બેઈજિંગઃ પાંચ વર્ષ પહેલાં ચીનના વુહાનથી સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસથી લાખો લોકોનાં મોત બાદ ફરીથી ત્યાં નવો કોરોના વાઇરસ મળતાં દુનિયાભરમાં હડકંપ મચેલો છે. ચીનના વિજ્ઞાનીઓએ ચામાચીડિયામાં નવો કોરોના વાઇરસ શોધી કાઢ્યો છે. તે કોવિડ-19ના કારણે બનનારા વાઇરસની જેમ હ્યુમન રિસેપ્ટરનો ઉપયોગ કરતો હોવાથી જાનવરથી માણસોમાં ફેલાઈ શકે છે. આ અભ્યાસનું નેતૃત્વ વિવાદાસ્પદ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (ડબ્લ્યુઆઇવી) ના ચાઇનીઝ વાઇરોલોજિસ્ટ શી ઝેંગલી દ્વારા કરાયું હતું. જ્યાંથી કોવિડ-19 લીક થયો હોવાનો આક્ષેપ કરાયો હતો. શી. ઝેંગલી ચામાચીડિયામાંથી વાઇરસ પરના સંશોધન માટે બેટ વુમન તરીકે પણ જાણીતી થઈ છે. જો કે તે સમયે ચીનની સરકારે વુહાન લેબમાંથી કોરોના વાઇરસ લીક થયો હોવાનો ઇનકાર કર્યો હતો. તાજેતરના સંશોધન અનુસાર HKUS કોરોના વાઇરસની એક નવી વંશાવલી છે, જેને પ્રથમવાર હોંગકોંગમાં જાપાની પિપિસ્ટ્રેલ ચામાચીડિયામાં શોધાયો હતો.