શ્રીલંકાના પૂર્વ પ્રમુખ મહિંદા રાજપક્ષેના પુત્ર યોશિયા રાજપક્ષેની પોલીસે શનિવારે સંપત્તિ ખરીદીમાં ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે વર્ષ 2015 પહેલાં પોતાના પિતાના પ્રમુખપદ કાળ દરમિયાન તેમણે સંપત્તિની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો.
• પાકિસ્તાનમાં ઇશનિંદા બદલ ચારને મૃત્યુદંડઃ પાકિસ્તાનની કોર્ટે ફેસબુક પર ઈશનિંદા સંબંધી કન્ટેન્ટ અપલોડ કરવા બદલ 4 વ્યક્તિને મોતની સજા કરી છે. એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, કોર્ટે આ 4 લોકોને મોહમ્મદ પયગંબરના અપમાન માટે દોષિત ઠેરવ્યા હતા.
• ઇન્ડોનેશિયામાં 21 લોકોનાં મૃત્યુઃ ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભારે વરસાદ અને પૂરના કારણે ઠેરઠેર ભેખડો ધસી પડતાં સર્જાયેલી તારાજીમાં 21 લોકોનાં મોત થયાં છે, જ્યારે 13 લોકો ઘાયલ છે. કાટમાળ અને કાદવ કીચડના માહોલ વચ્ચે બચાવકર્મી બુધવારથી જ લાપતા લોકોને શોધી રહ્યા છે.
• થાઇલેન્ડમાં સેમ સેક્સ મેરેજને મંજૂરી, એક દિવસમાં જ સેંકડો લગ્નઃ થાઇલેન્ડ સેમ સેક્સ મેરેજને મંજૂરી આપનારો દક્ષિણ એશિયાનો પહેલો દેશ બની ગયો છે. અહીં 23 જાન્યુઆરીએ સેંકડો યુગલોએ એકસાથે પોતાના સાથી સાથે લગ્ન કર્યા હતા. આ સામૂહિક લગ્ન સમારંભ બેંગકોકના સૌથી મોટા શોપિંગ મોલ ઇવેન્ટ અને કન્વેન્શન સેન્ટરમાં યોજાયો હતો.
• સિંગાપુરમાં નકલી લગ્નની સંખ્યા વધીઃ સિંગાપુરમાં નકલી લગ્નના કિસ્સા સતત વધી રહ્યા છે. સિંગાપુરના પુરુષ પૈસા કમાવા માટે વિદેશી મહિલાઓ સાથે ખોટાં લગ્ન કરી રહ્યા છે. વિદેશી મહિલાઓ દેશમાં લાંબા સમય સુધી રહેવા અને કામ કરવા માટે લગ્ન કરી રહી છે.

