ઉતરકાશી ઃ વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન બદરીનાથ અને કેદારનાથ ધામના કપાટ શિયાળામાં ક્યારે બંધ કરાશે તેની જાહેરાત થઈ ગઈ છે. 25 નવેમ્બર, મંગળવારના રોજ બપોરે બે વાગીને 59 મિનિટે બદરીનાથ ધામના કપાટ બંધ થઈ જશે. મંદિરના કપાટ બંધ થવાની પ્રક્રિયા હેઠળ 21 નવેમ્બરથી પંચ પૂજાનો પ્રારંભ થઈ જશે. જ્યારે દ્વિતીય કેદાર પદ્મમહેશ્વરજીના કપાટ 18 નવેમ્બર તેમજ તૃતીય કેદાર તુંગનાથના કપાટ 6 નવેમ્બરના રોજ બંધ થશે. શિયાળામાં ભીષણ હિમવર્ષા અને શરીરને થિજાવી દેતી ઠંડીને કારણે હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલા ચારેય ધામના કપાટોને દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં શ્રદ્ધાળુઓના દર્શન માટે બંધ કરી દેવાય છે અને તેમને પછી એપ્રિલ-મે મહિનામાં ફરીવાર ખોલવામાં આવે છે. આ વર્ષે કેદારનાથ અને બદરીનાથ ધામમાં 30 લાખ, 22 હજાર 777 કરતા વધારે ભાવિકોએ ભગવાનના દર્શન કર્યા છે.

