બીમાર પક્ષીઓ શરીર પર કીડીઓ નાખી ઉપચાર કરાવે છે

વાત વિજ્ઞાનની...

Saturday 01st November 2025 05:35 EDT
 
 

બીમાર પક્ષીઓ શરીર પર કીડીઓ નાખી ઉપચાર કરાવે છે
જ્યારે કાગડો બીમાર થઈ જાય ત્યારે કીડીઓના રાફડાઓ શોધી તેની મુલાકાત લે છે. તમને આ વાત જરા વિચિત્ર લાગતી હશે, પરંતુ આ કુદરતની રસપ્રદ ઉપચાર વિધિઓમાં એક છે. બીમાર કાગડો પાંખો પસારી કીડીઓનાં રાફડા પર બેસી જાય છે અને કીડીઓ તેની પાંખોમાં ઘૂસી જાય તેની રાહ જોતો બેસી રહે છે. આનું કારણ પણ વિશિષ્ટ છે.
કીડીઓ ફોર્મિક એસિડ છોડે છે જે કુદરતી એન્ટિસેપ્ટિક છે અને પક્ષીની પાંખો કે પીછામાં છુપાયેલાં બેક્ટેરિયા, ફૂગ અને પરોપજીવી જંતુઓને મારી નાખે છે. આ પ્રક્રિયા એન્ટિન્ગ (Anting) તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા માત્ર કાગડાઓમાં નહિ, પરંતુ પક્ષીઓની 200થી વધુ પ્રજાતિઓમાં જોવા મળે છે. પક્ષીઓ કે પ્રાણીઓ માટે કોઈ દવાઓ નથી કે કોઈ ડોક્ટર નથી. આ પક્ષીઓમાં જોવા મળતી સ્વયંભુ વૃત્તિ અને કુદરતની બિલ્ટ-ઈન ફાર્મસી છે. એન્ટિન્ગ એક પ્રકારે સમારકામ કે મેઈન્ટેનન્સ વર્તણૂંક છે
જેમાં પક્ષીઓ કીડીઓને તેમની પાંખોને ત્વચા સાથે ઘસે છે. ગભરાયેલી કીડીઓ બચવા માટે તેમના પેટ પરની કોથળીમાંથી ફોર્મિક એસિડ છોડે છે. બીજી તરફ, પક્ષીને કીડીનું ભોજન કરવું હોય ત્યારે પણ એન્ટિન્ગનો સહારો લે છે. શરીર સાથે કીડીઓને ઘસવાથી તેમાંથી ફોર્મિક એસિડ દૂર થાય છે અને કીડી ખાવાલાયક બને છે.

•••
લકવાગ્રસ્ત ઊંદરો ફરી ચાલવા લાગ્યા
કરોડરજ્જુમાં થયેલી ઈજાના કારણે ઊંદરો લકવાથી પીડાતા હતા, પરંતુ, વિજ્ઞાનની કમાલે તેમને ફરી ચાલતા કર્યા છે. સ્વીડન અને ન્યૂ ઝીલેન્ડના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવાયેલા નાનકડાં સ્પાઈનલ ઈમ્પ્લાન્ટ દ્વારા હળવાં ઈલેક્ટ્રિક તરંગો અપાતાં રહ્યા હતા અને ચાર સપ્તાહના સમયમાં તો ઊંદરો ફરી ફરતાં થઈ ગયા હતા. કોઈ પ્રકારના સોજા નહિ, ચેતાતંત્રીય નુકસાન પણ નહિ. વિજ્ઞાને માત્ર સાજા થવાનું દ્વાર ખોલી આપ્યું છે, જે માનવીને પણ ફરી ચાલવામાં મદદ કરી શકશે? કરોડરજ્જુમાં થયેલી ઈજાઓમાંથી સાજા થવાનું હાલ દુષ્કર છે અને લોકોના જીવન પર તેની અસાધ્ય અસરો જોવાં મળે છે. જોકે, યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડમાં વાઈપાપા ટાઉમાટા રાઉ ખાતે કરાયેલા પ્રયોગો અસરકારક સારવારની નવી આશા જગાવે છે. ‘નેચર કોમ્યુનિકેશન્સ’માં પ્રકાશિત આ નવો અભ્યાસ યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ અને સ્વીડનની ચાલ્મર્સ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી વચ્ચે ભાગીદારીનું પરિણામ છે. કરોડરજ્જુમાં ઈજાના કારણે શરીર અને મગજ વચ્ચે સંકેતોની અવરજવરનો સિલસિલો તૂટી જાય છે અને મોટા ભાગે કામગીરી બંધ પડે છે. યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડમાં વાઈપાપા ટાઉમાટા રાઉ ખાતે સ્કૂલ ઓફ ફાર્મસીના સીનિયર ફેલો અને અભ્યાસના અગ્રેસર સંશોધક ડો. બ્રૂસ હાર્લેન્ડના જણાવ્યા મુજબ શરીરની ત્વચા પર કાપો કે ઈજા થાય તો સમય જતા આપમેળે જ સાજા થઈ જવાય છે પરંતુ, સ્પાઈનલ કોર્ડમાં ઈજા અસરકારક રીજનરેશન કરવા દેતી નથી, પરિણામે આ ઈજામાંથી સાજા થવાનું અશક્ય બની રહે છે.

•••
થાળીમાં 33મું અજાણ્યું પકવાન એટલે માઈક્રોપ્લાસ્ટિક
તમે 32 પકવાન સાથેની થાળી પર જમવા બેઠા હશો પરંતુ, તેમાં રહેલી 33મી વાનગીથી તો અજાણ જ હશો. આ વાનગી એટલે માઈક્રોપ્લાસ્ટિક. સંશોધકોએ સાબિત કર્યું છે કે ટેઈકઆઉટ, ડિલિવરી અને ઘરમાં વધેલાઘટેલા ભોજનને ભરવા માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક ફૂડ કન્ટેઈનરમાંથી તમારાં ભોજનમાં 7 મિલિયન જેટલું માઈક્રોપ્લાસ્ટિક ઉમેરાય છે. સામાન્ય પોલીપ્રોપીલીન કન્ટેઈનર્સ ગરમીના સંપર્કમાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે અને તમારા ભોજનમાં માઈક્રો અને નેનોપ્લાસ્ટિક પાર્ટિકલ્સ ઉમેરાય છે. આ પાર્ટિકલ્સ અદૃશ્ય હોય છે, પરંતુ તમારા રક્તપ્રવાહમાં પ્રવેશે છે, તમારા કોષોમાં ઘૂસણખોરી કરે છે અને હોર્મોન્સની સમતુલા, ઈમ્યુનિટી પ્રતિભાવ અને અંગોની તંદુરસ્તી જેવાં મહત્ત્વના કાર્યો પર અસર કરે છે. અભ્યાસોથી સ્થાપિત થયું છે કે માનવરક્ત, ધાવણનું દૂધ અને પ્લેસેન્ટામાં માઈક્રોપ્લાસ્ટિક્સ મળે છે. વિજ્ઞાનીઓ હવે કાચ, ધાતુ અથવા બાયોગ્રેડેબલ વિકલ્પો જેવા બિનઝેરી પેકેજિંગની હિમાયત કરી રહ્યા છે.


    comments powered by Disqus