ઢાકાઃ બાંગ્લાદેશમાં મોટો ઊલટફેર થઈ રહ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે. આર્મીએ કાયદો અને વ્યવસ્થા પોતાનાં હાથમાં લઈ લીધાં હોવાથી આડકતરી રીતે સત્તા પણ પોતાનાં હાથમાં લઈ લીધી હોવાની અટકળો થઈ રહી છે. ભારતની ધમકી પછી ત્યાં પાસું પલટાયું છે. મોહંમદ યુનુસ સરકાર પર આર્મીને ભરોસો ઓછો થઈ રહ્યો છે. આથી દેશની બાગડોર અને કાયદો વ્યવસ્થા સંભાળવા આર્મીએ આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે. બાંગ્લાદેશના આર્મી વડા જનરલ વકાર ઉઝ ઝમાએ કહ્યું છે કે, જ્યાં સુધી દેશમાં ચૂંટાયેલી સરકાર રચાશે નહીં ત્યાં સુધી આર્મી દેશમાં કાયદો અને વ્યવસ્થા સંભાળશે. તેમણે ઉમેર્યું હતું કે, બાંગ્લાદેશની આર્મી તેની જવાબદારીઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવશે. ઝમાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ત્યાંની વચગાળાની મોહંમદ યુનુસ સરકાર અનેક મુદ્દા પર ચારેબાજુથી ઘેરાયેલી છે.
ભારતના વિદેશ પ્રધાન જયશંકરે શનિવારે જ બાંગ્લાદેશને ચેતવણી આપી હતી કે, જો બાંગ્લાદેશ ભારત સાથે સારા સંબંધો રાખવા માગતું હોય તો હિન્દુઓ અને મંદિરો પર હુમલા અંગે તાત્કાલિક પગલાં ભરે.