ઇઝરાયલના હુમલાથી થથરી ઊઠ્યું ગાઝાઃ ટ્રમ્પનું યુદ્ધવિરામ ખતમ

Wednesday 29th October 2025 07:18 EDT
 
 

તેલ અવીવ: ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે પુષ્ટિ આપી છે કે ઇઝરાયલી સૈનિકો પર ગોળીબાર કર્યા બાદ IDF (ઇઝરાયલ સંરક્ષણ દળો) એ ગાઝામાં હમાસ પર ભારે હુમલો શરૂ કર્યો છે. આ હુમલાઓ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના આદેશ પર કરાયા હતા. નેતન્યાહૂએ અગાઉ જણાવ્યું હતું કે, તેમણે સેનાને ગાઝામાં તાત્કાલિક ‘શક્તિશાળી હુમલો’ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
IDF અનુસાર હમાસે રફાહમાં એન્ટિ ટેન્ક મિસાઇલ ચલાવી અને ઇઝરાયલી સૈનિકો પર ગોળીબાર કર્યો. ઇઝરાયલે આને હમાસ દ્વારા યુદ્ધવિરામનું બીજું ઉલ્લંઘન ગણાવ્યું. એક ઇઝરાયલી અધિકારીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, ‘હમાસના વર્તમાન ઉલ્લંઘનનો જવાબ અગાઉના ઉલ્લંઘન કરતાં ઘણો વધુ ગંભીર હશે.’
IDF દ્વારા ગાઝામાં ભારે ગોળીબાર
ઇઝરાયલી લશ્કરી સૂત્ર અનુસાર IDF જવાબી ગોળીબાર કરી રહ્યું છે, જેથી હમાસ યેલો લાઇનના ઇઝરાયલી ભાગમાં સૈનિકોને વધુ સંકટમાં ન મૂકી શકે. પરિસ્થિતિના મૂલ્યાંકન અને સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝની મંજૂરી બાદ 7 ઓક્ટોબરથી ગાઝા સરહદી સમુદાયોમાં IDF દ્વારા લાદવામાં આવેલા સુરક્ષા પ્રતિબંધો હટાવી લીધા છે.
ઇઝરાયલી બંધકોના મૃતદેહ આપવામાં હમાસની આનાકાની
ઇઝરાયલી સુરક્ષા અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, જો હમાસ બંધકોના મૃતદેહ કે અવશેષો પરત કરવામાં નિષ્ફળ જાય તો ઇઝરાયલ પાંચ વિકલ્પ પર કામ કરશે. જેમાં ઓપરેશનલ નિયંત્રણમાં વધારો, પિન પોઇન્ટ હુમલા કરવા, બંધકોના અવશેષો મેળવવા માટે કામગીરી, રાજદ્વારી દબાણ અને હાલના કરારો સમાપ્ત કરવાનો સમાવેશ થાય છે.
હમાસે બંધકોના મૃતદેહો વિશે શું કહ્યું?
બે અઠવાડિયાં પહેલાં ઇઝરાયલી સૂત્રોએ સ્થાનિક KAN ન્યૂઝને જણાવ્યું હતું કે, હમાસ બે અંકની સંખ્યામાં મૃત બંધકોના અવશેષો પરત કરવામાં સક્ષમ છે, અને તેમના દફન સ્થાનો જાણતા હોવા છતાં અવશેષો પરત કરવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યું નથી. હમાસ કહે છે કે તે ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા તમામ બંધકોને શોધી શકતું નથી, અને તે જ સાંજે તેણે જણાવ્યું કે, તેમણે તે તમામ બંધકોના મૃતદેહ સોંપી દીધા છે, જેમના સુધી તેઓ પહોંચી શકતા હતા.


comments powered by Disqus