પથ્થરો પર કોતરાયેલી આસ્થાઃ BAPS, નીસડન મંદિરની પ્રેરણાદાયી યાત્રા

મારી નજરે

- સી.બી. પટેલ Wednesday 29th October 2025 07:26 EDT
 
 

હું BAPS સાથે ગાઢ અને અંગત નાતો ધરાવું છું કારણકે પરમપૂજ્ય શાસ્ત્રી મહારાજે તેનો પાયો નાખ્યો તે પહેલાથી મારા દાદા આ સંસ્થા સાથે સંકળાયેલા હતા. હું મારી જાતને આજે યુકેમાં ઘણા ઓછાં સદનસીબ વ્યક્તિઓમાં સાચા અર્થમાં આશીર્વાદ પ્રાપ્ત કરેલી વ્યક્તિ માનું છું જેમણે બોચાસણમાં પરમપૂજ્ય શાસ્ત્રી મહારાજ, પરમપૂજ્ય યોગીજી મહારાજ અને પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સન્મુખ દર્શન કરવાનો દિવ્ય અનુભવ કર્યો હોય. મારા જીવનની સૌથી અવિસ્મરણીય ક્ષણોમાં એક લંડનમાં નીસડન સ્વામિનારાયણ મંદિર ખાતે BAPS શતાબ્દી ઊજવણીઓ દરમિયાન, 26 સપ્ટેમ્બર 2007ના રોજ ઘટી હતી. હું એકત્રિત ભાવિકોને સંબોધી રહ્યો હતો ત્યારે મારું હૃદય તીવ્ર આનંદ અને વિનમ્રતાથી છલકાઈ રહ્યું હતું. દિવ્ય સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે તેમના પ્રવચનમાં લગભગ 20 મિનિટ મારા દાદા મણિભાઈ, મારા પિતા બાબુભાઈ અને મારા કાકા આપાકાકા સાથે તેમના વિશિષ્ટ બંધનના સ્મરણોને સ્થાન આપ્યું હતું. આ પળો હું કદી ભૂલી શકીશ નહિ, એવો આશીર્વાદ જે પેઢીઓ સુધી મારા પરિવારમાં જળવાઈ રહેશે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાનો આરંભ
બોચાસણમાં પરમપૂજ્ય શાસ્ત્રી મહારાજના હસ્તે 5 જૂન 1907ના દિવસે પ્રથમ BAPS સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જેની સાથે BAPS સ્વામિનારાયણ સંસ્થાનો ઔપચારિક આરંભ થયો હતો. પરમપૂજ્ય શાસ્ત્રી મહારાજનો જન્મ આણંદના મહેળાવ ગામે ડુંગર ભગત તરીકે થયો હતો, જેઓ ભગવાન સ્વામિનારાયણ, તેમના ઉપદેશો અને તેમના આધ્યાત્મિક વારસદારોમાં ઊંડી આસ્થા સાથેના ઊંચા અને લાક્ષણિક વ્યક્તિત્વ ધરાવતા હતા. વડતાલ મંદિરમાં સાધુ તરીકે દીક્ષા મેળવ્યા પછી તેમણે વેદ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો હતો. પોતાની પ્રગાઢ સમજણ-જ્ઞાન સાથે તેમણે અક્ષર-પુરુષોત્તમનો આદર્શ વિકસાવ્યો અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ની સ્થાપના કરી. BAPS પરમપૂજ્ય સહજાનંદ સ્વામીની વીરાસતને આગળ ધપાવે છે જેમણે આશરે 1801ની આસપાસ સ્વામિનારાયણ આંદોલનની સ્થાપના કરી હતી.
પવિત્ર અને આદરપાત્ર આધ્યાત્મિક અગ્રણી અને સમાજસુધારક સહજાનંદ સ્વામી પાછળથી ભગવાન સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. નીતિપૂર્ણ જીવન, ઈશ્વર પ્રતિ સમર્પણ અને માનવજાતની સેવાના તેમના ઉપદેશોએ સમગ્ર ગુજરાત અને તેથી પણ આગળ અસંખ્ય લોકોને પ્રેરણા પૂરી પાડી અને તેમનું આંદોલન સાચા અર્થમાં તેમના સમયમાં અનોખું બની રહ્યું .
18મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાત બ્રિટિશ શાસન હેઠળ હતું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય લોકો-સમુદાયોમાં નૈતિક શિસ્ત, સામાજિક સુધારા અને એકતાને આગળ વધારવા માંટે ઘણો જાણીતો બન્યો. ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો વ્યસનો, પ્રાણીઓના બલિદાન અને સામાજિક ભેદભાવનો તીવ્ર વિરોધ કરતા હતા, તેમના પ્રયાસોએ બ્રિટિશ અધિકારીઓનું પણ ધ્યાન ખેંચ્યું હતું.
26 ફેબ્રુઆરી 1830ના દિવસે ભગવાન સ્વામિનારાયણ અને બોમ્બેના ગવર્નર સર જ્હોન માલ્કમ વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. બોમ્બેના ગવર્નર તરીકે સર માલ્કમ હસ્તક ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છની રાજકીય જવાબદારી પણ હતી. ગવર્નર માલ્કમે બ્રિટિશ વહીવટદારોના અહેવાલો મારફત જાહેર વ્યવસ્થા અને નૈતિકતા પર ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોનો રચનાત્મક પ્રભાવ વિશે સાંભળ્યું હતું. રાજકોટસ્થિત પોલિટિકલ એજન્ટ ડેવિડ એન્ડરસન બ્લાને તેમના કાર્યોના ભારે પ્રશંસક હતા અને તેમણે ભગવાન સ્વામિનારાયણને તેમના નિવાસસ્થાને ગવર્નર સાથે મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા. આ ઐતિહાસિક મુલાકાત બની રહી જેમાં પારસ્પરિક આદર અને સદ્ભાવનું પ્રતિબિંબ પડતું હતું.
તબિયત નાદુરસ્ત હોવાં છતાં, ભગવાન સ્વામિનારાયણે શિષ્ટતા દર્શાવી બેઠકમાં ઉપસ્થિત રહેવા સંમતિ આપી. બ્રિટિશ અંકુશ હેઠળના વિસ્તારોમાં તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું અને અમદાવાદમાં મંદિરના નિર્માણ અર્થે જમીન પણ આપવામાં આવી. આ મુલાકાત દરમિયાન ભગવાન સ્વામિનારાયણે સર જ્હોન માલ્કમને ભક્તો માટે નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક મૂલ્યોને રેખાંકિત કરતા 212 શ્લોક સાથેના સંક્ષિપ્ત ગ્રંથ શિક્ષાપત્રીની નકલ ભેટ આપી હતી. શિક્ષાપત્રીની આ જ નકલ આજે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બોડલેઈન લાઈબ્રેરીના હિસ્સારૂપ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ લાઈબ્રેરીમાં કાળજીપૂર્વક સાચવી રખાઈ છે.
લંડનમાં ભવ્યતમ મંદિરનું નિર્માણ
આ નોંધપાત્ર યાત્રાની પ્રેરણાનો આરંભ 1970માં થયો હતો જ્યારે પરમપૂજ્ય યોગીજી મહારાજે લંડનમાં પથ્થરનાં ભવ્ય મંદિરની કલ્પના નિહાળી હતી. એ વર્ષની મુલાકાતમાં તેમણે BAPSની શાખા સ્વામિનારાયણ હિન્દુ મિશનના બેનર હેઠળ 77 એલ્મોર સ્ટ્રીટ, ઈઝલિંગ્ટન ખાતે બ્રિટનમાં પ્રથમ હિન્દુ મંદિરોમાં એકનું ઉદ્ઘાટન કર્યું હતું. મને એ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર અને ખાસ કરીને 1973માં યુગાન્ડામાંથી હકાલપટ્ટી પછી અને કેન્યામાંથી પરિવારોના સ્થળાંતરના કારણોસર ઝડપી વૃદ્ધિ થવાથી ઈઝલિંગ્ટન મંદિર ઘણું નાનું પડવાં લાગ્યું. કોમ્યુનિટી અને સંતોએ નોર્થવેસ્ટ લંડનમા, બ્રેન્ટ બરોની અંદર જ વિશાળ જગ્યાની શોધ શરૂ કરી, જ્યાં બે સંભવિત સ્થળોની ઓળખ કરી લેવાઈ.
જ્યારે મૂવમેન્ટને નિકટતાથી માર્ગદર્શન આપી રહેલા પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે લંડનની મુલાકાત લીધી ત્યારે તેમને યુકેમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મના વ્યાપક ફેલાવાનું ભાવિ દેખાઈ ગયું હતું. મને એ મુલાકાત બરાબર યાદ છે જ્યારે તેમણે અંગત રીતે બ્રેન્ટનું સ્થળ પસંદ કર્યું હતું જે આજે પ્રમુખ સ્વામી માર્ગ તરીકે ઓળખાય છે. તે સમયે આ સ્થળ જુનું વેરહાઉસ કોમ્પ્લેક્સ હતું, પરંતુ 1982-83 સુધીમાં તેનું રૂપાંતર સુંદર મંદિરમાં, આસ્થા, વિઝન અને કોમ્યુનિટી ભાવનાના પ્રતીક સ્વરૂપે થઈ ગયું.
મને એ સમયે મંદિરમાં મોટા ભાગના પ્રસંગોએ ચીમનભાઈ પટેલ, ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સહિત ઘણા મહાનુભાવોને આમંત્રણ અને સન્માન સહિતના ઘણા ઈવેન્ટ્સના આયોજનનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. સમયાંતરે ઘણા અવિસ્મરણીય કાર્યક્રમો યોજાયા અને ટુંક સમયમાં હાલમાં વિશ્વપ્રસિદ્ધ નીસડન ટેમ્પલ માટે જમીન ખરીદી લેવાઈ. પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને અન્ય સંતોના સતત માર્દદર્શન અને રાહબરી હેઠળ બાંધકામ શરૂ કરી દેવાયું. સમુદાય વધતો ગયો તેમ પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથોને અનુસરી સમગ્રપણે પથ્થરના બનેલા પરંપરાગત શિખરબદ્ધ મંદિર રચવાનું સ્વપ્ન પણ વધતું ગયું. પ્રમુખ સ્વામી મહારાજે 1991માં વર્તમાન નીસડન ટેમ્પલ માટે આધારશિલા સ્થાપિત કરી. આ કલ્પનાએ સંપૂર્ણ આકાર લીધો જ્યારે ભારતમાં કુશળ કસબીઓ દ્વારા ઘડાયેલા 26,000થી વધુ બારીક હસ્તકલાથી કોતરાયેલા પથ્થરો જહાજોમાં યુકે મોકલવામાં આવ્યા અને વોલન્ટીઅર્સ દ્વારા પ્રેમ અને સમર્પણ સાથે એસેમ્બલ કરવામાં આવ્યા.
લગભગ 3000 ટન બલ્ગેરિયન લાઈમસ્ટોન 3,900 માઈલ દૂર અને 1200 ટન ઈટાલિયન કરારા આરસને જહાજોમાં 4800 માઈલ દૂર ભારત મોકલી અપાયાં હતાં. આ ઉપરાંત, 900 ટન ભારતીય અંબાજી આરસ સાથે 5000 ટનથી વધુ પથ્થરને સમગ્ર ભારતમાં વિવિધ 14 સ્થળોએ 1500થી વધુ કુશળ કારીગરોએ હાથથી ટંકારીને 26,300 ટુકડામાં ફેરવ્યા હતા. સૌથી મોટો પથ્થર 5.6 ટનનો હતો જ્યારે સૌથી નાનો ટુકડો માત્ર 50 ગ્રામનો હતો. માત્ર અઢી વર્ષ પછી સંપૂર્ણ મંદિર તૈયાર થઈ ગયું.
લંડનના નીસડનમાં ભવ્ય BAPS શિખરબદ્ધ મંદિરનું ઉદ્ઘાટન 15 જુલાઈ 1995ના દિવસે કરવામાં આવ્યું જે યુકેમાં હિન્દુ સમુદાય માટે ઐતિહાસિક સીમાચિહ્ન બની રહ્યું. ભારે ભક્તિભાવ સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો અને આનંદ અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે અનેક દિવસો સુધી ઊજવણીઓ ચાલતી રહી. ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં લોર્ડ આર.કે. બાગરી, એસ.પી. હિન્દુજા, કેશુભાઈ પટેલ, ચંદુભાઈ ડાલીઆ, ભૈરોંસિંહ શેખાવત, સી.એમ. પટેલ, જશભાઈ પટેલ, છબીલદાસ મહેતા, એલ.કે. અડવાણી, ડો. એલ. એમ. સિંઘવી સહિતના વિશિષ્ટ મહેમાનો તેમજ વિશ્વભરમાંથી અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાચા અર્થમાં મહાન પ્રસંગ હતો જે બ્રિટનમાં નવા આધ્યાત્મિક યુગના આરંભ સમાન હતો.


comments powered by Disqus