સૌ વાંચકો જાણે છે કે ‘સોનેરી સંગત’ ઝૂમ કાર્યક્રમ દ્વારા ગુજરાત સમાચાર વિવિધ સમાજ, ધર્મ, સાહિત્ય, ઐતિહાસિક અને રાજનીતિજ્ઞ તટસ્થ વાટાઘાટો કરતું આવ્યું છે. આ જ ઘટનાક્રમને અનુસરતાં સોનેરી સંગતનો 57મો અધ્યાય હિન્દી સાહિત્યજગતને સમર્પિત રહ્યો.
કાર્યક્રમનું સંચાલન કરતાં બળવંતભાઈ જાનીએ જણાવ્યું કે, હિન્દી સાહિત્ય જગતમાં લેખિકોની સાથે લેખિકાઓએ પણ સિંહફાળો આપ્યો છે. હિન્દી સાહિત્ય જગતમાં લેખિકા પ્રમીલા વર્મા ખ્યાતનામ છે, જ્યારે કાર્યક્રમમાં જોડાયેલાં અન્ય એક લેખિકા સંતોષ શ્રીવાસ્તવે પણ મધ્યપ્રદેશની સાથે દેશ-દુનિયામાં નામ રોશન કર્યું છે. સામાન્ય રીતે પ્રકાશિત થતા ઉપન્યાસ કાલ્પનિક હોય છે, જ્યારે આ આ લેખિકાઓની ખાસિયત એ છે કે તેમણે ડોક્યુમેન્ટ કલેક્ટ કરીને ઉપન્યાસ લખ્યા છે, જે ખૂબ પ્રખ્યાત થયા છે.
આજનાં ખાસ આમંત્રિત લેખિકા પ્રમીલા વર્મા પીએચ.ડી. ઇન સોશિયોલોજિસ્ટ છે. તેમણે પર્યાવરણ માટે ઘણું કામ કર્યું, જેની સાથે સમાજ સાથે જોડાઈ આત્મકથાની સાથે સમાજના વિષયોને લઈ અનેક વાર્તાઓ લખી. આજે જે ઉપન્યાસની વાત કરીએ છીએ તેમાં યુરોપિયન આર્કિયોલોજિસ્ટ અજન્ટા-ઇલોરા કેવ્સમાં ખાતે કામ કરવા જાય છે. ત્યાં રહેતાં તેમનો એક પરિચય એક વનવાસી બાળા સાથે થાય છે, જેની સાથે એક પવિત્ર સંબંધ તેનો આગળ વધે છે. આ અંગેના ડોક્યુમેન્ટ પ્રમીલાજી દ્વારા કલેક્ટ કરવામાં આવ્યા, જેના આધારે પ્રમીલાજીએ ડોક્યુ નોવેલ પ્રસિદ્ધ કરી. ડોક્યુમેન્ટેશન સાથેની નોવેલમાં સત્ય તો વણાયેલું છે જ, સાથોસાથ તથ્ય અને હૃદયસ્પર્ષી વાતો પણ છે.
પ્રમીલાજી તમે તમારી નોવેલ વિશે તમારા વિચારો જણાવો.
પ્રમીલાજીઃ મારા ઉપન્યાસના બે સંસ્કરણ ‘રોબર્ટ ગિલ ઔર અજન્ટા કી પારો’ અને ‘રોબર્ટ ગિલ કી પારો’ હિન્દીમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં 1824થી 1879ની ઘટનાને વર્ણવવામાં આવી છે. રોબર્ટ ગિલ સેનામાં ભરતી થયા અને ભારત આવ્યા તે દરમિયાનના સમયને આ ઉપન્યાસ દર્શાવે છે. મને અંતઃકરણમાં અસ્પષ્ટ રીતે દેખાતું હતું કે રોબર્ટ અજન્ટાની ગુફાની છાયામાં ઊભો છે, જેને અજન્ટા વિલેજની આદિવાસી છોકરી પોતાના બગીચાનું કાળું ગુલાબ આપી રહી છે. વર્ષો સુધી રોબર્ટ અને પારોની પ્રણયકથા મારો પીછો કરતી રહી. મારે હીર-રાંઝા, શીરી-ફરહાદ જેવી પ્રેમકથા લખવી હતી, જે સમયની ગર્તમાં ક્યાંક દબાયેલી પડી હતી. તેને જાણવાની ઉત્સુકતા એટલી વધી ગઈ કે મેં સરકારી લાઇબ્રેરીમાં તે વખતના ગેઝેટિયરને શોધવા લાગી, જેના દ્વારા મને તે સૈન્ય અધિકારી અંગે માહિતી મળી રહે.
ધૂળથી ભરેલા તે ગેઝેટિયરને હું સાફ કરતી અને રોબર્ટને શોધવા લાગતી. ત્યાંથી જે કંઈ મળ્યું તે ત્યાં બેસીને જ શબ્દોમાં ઉતાર્યું. લંડનની લાઇબ્રેરીથી મળેલા રિસર્ચ પેપર દ્વારા રોબર્ટના જીવનને સમજવામાં સમય લાગ્યો. આમ રોબર્ટને ધીમેધીમે મેં શબ્દોમાં ઢાળ્યો.
ઘણી વખત શબ્દ એકબીજામાં ગૂંચવાઈ જતા અને કથા એકબીજામાં વણાઈ જતી. મારી સામે તારીખ, સમય, સ્થળ બધું હતું, હવે તેને એક રૂપ આપવાનું હતું. ઇતિહાસની કઠોરતા અને શબ્દોની મૃદુતા વચ્ચે હું ઝૂલતી રહી.
ઉપન્યાસ શરૂ ત્યારે થાય છે જ્યારે વર્ષ 1849માં રોબર્ટને એક પત્ર મળે છે, જેના પર ડાયરેક્ટર ઓફ કોર્ટની મહોર લાગી હતી. રોબર્ટને મેજરનું પદ આપવામાં આવે છે, અને તેના વિશેષ અનુરોધ પર તેને અજન્ટામાં બૌદ્ધ ગુફાઓનો ચિત્રમય રેકોર્ડ બનાવવા માટે નિયુક્ત કરવામાં આવે છે. રોબર્ટ 1824માં કેડેટ તરીકે લંડનમાં સેનામાં ભરતી થાય છે, જે બાદ મદ્રાસ નેટિવ ઇન્ફન્ટ્રીમાં નિયુક્તિ થાય છે. રોબર્ટ આ પત્ર મેળવીને કૂદી પડ્યો હતો, કારણ કે તે તેની ચિત્રકારી માટે એક સન્માન હતું. જો કે આ ખુશીના સમયે તે એકલો હતો, પત્ની ફ્લાવર ડ્યૂ વૈચારિક મતભેદના કારણે ઇંગ્લેન્ડ પરત ફરી ચૂકી હતી. આ સમયે ઉપન્યાસ ભૂતકાળમાં વહી જાય છે. પારો જ્યારે રોબર્ટના જીવનમાં આવી તે સમય 1845નો હતો.
હજારો-લાખો અંગ્રેજોથી ભરેલા ભારતમાં રોબર્ટ એટલે મહત્ત્વનો હતો, કારણે કે તેણે પોતાનાં ચિત્રો દ્વારા અજન્ટાની સાતમી સદીમાં બનેલી ગુફાઓથી દુનિયાને પરિચિત કરી. તેણે ભારતનાં અન્ય મંદિરોને પણ પોતાનાં ચિત્રો દ્વારા એક ઓળખ આપી.
આમ તો અજન્ટાની ગુફાઓની શોધ વર્ષ 1819માં જોન સ્મિથ દ્વારા શિકાર દરમિયાન કરાઈ હતી, જેને આકસ્મિક શોધ બનાવી કોઈ મહત્ત્વ ન આપી ફાઇલમાં કેદ કરી દેવાઈ. આ સમયે સ્મિથ ગુફા નંબર 7માં ગયો અને ત્યાં થાંભલા પર પોતાના હન્ટિંગ નાઇફથી હસ્તાક્ષર કર્યા. હું જ્યારે થાંભલા પાસે ઊભી હતી ત્યારે મને લાગ્યું કે મારો ઉપન્યાસ આ ગુફાઓમાં શ્વાસ લઈ રહ્યો હતો.
મેં વિચાર્યું હતું કે, માત્ર પારો અને રોબર્ટ ગિલની પ્રેમકથાને જ હું શબ્દોમાં વણી લઉં, પરંતુ જ્યારે રોબર્ટનું સંપૂર્ણ જીવન મારી સામે આવ્યું તો લાગ્યું કે, તેના જીવનને જ એકસૂત્રમાં પરોવી દઉં. આ ઉપન્યાસ-પુસ્તકનાં બે સંસ્કરણ આવી ચૂક્યાં છે. પુસ્તકનો મરાઠી અનુવાદ પ્રફુલ્લ દેસાઈ દ્વારા કરાયો છે, જ્યારે અંગ્રેજી અનુવાદ પ્રોફેસર ડો. નીલિમા રંજન દ્વારા કરવામાં આવ્યું છે, જે પ્રકાશન માટે પ્રતિક્ષારત્ છે.
હિન્દી સાહિત્યમાં પ્રદાન અંગે સંતોષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારું લેખન મધ્યપ્રદેશ પૂરતું સીમિત નથી, વૈશ્વિક સ્તરે પણ તેની નોંધ લેવાઈ છે. મારા સાહિત્યના પ્રાદેશિક સ્તર પર અનુવાદ પણ થયાં છે, ઉડિયા, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમમાં પણ મારાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. મારું લેખન મહાભારતનાં પાત્રો માધવી અને ગાલવ, જ્યારે વૈદિક સંસ્કૃતિનાં બે પાત્ર ઉર્વશી અને પુરુર્વા જેના પર મારા બે ઉપન્યાસ આવી ચૂક્યા છે.
નાગા સાધુઓ પર ભારે મહેનત કરીને પાંચ વર્ષે મેં ‘નાગા સાધુઓ કી પવિત્ર દુનિયા’ લખ્યું, જે ખૂબ પ્રચલિત રહ્યું અને બેસ્ટ સેલર રહ્યું. આ પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થઈ ચૂક્યો છે.
પ્રમીલાના પારો અને રોબર્ટની પ્રેમકથા પરના ઉપન્યાસ પર ઘણી સમીક્ષા આવી છે, જેને એકત્ર કરીને મેં એક પુસ્તક સંપાદિત કર્યું છે, જે ટૂંક સમયમાં પ્રકાશિત થશે.
પ્રમીલાની લેખનશૈલી એક-એક પડળે સમયનાં રહસ્યોને ઉજાગર કરે છે. જંગલી અને ભયાવહ જાનવર – દુર્ગમ વિસ્તારમાં રોબર્ટ કેમ ગયો તે ‘કેમ?’નો ઉત્તર પ્રમીલાનો આ ઉપન્યાસ છે. ભારતીય કંદરાઓમાં અનેક એવી વાર્તાઓ અને કથાઓ ધરબાયેલી પડી છે. આવી વાર્તાઓ લોકોની સમક્ષ આવવી જરૂરી છે.
જ્યોત્સનાબહેન શાહઃ એક આદિવાસી કન્યા અને એક બ્રિટિશર વચ્ચે ભાષાનું અંતર હોવા છતાં પ્રણય કેમ પાંગર્યો?
પ્રમીલાજીઃ ભારત પ્રત્યે પ્રેમ ધરાવતા રોબર્ટ ગિલ હિન્દી સારી રીતે બોલી શકતો હતો. જ્યારે પારો મરાઠી હતી, પરંતુ તેને પણ હિન્દી ભાષા આવડતી હતી. આમ તેઓ બંને તૂટેલી-ફૂટેલી હિન્દીના માધ્યમથી પ્રેમના તાંતણે બંધાયાં.
બળવંતભાઈ જાનીઃ બંને વચ્ચે કેટલો એજ ડિફરન્સ હતો?
પ્રમીલાજીઃ રોબર્ટ ગિલ અને પારો વચ્ચે અંદાજિત 20થી 25 વર્ષનો એજ ડિફરન્સ હતો.
પારોનું નિધન કેટલા વર્ષની ઉંમરે થયું?
પ્રમીલાજીઃ પારોનું નિધન વર્ષ 1856માં થયું અને ત્યારે તે 40-42 વર્ષની હતી.
શ્રીજિત રાજનઃ પ્રમીલાજી-સંતોષજી તમે આવા કોન્સેપ્ટ પર કામ કરો છો ત્યારે તમને કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો છે?
સંતોષજીઃ જ્યારે આવા ઉપન્યાસ લખાય છે ત્યારે તથ્યોને એકઠાં કરવાં અમારા માટે મોટું કામ હોય છે. જો અમે તથ્યથી ભટક્યાં તો વાંચક અમને પકડી લે છે કે તમે જુઠ્ઠું લખ્યું છે. અમારે તથ્યને સામે લાવવાનું છે, તેમાં કલ્પનાશક્તિ પરોવવી પડે છે અને ત્યારે કથા આગળ વધે છે. આ ખૂબ મહેનતનું કામ છે. પ્રમીલાજીને આ ઉપન્યાસ માટે 8 વર્ષ લાગ્યાં, જ્યારે મને નાગા સાધુ ઉપન્યાસ લખવામાં 7થી 8 વર્ષનો સમય લાગ્યો છે.
કાર્યક્રમનું સમાપન કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, આજે પ્રમીલાજી અને સંતોષજીએ આ સોનેરી સંગતમાં ઐતિહાસિક પ્રેમકથા અને નાગા સાધુના ઉપન્યાસની ઝાંખી દર્શાવી અનેક રંગો વિખેર્યા છે. સંસ્કારયાત્રાને કોઈ સરહદ નથી.