પહલગામ આતંકવાદી હુમલાના પગલે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન યુદ્ધની કગાર પર પહોંચી ગયાં છે. 1947માં બંને દેશ આઝાદ થયા ત્યારબાદ 4 યુદ્ધ લડી ચૂક્યાં છે પરંતુ આજ સુધી કેન્દ્રવર્તી કાશ્મીર વિવાદનું કોકડું ઉકેલી શકાયું નથી. યુદ્ધોમાં ભારતને પહોંચી નહીં વળાય તે સારી રીતે જાણી ગયેલા પાકિસ્તાને 1990ના દાયકામાં કાશ્મીરમાં આતંકવાદ ફેલાવી છદ્મયુદ્ધનો પ્રારંભ કર્યો ત્યારબાદ કાશ્મીર સહિત ભારતમાં સંખ્યાબંધ આતંકવાદી હુમલા થઇ ચૂક્યાં છે. 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યાં સુધી આતંકવાદી હુમલાના મુદ્દે ભારતે ક્યારેય સરહદો પાર કરીને જવાબ આપ્યો નહોતો પરંતુ 2016 અને 2019માં ઉરી અને પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું હતું. 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પણ મોદી સરકાર સરહદપાર બેઠેલા આતંકના આક્કાઓને સારી પેઠે પાઠ ભણાવે તેવો જનઆક્રોશ અત્યારે ભારતમાં પ્રવર્તી રહ્યો છે.
નવી દિલ્હીમાં ચાલી રહેલો ઘટનાક્રમ તો સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે ભારત ગમે ત્યારે કોઇપણ પગલું ભરી શકે છે પરંતુ કૂટનીતિક સમજણ એમ પણ કહી રહી છે કે યુદ્ધ અંતિમ વિકલ્પ હોવો જોઇએ. હાલ તો મોદી સરકારે રાજદ્વારી, સિંધુ જળસંધિ સ્થગિત કરવી, પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક, વેપાર અને ટપાલસેવાઓ પર પ્રતિબંધ સહિતના પગલાં લઇને પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે. સામે પક્ષે પાકિસ્તાન ભારતના કોઇપણ લશ્કરી પગલાંને સંપુર્ણકક્ષાના યુદ્ધમાં તબદિલ કરવાની ગીદડ ધમકીઓ આપી રહ્યો છે.
ભારેલા અગ્નિ મધ્યે ફક્ત જનાક્રોશને સંતોષવા પૂર્ણકક્ષાના યુદ્ધમાં દેશને ધકેલી દેવો પણ લાંબાગાળાના હિતમાં તો નહીં જ ગણાય. ભારતે જિઓપોલિટિક્સ અને જિઓઇકોનોમિક્સના પરિબળો અને તેની અસરો પણ ધ્યાનમાં લેવી જ પડશે. ભારતની કૂટનીતિ અત્યારે પાકિસ્તાનને ગમે ત્યારે હુમલો થાય તેવા ઊંચા શ્વાસે રાખી રહી છે. આ પ્રકારનું દબાણ પણ ઘણીવાર કારગર નીવડતું હોય છે.
પહલગામ આતંકવાદી હુમલાનો સમય પણ ઊંડી વિચારણા માગી લે છે. ટ્રમ્પના ટેરિફ વોર છતાં ભારતીય અર્થતંત્ર સફળતાની દિશામાં આગળ વધી રહ્યું છે જ્યારે ચીનની ગ્લોબલ સપ્લાય ચેઇનો પર કુઠારાઘાત થયો છે. બીજીતરફ બલોચિસ્તાનમાં બલોચ ઉગ્રવાદીઓએ ટ્રેન હાઇજેક કરી પાકિસ્તાની સેનાની જે રીતે બદનામી કરી તેથી પાકિસ્તાની સેનાધ્યક્ષ પર પણ માછલા ધોવાઇ રહ્યાં હતાં. આવી સ્થિતિમાં ભારતને ઉશ્કેરીને યુદ્ધમાં ઘસડી જઇ આર્થિક રીતે પાયમાલ કરવાનો કારસો ઘડાયો હોય તેવું પણ પ્રતીત થઇ રહ્યું છે. એ વાતમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાન સાથેના યુદ્ધને કારણે ભારતે પણ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે અને તેના અર્થતંત્રની ગાડી પાટા પરથી ખડી પડે. ભારતીય ઉપખંડમાં સશક્ત બનેલો ભારત દેશ ફરી એકવાર નબળો બને.
ભારતને પાકિસ્તાન સામે આકરાં લશ્કરી પગલાં લેવા માટે વિશ્વમાંથી પુરતું સમર્થન મળી રહ્યું નથી એ પણ એક હકીકત છે. અમેરિકા સહિતના બધા દેશ ફક્ત આતંકી હુમલાના કાવતરાખોરો સામે પગલાંને સમર્થનની મોઘમ વાતો કરી રહ્યાં છે. બીજીતરફ ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી માંડી લશ્કરી સરંજામ પૂરો પાડવા સહિતના તમામ મોરચે પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમે વ્યૂહાત્મક છતાં નક્કર પગલાં લેવા પડશે જે તેમના માટે એક અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીર પર નિયંત્રણ મેળવવાની વાતો કરવી સરળ છે પરંતુ તેનો અમલ ભલભલા વિચક્ષણ રાજનેતા માટે અઘરો છે. મોદી સરકારના આગામી પગલાં કેવા રહેશે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.