ડોનાલ્ડ ટ્રમ્પ 2.0ના પડઘમ અને ભારત સાથેના સંબંધો

Wednesday 08th January 2025 05:09 EST
 

અમેરિકામાં તખ્તાપલટનો મંચ તૈયાર થઇ ગયો છે. પ્રચંડ બહુમતી સાથે ચૂંટાઇ આવેલા રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં અમેરિકામાં સત્તાનું સુકાન સંભાળવા જઇ રહ્યાં છે ત્યારે નવી દિલ્હી ટ્રમ્પના નેતૃત્વ હેઠળના અમેરિકા સાથેના સંબંધો કેવા રહેશે તેની સમીક્ષામાં ગળાડૂબ બની છે. ટેરિફના મામલે ડોનાલ્ડ ટ્રમ્પે અપનાવેલા આકરા વલણના કારણે બંને દેશ વચ્ચેના વેપાર અને અન્ય વ્યૂહાત્મક સંબંધો પર કેવી અસરો પડશે તે તો સમય જ બતાવશે.
2017થી 2021ના ટ્રમ્પના અને ત્યારબાદ 2021થી 2025ના જો બાઇડેનના શાસનકાળમાં ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બન્યાં છે. અમેરિકાની ઉત્પાદન ક્ષમતા વધારવા, ચીનના વિસ્તારવાદનો સામનો કરવાની વાત હોય કે વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં અમેરિકાનું સ્થાન મજબૂત કરવાનો મામલો હોય ટ્રમ્પ અને બાઇડેનની ભારત પ્રત્યેની નીતિઓ એકસમાન રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઘરેલુ રાજનીતિમાં મજબૂત બની રહેવા માટે ભારત પર વધુ ટેરિફ લાદવા કે એચ-વન બી વિઝાની નીતિઓમાં બદલાવ લાવવાના ઢોલ ભલે પીટી રહ્યાં હોય પરંતુ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ટ્રમ્પને ભારતની અવગણના કરવી પોષાય તેમ નથી. અમેરિકામાં ગેરકાયદેસર માઇગ્રેશન બેફામ બની રહ્યું હોવાથી ઇમિગ્રેશન મામલે ટ્રમ્પ સરકાર આકરી નીતિઓ અપનાવશે તેમાં કોઇ શંકા નથી પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ અને સ્કીલ્ડ વર્કર્સ વિના અમેરિકી યુનિવર્સિટીઓ અને અમેરિકી કંપનીઓને જરાપણ ચાલે તેમ નથી. તેથી ટ્રમ્પ ઇચ્છશે તો પણ કાયદેસર ઇમિગ્રેશન પર તરાપ મારવાની હિંમત કે સાહસ દર્શાવશે નહીં. વેપાર મામલામાં ટ્રમ્પ ભારત અને ચીન સહિતના દેશોને વધુ ટેરિફની ધમકીઓ આપીને દબડાવવાનો પ્રયાસ જરૂર કરી રહ્યાં છે પરંતુ આ પ્રકારની નાક દબાવીને મોં ખોલાવવાની અમેરિકી નીતિ પ્રારંભથી જ ચાલી આવી છે તેથી જ્યાં સુધી ટ્રમ્પ નક્કર પગલાંની જાહેરાતો ન કરે ત્યાં સુધી ભારતે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. અમેરિકી કંપનીઓને ભારતના વિશાળ બજારની આજે અને ભવિષ્યમાં પણ જરૂર છે. તેથી ભારતની નહીંવત નિકાસને ફટકો મારીને ભારતમાં અમેરિકી આયાતોને નુકસાન કરવાનું જોખમ ટ્રમ્પ લેશે નહીં. ટ્રમ્પ સત્તાના સૂત્રો સંભાળે અને નિતિવિષયક જાહેરાતો કરે ત્યારબાદ જ ભારતની પ્રતિક્રિયાઓ મહત્વની બની રહેશે.


comments powered by Disqus