લગભગ છેલ્લા એક વર્ષથી સ્થગિત થઇ ગયેલી ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ પુનઃશરૂ થઇ રહી છે. 2022થી શરૂ થયેલી આ મંત્રણાઓ 14 રાઉન્ડ પછી પણ વેપાર કરારને મૂર્તિમંત કરવામાં સફળ રહી નથી પરંતુ હવે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વોરના કારણે ભારત અને યુકે માટે મુક્ત વેપાર કરાર ઝડપથી અમલી બનાવવો અત્યંત આવશ્યક બની રહ્યો છે.
એ વાતમાં કોઇ શંકા નથી કે ભારત વિશ્વનું સૌથી વિશાળ બજાર છે અને તેનો લાભ લેવા યુકે તલપાપડ છે પરંતુ ભારતના ઘરેલુ ઉદ્યોગોને સંરક્ષણ આપવા માટે સરકાર દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ દર અવરોધરૂપ બની રહ્યાં છે. ભારત દ્વારા યુકેમાંથી થતી ખાદ્યપદાર્થો, ઓટોમોબાઇલ્સ, વ્હિસ્કી પર 150 ટકા જેટલી જંગી જકાત વસૂલવામાં આવી રહી છે જે બંને દેશ આડેના વેપાર કરારમાં મુખ્ય આડખીલી બની રહી છે. બ્રિટન ભારત પર આ જકાતમાં મોટો ઘટાડો કરવા દબાણ કરી રહ્યો છે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફની ધમકીઓ અને તેનો અમલ ભારત માટે નુકસાનકારક પૂરવાર થવાનો છે. જેના પગલે ભારતની નિકાસો પર અસર થવાની છે ત્યારે તેને સરભર કરવા ભારત યુકેમાં નિકાસો વધે તેમ જરૂર ઇચ્છે છે. જો ભારતને યુકેમાં નિકાસો વધારવી હશે તો તેણે પણ યુકેના ઉત્પાદનો માટે પોતાના બજારો ખુલ્લાં મૂકવા પડશે અને યુકેના સામાન અને સેવાઓ પરની જકાતમાં બાંધછોડ કરવી પડશે. 2050 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બને તેવા સંજોગોમાં બ્રિટિશ કંપનીઓને ભારતીય બજારોમાં મોકળાશ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો બ્રિટનના રહેશે.
બીજીતરફ ભારત સરકાર ભારતીયોને વિઝા મામલે બ્રિટન સાથે આકરું વલણ અપનાવી રહી છે. ભારત ઇચ્છે છે કે બ્રિટન જતા ભારતીય સ્કીલ્ડ વર્કર્સને બ્રિટન સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવે. અત્યારે ભારતીય સ્કીલ્ડ વર્કર્સ યુકેમાં પેન્શન કે અન્ય સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ હાંસલ કરી શક્તા નથી. બ્રિટને કેનેડા. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સાથે સોશિયલ સિક્યુરિટી એગ્રીમેન્ટ કરેલા છે અને ભારત સરકાર પણ ભારતીય વર્કર્સ માટે આ પ્રકારની સુવિધા ઇચ્છે છે. ભારત સરકાર ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ વિશેષ જોગવાઇઓની માગ કરી રહી છે.
આમ બંને પક્ષ પોતાની શરતો મનાવવા જોરદાર પ્રયાસો કરશે તેમ માનવામાં આવી રહ્યું છે ત્યારે અર્થતંત્રોને વેગ આપવો એ પણ પ્રાથમિકતા બની રહેશે. આ માટે બાંધછોડ જ આ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં મદદરૂપ બની શકે છે.