે ટૂંકસમયમાં ગુજરાત સહિતના ભાજપ શાસિત રાજ્યો પણ આ દિશામાં આગળ વધી શકે છે.
ભારતમાં ક્રિમિનલ કાયદા તમામ સમુદાયોને એકસમાન રીતે લાગુ પડે છે પરંતુ પર્સનલ લો અલગ અલગ છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિતના ધાર્મિક સમુદાયો માટે તેમના ધર્મ આધારિત પર્સનલ લો અમલી છે. આ કાયદાઓ પક્ષપાતભર્યા રિતીરિવાજોને ઉચિત ગણાવતા હોવાનો આરોપ પણ બંધારણનું ઘડતર થયું ત્યારથી મૂકાઇ રહ્યાં છે.
સવાલ એ છે કે શું યુનિફોર્મ સિવિલ કોડ ભારત માટે લાભદાયી પૂરવાર થઇ શકે છે. જોકે ભારતની રાજકીય અને સામાજિક પશ્ચાદભૂ અને વર્તમાન સ્થિતિ યુનિફોર્મ સિવિલ કોડ આડેના મુખ્ય અવરોધ છે. કોડના ટીકાકારો કહે છે કે આ કાયદો દેશના બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેની જોગવાઇઓ દેશના લઘુમતી સમુદાયો માટે અન્યાયી પૂરવાર થઇ શકે છે. જ્યારે તેના સમર્થકોનું માનવું છે કે યુનિફોર્મ સિવિલ કોડ દેશમાં મહિલા અધિકારોને વધુ સશક્ત બનાવી શકે છે. યુનિફોર્મ સિવિલ કોડના કારણે રાષ્ટ્રીય એકતાની ભાવના પણ મજબૂત બની શકે છે. તેનાથી ધાર્મિક વિભાજનો દૂર કરી શકાશે અને ભારતીય સમાજ વધુ એકજૂથ બની શકશે.
દલીલો અનેક હોઇ શકે છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી દુર્ભાગ્યે ઘણી વિરોધાભાસી છે. ભારતમાં રાજકીય અને ધાર્મિક ધ્રુવીકરણ અને જાતિવાદ વ્યાપક છે અને તેથી જ સમાજો વાડાબંધીમાંથી બહાર આવીને યુનિફોર્મ સિવિલ કોડનો સ્વીકાર કરતા નથી. એ વાતમાં કોઇ શંકા નથી કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી ઘણા સામાજિક અને ધાર્મિક દુષણોનો અંત આવી શકે છે. પરંતુ વાઘના ગળામાં ઘંટ બાંધવાની હિંમત કોણ કરશે. દેશના દરેક નાગરિક માટે એકસમાન કાયદા વ્યાપક સમાનતાનો એહસાસ કરાવી શકે છે પરંતુ આ માટે સરકારે સંતુલિત અભિગમ અપનાવવો પડશે અને સૌથી પહેલાં તો તમામ પર્સનલ લોમાં રહેલી પક્ષપાતી જોગવાઇઓ નાબૂદ કરવી પડશે. આ પ્રક્રિયા બાદ વ્યાપક જનસંગ્રહ અને વ્યાપક સહમતિનો માર્ગ અપનાવીને દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં આગળ વધવું જોઇએ.
