મોસ્કોઃ યુક્રેન સામેના યુદ્ધ વચ્ચે રશિયાએ અમર્યાદિત રેન્જ અને મહિનાઓ સુધી હવામાં રહેવાની ક્ષમતા ધરાવતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના જણાવ્યા અનુસાર, આ મિસાઇલે 14 હજાર કિલોમીટરની રેન્જમાં 15 કલાક ઉડાન ભરી હતી. આ સમય દરમિયાન બ્યૂરોવેસ્ટનિક નામની આ અદૃશ્ય મિસાઇલ દુનિયાથી સંપૂર્ણપણે છુપાયેલી રહી.
સંરક્ષણ પ્રણાલીઓ પણ નિષ્ફળ
રવિવારે પુતિને રશિયન-યુક્રેનિયન રણભૂમિની મુલાકાત લીધી અને ફિલ્ડ કમાન્ડરો સાથે મુલાકાત કરી. સૈનિકોને સંબોધતાં પુતિને બ્યૂરોવેસ્ટનિક ક્રુઝ મિસાઇલના સફળ પરીક્ષણ વિશે માહિતી શેર કરી. પુતિને જણાવ્યું કે, આર્મી ચીફ વેલેરી ગેરાસિમોવે અહેવાલ આપ્યો કે 21 ઓક્ટોબરે મિસાઇલે 14 હજાર કિ.મી. અંતર કાપ્યું અને વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલી આ મિસાઇલને શોધવામાં નિષ્ફળ ગઈ.
અમર્યાદિત રેન્જ
પુતિનના મતે વિશ્વના કોઈપણ દેશ પાસે બ્યૂરોવેસ્ટનિક ક્રૂઝ મિસાઇલ જેવું કંઈ નથી, જેની રેન્જ અમર્યાદિત છે. પુતિને જણાવ્યું હતું કે, બ્યૂરોવેસ્ટનિક ક્રૂઝ મિસાઈલ પરમાણુ એન્જિન દ્વારા સંચાલિત શસ્ત્ર છે અને તેની રેન્જ અમર્યાદિત છે. આનો અર્થ એ છે કે, આ મિસાઇલ વિશ્વના કોઈપણ ખૂણામાં પરમાણુ હથિયારો પહોંચાડવામાં સક્ષમ છે. રશિયાનો દાવો છે કે તે લગભગ અનિશ્ચિત સમય માટે ઉડી શકે છે અને ઉડાન દરમિયાન તેનો માર્ગ બદલી શકે છે, જેના કારણે તેને અટકાવવી અત્યંત મુશ્કેલ છે.

