ગુજરાત સમાચાર સતત 53 વર્ષથી સાત સમુદ્ર પાર ગુજરાતી સમાજ માટે જ્યોતિર્ધર બની રહ્યું છે. આ પ્રયાસરૂપે જ જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞને વરેલા તંત્રી-પ્રકાશક સી.બી. પટેલના માર્ગદર્શનમાં અમારા દ્વારા વિવિધ વિષયોને લઈને વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’નું આયોજન કરાય છે. 13 ફેબ્રુઆરીએ ગુરુવારે ‘સોનેરી સંગત’નો 47મો અધ્યાય રજૂ કરવામાં આવ્યો, જેનો વિષય ચારુતર આરોગ્ય મંડળની આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ રહી.
શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા ચારુતર આરોગ્ય મંડળ હેઠળ વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ ચલાવાય છે. ચારુતર આરોગ્ય મંડળનો મુદ્રાલેખ પીડાગ્રસ્તો માટે સાંત્વના છે, જે રોગગ્રસ્તો માટે અમૃતસમાન બની રહે છે.
આ અંગે કાર્યક્રમની ધુરા સંભાળતાં સી.બી. પટેલે ભાઈકાકા યુનિવર્સિટીના સહયોગમાં ચાલતા ચારુતર આરોગ્ય મંડળ દ્વારા ચાલતી પ્રવૃત્તિ જાણવા અતુલભાઈ પટેલને આમંત્રણ આપ્યું.
અતુલભાઈ પટેલઃ મને અહીં કામ કરવાની ઉમદા તક મળી. એચ.એન. પટેલ સાહેબે 52 વર્ષ પહેલાં ‘હેલ્થ કેર ફોર ઓલ’ની નેમને સાકાર કરવા આ હોસ્પિટલની સ્થાપના કરી હતી. ચરોતરમાં ચારુતર વિદ્યામંડળની સ્થાપના થઈ, પરંતુ જ્યારે થયું કે હેલ્થ અંગે અહીં કોઈ સગવડ નથી ત્યારે એચ.એમ. પટેલ સાહેબે 100 બેડની હોસ્પિટલ પણ શરૂ કરી હતી. આજે આ હોસ્પિટલ 1000 બેડ ધરાવે છે.
આ હોસ્પિટલ શરૂ કરી ત્યારે એચ.એમ. પટેલ સાહેબ પાસે નાણાંનો પણ અભાવ હતો. તે સમયે પ્રમુખસ્વામી મહારાજે રૂ. 1.25 કરોડ આપ્યા, જેનાથી મેડિકલ કોલેજની સ્થાપના થઈ. આજે મેડિકલ કોલેજમાં નર્સિંગ, ફિઝિયોથેરપી, ટેકનિકલ કોર્સીસ ચાલી રહ્યા છે. આ સિવાય સર્જન, નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ જેવા પોસ્ટ ગ્રેજ્યુએટના 113 કોર્સ પણ ચાલે છે. અહીં 1700 જેટલા વિદ્યાર્થીઓ છે અને આપણી હોસ્પિટલ એનએબીએચ – (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ)ની માન્યતા ધરાવે છે.
સંસ્થાના પાયા અંગેની માહિતી આપ્યા બાદ અતુલભાઈએ જાગૃતભાઈ ભટ્ટને આગળની માહિતી આપવા આગ્રહ કર્યો.
જાગૃતભાઈ ભટ્ટઃ મને યાદ છે કે, 1965થી 1967 દરમિયાન એચ.એમ. પટેલનાં પત્ની સવિતાબહેન એકવાર બીમાર પડ્યાં. તેમને જ્યારે દાખલ કર્યાં ત્યારે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે સ્ટ્રેચરની વ્યવસ્થા પણ નહોતી. આ સમયે આ હોસ્પિટલનું અંકુરિત થયું. તેમણે વિચાર્યું કે એક ચેરમેન તરીકે મારી આ સ્થિતિ હોય તો ચરોતરના સામાન્ય માણસોનું શું થાય! આ ભાવના સાથે હોસ્પિટલની વ્યવસ્થા ઊભી કરવી હતી પણ નાણાંનો અભાવ હતો.
આવા સમયે લંડનનું અમારું ઋણાનુબંધ કામે આવ્યું. લંડનના એક દાતાએ તે સમયે રૂ. 1.25 કરોડનું દાન કર્યું અને કહ્યું કે હોસ્પિટલનું કામ શરૂ કરો પણ મારું નામ ક્યાંય ન આવવું જોઈએ. આ સમયે પ્રશ્ન હતો કે તેમનું નામ નહીં, તો કોનું નામ આપવું? આ સમયે દાતાશ્રીએ કહ્યું કે આ નામ કૃષ્ણને આપો અને ક્રિષ્ના હોસ્પિટલ શરૂ થઈ. જો કે 15 વર્ષ બાદ લંડનના ગોકળ પરિવારનું નામ જાહેર થયું. આવા શુભ દાન સાથે આ સુંદર કાર્ય આગળ વધતું ચાલ્યું,. આજની સ્થિતિમાં આ સંકુલ મોટું ને મોટું થતું જઈ રહ્યું છે.
દાનનો વ્યાપ વધારવાનો નિર્ણય થયો ત્યારે સપોર્ટ મેળવવા અમે લંડન જવાનું નક્કી કર્યું. 2011-12માં અમૃતાબહેને આ નિર્ણયમાં સહમતી દર્શાવી, પરંતુ સવાલ એ હતો કે લંડનમાં આપણને ઓળખે કોણ? આ વિચારના અંતે સર્વસહમતીથી નક્કી થયું કે સી.બી. પટેલ સાહેબનો સંપર્ક કરતાં જ આપણે સફળ થઈશું. સી.બી. પટેલનો સંપર્ક કરતાં તેમણે અમારું ઉષ્માભેર સ્વાગત કર્યું અને આશરે 15 મિનિટ સુધી અમને ધ્યાનથી સાંભળ્યા. આ સમયે અમે 15 અને તેમના પરિવારના સભ્યો વચ્ચે સી.બી. પટેલે કહ્યું કે, આ કાર્ય આપણે હાથમાં લેવાનું છે. બસ એ દિવસથી જ આ કાર્ય લંડનમાં શરૂ થયું અને સી.બી. પટેલે સૌપ્રથમ 30 હજાર પાઉન્ડનું દાન કર્યું અને કહ્યું કે, ‘આ હવનમાં પ્રથમ શ્રીગણેશ હું કરું છું. તમને ઉત્તરોતર સફળતા પ્રાપ્ત થતી રહે.’
જાગૃતભાઈના અનુભવ જાણ્યા બાદ સી.બી. પટેલે અતુલભાઈને આગ્રહ કર્યો કે, હાલમાં શું થઈ રહ્યું છે અને જાગૃતભાઈ તમે લંડનના દાતાઓ અંગે અમને માહિતગાર કરો.
અતુલભાઈ પટેલઃ લંડનના અનેક લોકોએ અમને સાથ આપ્યો છે, જેમાં વિજયભાઈ અને ભીખુભાઈ, લંડન ટ્રસ્ટના પુષ્યંતભાઈ, બારેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ અને વી.સી. જેવી વ્યક્તિ આપણી સંસ્થા માટે એટલી લાગણી ધરાવતા હતા કે અન્યો દ્વારા પણ અમને દાન અપાવ્યું હતું. આપણી હોસ્પિટલ આસપાસનાં 150 ગામમાં હેલ્થવર્કર દ્વારા સેવા કરે છે. હાલમાં પાંચ સ્થળે આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, જેમાં કસોર ,ભાદરણ, પેટલાદ અને જીઆઇડીસી વિદ્યાનગર. આ ઉપરાંત સેવાલિયામાં આપણે સેકન્ડરી લેવલની હોસ્પિટલ ચલાવી રહ્યા છીએ.
આજે આપણી હોસ્પિટલમાં 40 ડાયાલિસીસ મશીન છે. આજે અમદાવાદથી ભરૂચ વચ્ચે આપણી એકમાત્ર એવી હોસ્પિટલ છે, જેમાં બે લિનિયર રેડિએશન મશીન, પેટસ્કેન મશીન છે. આપણે રોજના 100 દર્દીને રેડિએશન થેરપી અને 40થી 50 દર્દીને કિમોથેરપી આપીએ છીએ. હાલમાં આપણે 6 ઓપરેશન થિયેટરનું રિનોવેશન કરી રહ્યા છીએ, જે એપ્રિલ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે. આ કાર્ય પૂર્ણ થતાં 40ના બદલે 80 વિદ્યાર્થીઓને નર્સિંગનું શિક્ષણ આપી શકાશે.
આપણે ગયા વર્ષે અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ નામે અલ્ટ્રા મોર્ડન ટ્રેનિગ સેન્ટર ઊભું કર્યું છે, જેના માટે રૂ. 6 કરોડ ખર્ચ કરાયા છે, જેમાં નવા કોર્સ ઉમેરવામાં આવશે.
ચારુતર આરોગ્ય મંડળ અંગે અતુલભાઈ પાસેથી જાણ્યા બાદ સી.બી. પટેલે જ્યોતિબહેન તિવારીને આગ્રહ કર્યો કે તેઓ તેમનાં કાર્યો વિશે જણાવે
જ્યોતિબહેન તિવારીઃ 1981માં અહીં સર્વપ્રથમ નર્સિંગ કોલેજ શરૂ કરાઈ હતી, ત્યારબાદ 1987માં મેડિકલ કોલેજની શરૂઆત થઈ. આ તમામ કોલેજ પહેલાં સરદાર પટેલ યુનિવર્સિટી સાથે સંકળાયેલી હતી. 2019માં જેટલી પણ કોલેજની ભાઈકાકા યુનિવર્સિટીની સ્થાપના થઈ તે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ હેઠળ સમાવી લેવામાં આવી. આમ જોવા જઈએ તો અમારી યુનિવર્સિટી નવી ગણાય. અમારા ઇન્સ્ટિટ્યૂટ્સ - પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, નર્સિંગ અને ફિઝિયોથેરપી કોલેજ ઘણી જૂની છે અને રાજ્યભરમાં વખણાય છે. એમબીબીએસ, એમડીમાં અમારી સીટ રાજ્યમાં સૌ પહેલાં ભરાઈ જાય છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અમે માત્ર તેમને અભ્યાસક્રમ જ નહીં, ઇત્તર પ્રવૃત્તિના ભાગરૂપે નાનાં ગામડાંઓ સુધી પણ લઈ જઈએ છીએ. અહીં તેઓ ગ્રામ્યજનોની સ્વાસ્થ્ય સમસ્યા જાણે છે અને દર 5 વિદ્યાર્થી એક પરિવારને એડોપ્ટ કરે છે અને પાંચ વર્ષ તેમની સાથે જ રહી તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ જાણે છે. અમારાં કાર્યોને જોતાં અમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક એવોર્ડ મળી ચૂક્યા છે.
જ્યોતિબહેન તિવારી દ્વારા મંડળનાં કાર્યો અને તેની સિદ્ધિ જાણ્યા બાદ સી.બી. પટેલે ડો. અભય ધરમશીને આમંત્રિત કર્યા.
ડો. અભય ધરમશીઃ 40 વર્ષનો અનુભવ મેળવ્યા પછી ભાઈકાકા યુનિવર્સિટી સાથે સંકળાયેલો હોવાથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આ યુનિવર્સિટીને 2019 માં ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો અને અમે તેનું નામ ભાઈલાલભાઈના નામે રાખ્યું, જેમને અમે ભીખુકાકા તરીકે બોલાવતા હતા.
ભાઈલાલભાઈ એક સ્વપ્નદૃષ્ટા નેતા હતા અને સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતા. ભાઈકાકા યુનિવર્સિટીમાં અમે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના 84 વિવિધ કોર્સ ઓફર કરીએ છીએ. અહીં 1700 જેટલા વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રના અનુભવી 300 જેટલા શિક્ષકો છે.
અમે હજુ પણ ડો. પટેલનાં મૂળભૂત મૂલ્યો, પારદર્શિતા અને પ્રામાણિકતાને અનુસરીએ છીએ અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ પૂરાં પાડીએ છીએ.
યુનિવર્સિટી માટે અમારી પાસે ઘણી યોજનાઓ છે. અમને મળેલી માન્યતા પુરાવો છે કે અમે ગુણવત્તામાં માનીએ છીએ. તાજેતરમાં અમે નેશનલ ઇન્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્ક માટે પણ અરજી કરી છે.
જાગૃતભાઈ ભટ્ટઃ ભૂકંપ સમયે અમે ત્યાં સેવા માટે ગયા હતા. ત્યાંની વિકટ સ્થિતિમાં સર્જરી શક્ય ન હોવાથી ત્યાંથી સમજાવટ પૂર્વક 300 દર્દીને વિદ્યાનગર લાવ્યા હતા. આ દર્દીઓની અમે 6 મહિના સારવાર કરી અને રૂ. 1.25 લાખની આર્થિક સહાય કરી પરત મોકલ્યા હતા. કોવિડના કપરા કાળમાં અન્ય હોસ્પિટલ નાણાં કમાઈ રહી હતી, ત્યારે અમે નાણાં ગુમાવી રહ્યા હતા. કોવિડના આ સમયે અમારો ધ્યેય તમામની સારવાર કરવાનો હતો. આ સમયે ટ્રોમા વોર્ડમાં એકસાથે 1 હજાર દર્દીનો ધસારો હતો. એક સમયે ઓક્સિજન ખતમ થઈ જતાં એકસાથે 180 દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ સમયે અમે આખી રાત કલેક્ટર ઓફિસમાં પણ વિતાવી હતી. આવી અનેક પરિસ્થિતિઓ અમે જીતી છે. જો કે આજે અમને સંતોષ છે કે અમે માનવતાને જીવી ગયા.