પશ્ચિમના દેશોમાં ફાર રાઇટ્સનો થઇ રહેલો ઉદય વિશ્વ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. તાજેતરમાં જર્મનીમાં યોજાયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ વિપક્ષી ગઠબંધનના ફ્રેડરિક મેર્ઝ ચૂંટણી જીતી ગયાં છે જ્યારે કટ્ટર જમણેરી ગઠબંધન ઓલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી)ને બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર મોટા પાયા પર મત મળ્યાં છે. આમ યુરોપિયન યુનિયનના વધુ એક દેશમાં જમણેરી સરકારનો ઉદય થયો છે.
આ પહેલાં ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ફિનલેન્ડ, હંગેરી, ઇટાલી, નેધરલેન્ડ અને સ્લોવાકિયામાં ફાર રાઇટ અને જમણેરી ઝોક ધરાવતી સરકારો સત્તામાં આવી ચૂકી છે. તે ઉપરાંત અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને આર્જેન્ટિનામાં જેવિયર મિલી પણ કન્ઝર્વેટિવ નીતિઓને અનુસરી રહ્યાં છે. અમેરિકામાં ટ્રમ્પ અને મસ્કની જોડીની નીતિઓ ડાબેરી વિચારધારાથી તદ્દન વિપરિત જોવા મળી રહી છે. આ પહેલાં બ્રિટનમાં પણ જુલાઇ 2024માં યોજાયેલી સંસદની ચૂંટણીમાં કટ્ટર જમણેરી વિચારધારા ધરાવતી રિફોર્મ યુકેએ જબરદસ્ત કાઠું કાઢ્યું જેના પગલે કન્ઝર્વેટિવ પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો. આજે સત્તાધારી લેબર પાર્ટી કરતાં પણ રિફોર્મ યુકેની લોકપ્રિયતાનો ગ્રાફ ઘણો ઊંચો છે. જમણેરી અને ફાર રાઇટ વિચારધારાઓનું વધતું પ્રભુત્વ ન કેવળ પશ્ચિમી જગત પરંતુ સમગ્ર વિશ્વ માટે પડકાર સર્જી રહ્યું છે. આ વિચારધારાઓ લઘુમતી સમુદાયો માટે અત્યંત હાનિકારક પૂરવાર થવાની છે અને તેના સંકેતો હવે પ્રબળ પણ બની રહ્યાં છે. જમણેરી વિચારધારાઓ હંમેશા બહુમતી સમુદાયોની તરફેણ કરતી આવી છે. તેમનો ઉદય નવા સ્થાનિક અને વૈશ્વિક સમીકરણો સર્જશે એ વાતમાં કોઇ સંદેહ નથી.