ભારે હોબાળા બાદ ચાન્સેલર રેચલ રીવ્ઝ નોન ડોમ્સ પરના ટેક્સ હળવા કરવા તૈયાર થઇ ગયા છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં રીવ્ઝે સ્વીકાર્યું છે કે લેબર સરકાર નોન ડોમ્સ ટેક્સમાં રાહત આપવા જઇ રહ્યાં છે. 6 એપ્રિલથી યુકેમાં નોન ડોમ્સ સ્ટેટસ ધરાવતા લોકો માટે વિદેશમાં થતી આવક પર ટેક્સ અમલી બન્યા પહેલાં ગયા વર્ષે જ 10,800 મિલિયોનર્સ અન્ય ટેક્સ હેવન દેશોમાં પલાયન કરી ગયાં હતાં. 2022-23ના આંકડા પ્રમાણે યુકેમાં 74,000 લોકોએ નોન ડોમ સ્ટેટસ માટે દાવો કર્યો હતો જેના દ્વારા તેમને ટેક્સમાં 8.9 બિલિયન પાઉન્ડની રાહત મળી હતી. નોન ડોમ સ્ટેટસ નાબૂદીના પગલાંને કારણે નિષ્ણાતોના મતે આગામી કેટલાંક વર્ષમાં એટલે કે વર્ષ 2028 સુધીમાં યુકેમાંથી 5,00,000 મિલિયોનર અન્યત્ર સ્થળાંતર કરી જાય તેવી ભીતિ સેવાઇ રહી છે.
એ વાતમાં કોઇ શંકા નથી કે યુકેનું અર્થતંત્ર ભારે ભીંસ અનુભવી રહ્યું છે. યુકેનું જાહેર દેવુ જીડીપીના 100 ટકાની નજીક પહોંચી ગયું છે. ટ્રમ્પના ટેરિફ વોરના કારણે યુકેની નિકાસો પર પણ ગંભીર અસરો પડવાની સંભાવના છે. જીડીપી વૃદ્ધિદર ધાર્યા પ્રમાણે વધી રહ્યો નથી અને ફુગાવાના મોરચે પણ સરકારને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જાહેર સેવાઓ પાછળ થતો ખર્ચ સરકારી તિજોરી પર દબાણ સર્જી રહ્યો છે ત્યારે સરકાર ટેક્સની આવક વધારવા નિતનવા ઉપાયો કરે તેમાં કોઇ નવાઇ નથી પરંતુ લેબર સરકારે નોન ડોમ્સ પર જે રીતે સકંજો કસ્યો તેના વિપરિત પરિણામો આવી રહ્યાં છે. નોન ડોમ્સ ભલે યુકેમાં તેમની વિદેશી આવક પર ટેક્સ ન ચૂકવતા હોય પરંતુ યુકેમાં તેમના દ્વારા થતા મૂડીરોકાણના લાભ સરકાર અને અર્થતંત્રને મળતા રહે છે.
નોન ડોમ્સ સ્ટેટસ ધરાવતા લોકો સહિતના અમીરોનું યુકેમાંથી પલાયન દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક પૂરવાર થઇ રહ્યું છે. જે મોડે મોડે ચાન્સેલર રેચલ રીવ્ઝને સમજાયું છે. કોઇપણ સરકાર માટે ટેક્સની આવક અત્યંત મહત્વની છે પરંતુ કરદાતાને આકરા બોજ તળે દાટી દેવાની નીતિ પણ યોગ્ય નથી. ખાસ કરીને એવા કરદાતા જેમના નાણા દેશના અર્થતંત્ર માટે લાભકારક પૂરવાર થતા હોય. આ માટે કરવેરામાં સંતુલન અત્યંત મહત્વનું બની જાય છે. મફતની રેવડીઓ પાછળ ખર્ચાતા નાણાનો વ્યય અટકાવીને કરવેરામાં સંતુલન જાળવી શકાય. લેબર સરકારે મફતની રેવડીઓમાં કાપ મૂકવાની પહેલ કરી છે ખરી પરંતુ સરકારી તિજોરી માટે તે હજુ પુરતું નથી.
ઇનહેરિટન્સ ટેક્સ પણ બ્રિટિશ કરદાતાઓને મૂંઝવી રહ્યો છે. તેના કારણે માતાપિતા પોતાના જીવતેજીવ સંતાનોને નાણા ભેટ અથવા હાઉસિંગ ડિપોઝિટ તરીકે આપી રહ્યાં છે જેથી મૃત્યુ બાદ તેમને વારસાઇ પર મસમોટો ટેક્સ ભરવો ન પડે. આમ સરકારને આ મોરચે પણ ફટકો પડવાની સંભાવના છે. આમ ચાન્સેલર રીવ્ઝે આ બંને મહત્વના ટેક્સ પર સકારાત્મક અને રચનાત્મક અભિગમ અપનાવવાની જરૂરીયાત સર્જાઇ છે. દાવોસમાં તેમના અભિગમથી લેબર સરકાર ટેક્સ મામલે હળવું વલણ અપનાવે તેવા સંકેત મળી રહ્યાં છે.