યુકે અને ભારત વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર મંત્રણા ફરી શરૂ થવાનો અર્થ એ છે કે યુકેના ગ્રોથ એજન્ડાને મદદરૂપ થવાનું મોટું આર્થિક ઇનામ. 95 મિલિયનનો મજબૂત મધ્યમ વર્ગ ધરાવતો ભારત યુકેની કંપનીઓ માટે મોટું બજાર ઉપલબ્ધ કરાવશે.
‘ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ’ સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં નવી દિલ્હીથી યુકેના બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે યુકેના વિપક્ષના ભાગ તરીકે અગાઉ લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તે સમયે હું ભારત એમ કહેવા આવ્યો હતો કે યુકેની લેબર પાર્ટી પણ ભારત સાથે વેપાર કરાર માટે પ્રતિબદ્ધ છે. જો કન્ઝર્વેટિવ સરકારે વેપાર કરાર કર્યો હોત તો અમે તેને અમલી બનાવ્યો હોત અને આગળ ધપાવ્યો હોત. તેમણે જણાવ્યું હતું કે, અહીં અમારું અદ્દભૂત સ્વાગત કરાયું છે. અમારી વચ્ચે પ્રગતિશીલ વાતચીત થઇ છે. હું ઘણો ખુશ છું.
ભારતને યુકે દ્વારા કેવા સ્પર્ધાત્મક લાભ આપવામાં આવશે તેવા સવાલના જવાબમાં રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, ભારતના મોટાભાગના લોકો યુકેની બહુપરીમાણતાને કારણે તેને ભાગીદાર દેશ તરીકે ઇચ્છે છે. યુકે તે ઘણી સારી રીતે કરી શકે છે કારણ કે બંને અર્થતંત્રોમાં ઘણી સામ્યતા છે. યુકેમાં વસતો 1.8 મિલિયનનો ભારતીય સમુદાય બંને દેશ વચ્ચે લિવિંગ બ્રિજની ગરજ સારે છે. માલસામાન, સર્વિસિઝ અને ઇન્વેસ્ટમેન્ટની વાત હોય ત્યારે બંને દેશ વચ્ચેના વેપાર સંબંધોની મજબૂત સ્થિતિ મદદરૂપ થાય છે. મહત્વની વાત એ છે કે અમે આ સંબંધોને નવી ઊંચાઇ પર લઇ જવા માગીએ છીએ. મારા વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ સાથેના સંબંધ પણ ઘણા મજબૂત છે. મને આશા છે કે અમે ઘણી સારી પ્રગતિ કરી શકીશું.
મંત્રણામાં રહેલા અવરોધો અંગે રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, અમે ઘણા મુદ્દા પર પ્રગતિ કરી ચૂક્યાં છીએ. પરંતુ કરાર ન થાય ત્યાં સુધી હું કહી શક્તો નથી. દરેક કરારમાં માગો અને અને સંવેદનશીલતા હોય છે. મહત્વની વાત એ છે કે બંને પક્ષની રાજકીય ઇચ્છા છે કે નહીં, બંને પક્ષ કંઇક જતું કરવા માગે છે કે નહીં. મારી આ ભારત મુલાકાતથી મને ઘણી આશા છે અને અમે આ કામ પાર પાડી શકીશું.