છેલ્લા કેટલાક સપ્તાહથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ સળગી રહી છે. આમ તો પાકિસ્તાનના આ સરહદી વિસ્તારોમાં તાલિબાન સમર્થિત આતંકવાદીઓ ઘણા વર્ષોથી સક્રિય છે પરંતુ ક્યારેય બંને દેશ વચ્ચે સરહદી અથડામણ સર્જાઇ નહોતી. અચાનક બંને દેશ કેમ સામસામે આવી ગયાં તે એક મહત્વનો સવાલ છે.
ભારતના પહલગામમાં પાકિસ્તાન પ્રયોજિત આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હીએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના મામલે અમેરિકા અને પ્રમુખ ટ્રમ્પે જે વલણ અપનાવ્યું અને જે રીતે પાકિસ્તાનને પોતાની ગોદમાં બેસાડ્યો તે સર્વવિદિત છે. પરંતુ ત્યારબાદ જે રીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામસામે આવી ગયાં તે એક વિચાર માગી લેતો સવાલ છે.
થોડા સમય પહેલાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સમક્ષ માગ મૂકી હતી કે તે બગરામ એરબેઝ અમેરિકાને હવાલે કરી દે. ટ્રમ્પની આ માગણી અને ત્યારબાદ પાકિસ્તાની સેનાધ્યક્ષની ટ્રમ્પ સાથેની મુલાકાતો બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર પહોંચી ગયો. તો શું એમ માની શકાય કે ટ્રમ્પના ઇશારે પાકિસ્તાન તાલિબાન સામે શિંગડા ભેરવી રહ્યો છે?
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ વધી રહ્યો છે ત્યારે હાલ અમેરિકા પાસે ભારતીય ઉપખંડમાં પોતાનું કહી શકાય તેવું એકપણ ઠેકાણું નથી જેના દ્વારા તે રશિયા પર લગામ કસી શકે. બીજીતરફ ભારત સાથેના અમેરિકી સંબંધો તળિયે પહોંચ્યા છે તેવા સમયમાં અમેરિકાને ભારતીય ઉપખંડમાં એક એવા લશ્કરી થાણાની જરૂર છે જ્યાં તેની સેનાની હાજરી બોલી શકે. બગરામ એરબેઝ પોતાના નિયંત્રણમાં લઇ ટ્રમ્પ રશિયાની સાથે સાથે ચીનને પણ દબાણ હેઠળ લાવી શકે છે. આમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના તણાવમાં અમેરિકી દોરીસંચારનો ઇનકાર કરી શકાય તેમ નથી.
