ગયા સોમવારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 3 વર્ષ વીતી ગયાં. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપની ધરતી પર લડાયેલું આ સૌથી લોહીયાળ યુદ્ધ રહ્યું. નાટોમાં સામેલ થવાના યુક્રેનની યોજનાનો વિરોધ કરતાં રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો કરી દીધો હતો જેણે યુરોપના વિવિધ દેશોમાં ભૂરાજકીય કટોકટી સર્જી દીધી હતી. આ યુદ્ધમાં રશિયન પ્રમુખ પુતિનને સ્પષ્ટ વિજય તો હાંસલ થયો નથી પરંતુ રશિયન દળોએ યુક્રેનની 20 ટકા જમીન પર કબજો જમાવી દીધો છે.
અમેરિકામાં સત્તાપરિવર્તન બાદ સમગ્ર સ્થિતિના પરિમાણો બદલાઇ ચૂક્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં જે રીતે અમેરિકા રશિયાનું સમર્થન કરી રહ્યો છે તેના પગલે સમગ્ર યુરોપમાં અમેરિકાના સાથી દેશોમાં ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પ રશિયાને સ્થાને યુક્રેનનું નાક દબાવીને યુદ્ધ અટકાવવાનો જશ ખાટી જવા માગે છે અને સાથે સાથે નાટો દેશોને પણ કદ પ્રમાણે વેતરવા આગળ વધી રહ્યાં છે. ટ્રમ્પનો ડોળો યુક્રેનના ખનીજ ભંડારો પર છે જેને અંકે કરવા ટ્રમ્પ હવે અમેરિકા દ્વારા યુક્રેનને અત્યાર સુધીમાં અપાયેલી 119 બિલિયન ડોલર કરતાં વધુની સહાય પાછી માગી દબાણ સર્જી રહ્યાં છે. ટ્રમ્પની કૂટનીતિ સામે યુરોપના નેતાઓ પણ વામણા પૂરવાર થઇ રહ્યાં છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા શક્તિશાળી દેશોના નેતાઓ પણ ટ્રમ્પને વળતો જવાબ આપવામાં ખચકાઇ રહ્યાં છે.
યુદ્ધ હંમેશા બરબાદી લઇને જ આવે છે. રશિયા અને યુક્રેન પણ આ યુદ્ધના કારણે બરબાદ થયાં છે. બંને દેશના બે લાખથી વધુ સૈનિકો છેલ્લાં 3 વર્ષમાં માર્યાં ગયાં છે તો આર્થિક રીતે પણ બંને દેશને ફટકા પડ્યાં છે. રશિયામાં ફુગાવાનો દર 9.5 ટકા અને યુક્રેનમાં 12 ટકા પર પહોંચી ગયો છે. રશિયાનો જીડીપી વૃદ્ધિદર યુદ્ધના પ્રથમ વર્ષે ગગડીને માઇનસ 1.3 ટકા અને ત્યારપછીના બે વર્ષમાં 3.6 ટકા નોંધાયો હતો જેની સામે યુક્રેનનો જીડીપી 2022માં 36 ટકા ઘટ્યો હતો. જોકે 2024માં તેમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો. આમ બંને દેશને લશ્કરી અને માનવીય ઉપરાંત આર્થિક મોરચે પણ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.
આમ 3 વર્ષના આ યુદ્ધથી કોઇને લાંબાગાળાનો લાભ થયો નથી પરંતુ હવે ટ્રમ્પ બે બિલાડી વચ્ચેની લડાઇમાં લાભ ખાટવા માટે વાંદરાની ભુમિકામાં આવી ગયાં છે. યુક્રેનનો હાથ આમળવા અને રશિયા પ્રત્યે કુણું વલણ અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પને કેટલો લાભ કરાવશે તે તો આગામી થોડા મહિનામાં ખબર પડી જશે.