ગ્રૂમિંગ ગેંગ ઇન્કવાયરીઃ સરકારની મનશા પર સવાલો

Wednesday 29th October 2025 06:10 EDT
 

ફરી એકવાર ગ્રૂમિંગ ગેંગનો મામલો અખબારોમાં મથાળા બનવા લાગ્યો છે. 2010ના દાયકામાં રોચડેલ, રોધરહામ અને ઓક્સફર્ડના હાઇ પ્રોફાઇલ ગ્રૂમિંગ ગેંગ કેસો સામે આવ્યા બાદના વર્ષોમાં યુકેમાં ગ્રૂમિંગ ગેંગોનો મામલો સૌથી વધુ ધ્રુવીકરણ કરાવનારા મામલા પૈકીનો એક બની રહ્યો છે. આ મામલામાં રાજકીય પક્ષો અને સરકારોએ મન ફાવે તેવી રીતે રાજનીતિ પણ કરી છે.
2025ના પ્રારંભમાં વ્યાપક દબાણના પગલે સર કેર સ્ટાર્મર સરકારે વર્ષોથી ચાલી આવતી નેશનલ ઇન્કવાયરીની માગ સ્વીકારી હતી. હવે 2025નું વર્ષ પુરું થવા આડે માંડ બે મહિના બાકી રહ્યાં છે તેમ છતાં નેશનલ ઇન્કવાયરીના પ્રારંભના કોઇ ઠેકાણા નથી. સરકારો અને રાજકીય પક્ષોના અત્યાર સુધીના વલણને કારણે તેનું નેતૃત્વ કરવા પણ કોઇ તૈયાર નથી. એટલું જ નહીં ગ્રૂમિંગ ગેંગ મામલામાં તપાસને વ્યાપક બનાવીને ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશનને સમાવી લેવાની સરકારની કવાયતે વિભાજનો સર્જી દીધાં છે. ગ્રૂમિંગ ગેંગોનો ભોગ બનેલી પીડિતાઓ વચ્ચે પણ આ મામલે મતભેદો પ્રવર્તી રહ્યાં છે. પીડિતોની પેનલમાંથી 4 પીડિતાએ રાજીનામા ધરી દીધાં છે તો અન્ય પીડિતાઓ સેફ ગાર્ડિંગ મિનિસ્ટર જેસ ફિલિપ્સે મૂકેલા પ્રસ્તાવનું સમર્થન કરી રહી છે.
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે નેશનલ ઇન્કવાયરી શરૂ થશે કે કેમ. સરકાર ભલે પારદર્શક અને પક્ષપાતવિહિન તપાસના આશ્વાસનોનો પુનરોચ્ચાર કરી રહી હોય પરંતુ ઇન્કવાયરી શરૂ થવામાં જે રીતે વિલંબ થઇ રહ્યો છે તે સરકારની મનશા પર ગંભીર સવાલો સર્જે છે. આમ પણ બ્રિટનમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ અને ઇમિગ્રેશનનો વિવાદ પાછલા કેટલાક વર્ષોમાં ચરમ પર પહોંચ્યો છે ત્યારે ગ્રૂમિંગ ગેંગનો મામલાનો ઉપયોગ કરી વંશીય લઘુમતી સમુદાયો, માઇગ્રન્ટ્સ અને ઇમિગ્રન્ટ્સ પ્રત્યે ઝેર ઓકવામાં ફાર રાઇટ્સને ફાવતું મળી ગયું છે. એટલે જ તો આજે લેબર અને કન્ઝર્વેટિવ પાર્ટીની લોકપ્રિયતા તળિયે બેઠી છે જ્યારે કટ્ટર વિચારધારા ધરાવતી રિફોર્મ યુકેની લોકપ્રિયતા નવી ઊંચાઇઓ હાંસલ કરી રહી છે.
અત્યાર સુધીમાં જેટલા ગ્રૂમિંગ ગેંગ કેસ સામે આવ્યા તેમાં સંડોવાયેલા અને દોષી ઠરેલા મુખ્યત્વે બ્રિટિશ પાકિસ્તાનીઓનો સમાવેશ થાય છે. રોચડેલ, રોધરહામ સહિતની સ્થાનિક ઇન્કવાયરીઓમાં 80 ટકા કરતા વધુ બ્રિટિશ પાકિસ્તાની જ સંડોવાયેલા માલૂમ પડ્યાં હતાં. સ્ટાર્મર સરકાર ઇચ્છે છે કે ગ્રૂમિંગ ગેંગ નેશનલ ઇન્કવાયરીનો વ્યાપ વધારીને તેમાં બાળકોના જાતીય શોષણના મામલાઓ પણ સામેલ કરાય. જેથી તપાસનો દાયરો વધે અને ગ્રૂમિંગ ગેંગના વિવાદને હળવો બનાવી શકાય. કારણ કે જસ્ટિસ મિનિસ્ટ્રીના આંકડા પ્રમાણે 2022માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ કેસોમાં 88 ટકા આરોપી શ્વેત, 7 ટકા આરોપી પાકિસ્તાની મૂળના અને 3 ટકા આરોપી અશ્વેત હતા. તેથી ગ્રૂમિંગ ગેંગની સાથે સાથે ચાઇલ્ડ એબ્યુઝ પણ સામેલ કરી દેવામાં આવે તો તેમાંથી વંશીયતાના મામલાનો છેદ જ ઊડી જાય. જેના પગલે ગ્રૂમિંગ ગેંગ કાંડમાં વંશીય સમુદાયો, માઇગ્રન્ટ્સ અને ઇમિગ્રન્ટ્સ પર આરોપ મૂકી રાજનીતિ કરનારા ફાર રાઇટને પણ પછડાટ આપી શકાય.
આમ લેબર સરકાર ખૂબ ગણતરીપુર્વક આગળ વધી રહી હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે. ફિલિપ્સે મૂકેલા પ્રસ્તાવને વડાપ્રધાન સ્ટાર્મરે સીધું સમર્થન આપી દીધું છે. પરંતુ તેના પગલે ઇન્કવાયરી પર જ પ્રશ્નાર્થચિહ્ન મૂકાઇ ગયું છે. ઇન્કવાયરીનું નેતૃત્વ કરનારા બે અગ્રણી ઉમેદવારોએ ઇન્કવાયરીની પારદર્શકતા પર સવાલો ઉઠાવીને પીછેહઠ કરી લીધી છે. પીડિતાઓની પેનલ પણ બે ભાગમાં વિભાજિત થઇ ગઇ છે. આ સ્થિતિ સરકાર માટે તો સારી જ છે કારણ કે તે ઇચ્છે છે કે આ ઇન્કવાયરીમાં જેટલો વિલંબ થાય તેટલું સારું છે. અત્યાર સુધીની સરકારોના ઇરાદા તેમના વલણથી સ્પષ્ટ હતા અને સ્ટાર્મર સરકાર પણ એ જ દિશામાં આગળ વધી રહી છે.


comments powered by Disqus