ઉજ્જ્વળ ભવિષ્યનો આધારઃ સંપત્તિ, પરોપકાર અને નૈતિક નેતૃત્વ

મારી નજરે

- સી.બી. પટેલ Wednesday 08th January 2025 08:55 EST
 
 

માનવીની જરૂરિયાતો અને આવશ્યકતાઓમાં સમયાંતરે નોંધપાત્ર ફેરફાર થતો રહ્યો છે. આજે અસ્તિત્વ જાળવી રાખવામાં સંપત્તિ વધુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંપત્તિ આપણને ખોરાક, આશ્રય, આરોગ્યસંભાળ અને શિક્ષણ જેવા આવશ્યક સ્રોતોની સુવિધા પ્રાપ્ત કરાવી શકે છે. આધુનિક સમાજમાં મોટા ભાગે નાણાકીય દરજ્જાને સફળતાને માપવાની ચાવી ગણાવાય છે જેના થકી વ્યક્તિગત તક જ નહિ, સામાજિક સૂઝબૂઝ, સત્તા અને પ્રભાવ પર અસર ઉભી થાય છે.
સમૃદ્ધ સભ્યતાના પાયાનાં મૂળિયાં સંપત્તિમાં રહેલાં છે અને સંપતિના સર્જનની કામગીરી માત્ર મહત્ત્વપૂર્ણ નહિ, આવશ્યક પણ છે. સામાજિક વિકાસ અને વ્યક્તિગત પ્રગતિનું તે સીમાચિહ્ન છે. સંપત્તિની કમાણી યોગ્યપણે કરવામાં આવે ત્યારે તે શક્તિશાળી સાધનનું કાર્ય કરે છે, વ્યક્તિઓને તેમના જીવન સારી રીતે જીવવામાં, પરિવારોને સપોર્ટ કરવામાં, સીમાચિહ્નોની ઊજવણીઓ કરવા અને સૌથી મહત્ત્વપૂર્ણ રીતે અન્યોના કલ્યાણમાં યોગદાન આપવામાં અને સખાવત કરવાને શક્તિમાન બનાવે છે.
જોકે, સંપત્તિને હાંસલ કરવાની પ્રવૃત્તિ નૈતિકતા અને ઉત્તરદાયિત્વની ભાવનાઓના માર્ગદર્શન હેઠળ થવી જોઈએ. આ કાર્ય કે પ્રવૃત્તિ માત્ર વ્યક્તિગત ઘેલછા કે મહેચ્છા બની રહેવી ન જોઈએ પરંતુ, કોમ્યુનિટી પર વિધેયાત્મક અસર ઉપજાવવા માટેની હોવી જોઈએ. સાચી સમૃદ્ધિ તો સંપત્તિનો ઉપયોગ ખુશી, ન્યાય અને સામૂહિક પ્રગતિના વિકાસમાં રહેલી છે જેના થકી સ્વહિતો અને સામાજિક કલ્યાણ વચ્ચે સમતુલા જળવાઈ રહે.
આ ફીલોસોફી કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથમાં આચાર્ય ચાણક્યના માનવસમાજને ઘડતા કે આકાર આપતા તત્વો પર પ્રકાશ પાથરતા ઉપદેશો સાથે સુસંગત છે.
વધતી સફળતા ઘણી વખત અહંકાર અથવા દંભ-પાખંડના કારણે પતનનું જોખમ ધરાવે છે. સ્વનિયંત્રણનું મહત્ત્વ છે પરંતુ, તેની અસરકારકતાનો આધાર સંદર્ભ અને પ્રામાણિકતા પર રહેલો છે જે વ્યક્તિગત, વ્યાવસાયિક અને જાહેર પરિમાણોને સંતુલિત કરનારી રહેવી જોઈએ. અંગત જીવનમાં નૈતિક આચરણ અને આત્મજાગૃતિ, વ્યાવસાયિક કર્તવ્યોમાં ઉત્તરદાયિત્વ, પારદર્શિતા અને વ્યાપક કલ્યાણ માટેની પ્રવૃત્તિ હોવી જોઈએ. ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને તેમજ આ સર્વ પરિમાણોનું એકીકરણ કરીને નેતાઓ વિશ્વાસ અને સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરે છે જેનાથી ટકાઉ શાસનની ચોકસાઈ ઉભી કરે છે.
કોમ્યુનિટી માટે નૈતિક સંપત્તિના
સર્જકોનું વિશેષ મહત્ત્વ
ચાણક્યનું વિવેકયુક્ત જ્ઞાન સંપત્તિ માત્ર વ્યક્તિગત આનંદ કે ઉપભોગ માટે હોતી નથી પરંતુ, અન્યોના કલ્યાણમાં યોગદાન આપવા માટે પણ હોય છે તેનું શાશ્વત સ્મરણ કરાવે છે. નૈતિક સંપત્તિના સર્જકો અને શિસ્તબદ્ધ નેતાઓ સમાજના નિર્માણ માટે આવશ્યક છે જ્યાં તમામના ટકાઉ આનંદ માટે વહીવટ, સમૃદ્ધિ અને સદાચાર – નૈતિક નિયમો એક સાથે કાર્યરત રહે છે.
માનવહૃદયમાં હંમેશાં જરૂરિયાતમંદોને મદદરૂપ બની રહેવાનો એક નાજૂક ખૂણો હોય છે અને આ કરૂણાને એક્શનમાં લાવવામાં નાણા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ગયા વર્ષે પરોપકારની માત્રા 550 બિલિયન ડોલરના આંકડાને પાર કરી ગઈ હતી. જોકે, આ આંકડામાં રાજકીય લાભ કે પ્રભાવ માટે કરાયેલા યોગદાનનો સમાવેશ થતો નથી, જેમ ટેક જાયન્ટ ઈલોન મસ્કના કિસ્સામાં જોવા મળ્યું છે જેમણે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ઈલેક્શન કેમ્પેઈનમાં આશરે 274 મિલિયન ડોલર ખર્ચી નાંખ્યા હોવાનું કહેવાય છે. આ કોઈ સખાવત નથી પરંતુ, ઈન્વેસ્ટમેન્ટ છે જેનાથી તેમણે અનેકગણું પરત મેળવ્યું છે કારણકે તેમની ત્રણ કંપનીઓ મારફત સંપત્તિમાં 400 બિલિયન ડોલરથી વધુ ઉછાળો હાંસલ કર્યો છે. રસપ્રદ બાબત એ કહી શકાય કે મસ્કે ટ્વીટર (હવે X.com) હસ્તગત કરી ત્યારે તેના ટીકાકાર રહેલા લોકો પણ હવે તેની
સાથે જોડાવા ઉત્સુક છે જે બજારમાં તેના પ્રભાવનું પ્રતિબિંબ દર્શાવે છે.
પરોપકાર કે સખાવત સાચી કરૂણા અને તફાવત સર્જવાની ઈચ્છાથી જ થવાં જોઈએ, અંગત નાણાકીય લાભ માટે નહિ. સાચી સખાવત કે દાન-દયાવૃત્તિ પવિત્ર, નિઃસ્વાર્થ અને બદલામાં કોઈ આશા કે અપેક્ષા વિનાની હોવી જોઈએ.
કોમ્યુનિટી સપોર્ટનું મહત્ત્વ
યુકેમાં સામુદાયિક સહાયનું મહત્ત્વ મીડિયા સુધી પણ વિસ્તરે છે. ગણનાપાત્ર કોર્પસ ફંડ્સ ધરાવતા એક મીડિયા હાઉસને દર વર્ષે વાચકો અને દાતા શુભેચ્છકો દ્વારા લાખોની રકમ દાનમાં  પ્રાપ્ત થાય છે જે લોકશાહી સમાજમાં સ્વતંત્ર પત્રકારત્વની જરૂરિયાત પર ભાર મૂકે છે.
શિવ નાદર, અઝીમ પ્રેમજી, રતન તાતા, મુકેશ અંબાણી, બજાજ પરિવાર, કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણી, નંદન નીલેકાની, ક્રિષ્ણા ચિવુકુલા, અનિલ અગ્રવાલ સહિત અન્ય ભારતીય પરોપકારીઓએ રાષ્ટ્રના વિકાસ અને સામુદાયિક કલ્યાણ માટે ગણનાપાત્ર યોગદાનો આપ્યા છે. તેમના પ્રયાસોએ લોકોના જીવનમાં પરિવર્તનો સર્જ્યા છે તેમજ શિક્ષણ, આરોગ્યસંભાળ અને ગ્રામીણ વિકાસ જેવાં ચાવીરૂપ સેક્ટર્સને સપોર્ટ કરેલો છે. આ બધી સંસ્થાઓ અને વ્યક્તિઓએ જીવનો સુધાર્યા છે તેમજ વિધેયાત્મક પરિવર્તનોને ગતિ આપી છે. તેઓએ બહેતર આવતી કાલના નિર્માણમાં મદદ કરવાની સાથોસાથ ભાવિ પેઢીઓ માટે શક્તિશાળી ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. જોકે, પરોપકાર-ફિલાન્થ્રોપીની પણ આગવી સમસ્યાઓ અને પડકારો છે. ભારત અને યુકેમાં પણ કેટલાક બિલિયોનેર્સ પોતાની ઉદારતાની બડાશો મારે છે પરંતુ, તેમની અધધધ.. ગણાય તેવી સંપતિની સરખામણીએ તેમના યોગદાનો મોટા ભાગે તો માત્ર ટોકન અથવા નહિવત્ હોય છે!
યુકેમાં ભારતીય કોમ્યુનિટી પરોપકારી પહેલોમાં અગ્રેસર રહેલી છે. તેમની સક્રિય હિસ્સેદારી કે સહયોગ માત્ર સખાવતી ઉદ્દેશોથી પણ આગળ વિસ્તરેલાં છે. તેમણે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં પણ ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. આ ઉપરાંત, તેમના આર્થિક યોગદાનોએ યુકેના વિકાસમાં સિંહફાળો આપ્યો છે જે, કોમ્યુનિટીનાં તેમની વિરાસત અને તેણે દત્તક લીધું છે તેવા વતન પ્રત્યે સમર્પણને પ્રદર્શિત કરે છે. અમારા કર્મ યોગ ફાઉન્ડેશન થકી યુકે અને ભારતમાં પણ સામાજિક અને કલ્યાણના વિવિધ ઉદ્દેશ્યોને સપોર્ટ કરવામાં અને યોગદાનો આપવામાં હું અને ABPL નાનકડી ભૂમિકા ભજવવામાં નસીબવંતા રહ્યા છીએ. આ પ્રયાસો દ્વારા ટકાઉ પરિવર્તન અને જીંદગીઓને સુધારવા તરફ કાર્ય કરતા રહીને અમે જેની સેવા કરીએ છીએ તે કોમ્યુનિટીઓ પર રચનાત્મક અસરનું ધ્યેય રાખ્યું છે.
બ્રિટિશ જર્નાલિસ્ટ અને નવી દિલ્હીમાં બીબીસીના પૂર્વ બ્યૂરો ચીફ સર વિલિયમ માર્ક ટુલી KBE એ તેમના પુસ્તક ‘નો ફૂલ સ્ટોપ્સ ઈન ઈન્ડિયા’માં ગ્રામીણ ભારતમાં સામુદાયિક સપોર્ટની ઊંડા મૂળ ધરાવતી પરંપરાઓ પર પ્રકાશ પાથર્યો છે. તેમનું નિરીક્ષણ અવું છે કે આ ગાઢપણે સંકળાયેલી કોમ્યુનિટીઓમાં જ્યારે કોઈને મુશ્કેલી આવે કે ભૂખની સમસ્યા જણાય ત્યારે પાડોશીઓ અને સમુદાયના સભ્યો તેમની વહારે ધાય છે, કોઈ પણ ખચકાટ વિના અનાજ કે નાણાકીય મદદ મદદ પૂરી પાડે છે. મૌન રહીને પોતાની પાસે જે હોય, ભલે તે અનાજ, નાણા કે અન્ય કોઈ સ્રોતો હોય, તેને વહેંચવાની આ પરંપરા ભારતીય સંસ્કૃતિમાં ઊંડે સુધી ધરબાયેલી છે. સમગ્ર વિશ્વમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ આ પારંપરિક વારસાને આગળ વધારતા રહે છે. આનાથી સાબિત થાય છે કે ઉદારતાની સાથે નિખાલસતા અને ધ્યેયના ગુણો ભળે ત્યારે સ્વાભાવિક રીતે જ તેમાં ટકાઉ પરિવર્તનો સર્જવાની શક્તિનું દર્શન થાય છે! (ક્રમશઃ)

આચાર્ય ચાણક્ય કહે છેઃ
सुखस्य मूलं धर्म:। धर्मस्य मूलं अर्थ:।
अर्थस्य मूलं राज्यं। राज्स्य मूलं इन्द्रियजय: ।।

(सुख का मूल है, धर्म। धर्म का मूल है,
अर्थ। अर्थ का मूल है, राज्य। राज्य का मूल है,
इन्द्रियों पर विजय)

सुखस्य मूलं धर्म:
અર્થાત, સુખ, આનંદ, ખુશીનું મૂળ ધર્મ (ન્યાયપરાયણતા)માં રહેલું છે.
धर्मस्य मूलं अर्थ:
અર્થાત, ધર્મ (ન્યાયપરાયણતા)નું મૂળ અર્થ
(સંપત્તિ)માં રહેલું છે.
अर्थस्य मूलं राज्यं:
અર્થાત, સંપત્તિનું મૂળ રાજ્ય (સુશાસન, વહીવટ) છે. સુશાસિત સમાજ વિશ્વાસ, સલામતી અને તકને વિકસાવી સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે.
राज्स्य मूलं इन्द्रियजय:
અર્થાત, સુશાસનનું મૂળ ઈન્દ્રિયજય (સ્વનિયંત્રણ અથવા ઈન્દ્રિયો પર વિજય) છે. સ્વનિયંત્રણ પ્રામાણિકતાને વિકસાવે છે, જે શાસન માટે મહત્ત્વનો ગુણ છે જેનાથી વિશ્વાસની પ્રેરણા પ્રાપ્ત થાય છે અને અસરકારક વહીવટ તરફ દોરી જાય છે.


comments powered by Disqus