ભારત સાથે સારા સંબંધોનો દેખાડો કરી રહેલો ચીની ડ્રેગન હંમેશા ભારતને નુકસાનકારક નીતિઓ અપનાવતો રહ્યો છે. ચીન હંમેશા ભારત તેના દાબમાં રહે તે પ્રકારના પ્રયાસો કરતો રહ્યો છે. ભારતને દબડાવવા માટે તેના પાડોશી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ પોતાની કાખમાં લેવાના પ્રયાસો તે હંમેશા કરતો રહ્યો છે.
હવે તેણે ભારત વિરુદ્ધ નવું શસ્ત્ર ઉગામ્યું છે. ઉત્તરપૂર્વ ભારતની જીવાદોરી સમાન બ્રહ્મપુત્રા નદી પર પોતાના કબજા હેઠળના તિબેટમાં વિશ્વનો સૌથી મોટો બંધ નિર્માણ કરીને ચીન ભારતમાં પાણી સંકટ સર્જવાનો તખ્તો તૈયાર કરી ચૂક્યો છે. આ બંધ દ્વારા ચીન ઉત્તરપૂર્વ ભારતના 7 રાજ્યોમાં ઇચ્છે ત્યારે પાણીની અછત સર્જી શકશે અથવા તો પૂરનું સંકટ પણ લાવી શકે છે.
ચીન એકરીતે ભારત સાથે હાઇડ્રો પોલિટિક્સ રમી રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે બંધનકર્તા થાય તેવી પાણીની વહેંચણીની કોઇ સંધિ થયેલી નથી તેનો ગેરલાભ ચીન ઉઠાવી રહ્યો છે. ભારતમાં ઘણી નદીઓ તિબેટ અને નેપાળમાં થઇને ભારતમાં આવતી હોવાથી ચીન પોતાની સુપ્રીમસી સ્થાપિત કરીને બેઠો છે. તે એમ સમજે છે કે હિમાલયન રેન્જમાં બંધોનું નિર્માણ કરીને ચીન ભારતને સતત દબાણ હેઠળ રાખવાનો કારસો કરી રહ્યો છે.
ચીન આ પ્રકારની નીતિ તેના અન્ય પાડોશી દેશો સામે પણ અજમાવી રહ્યો છે. મેકોંગ રીવર પર 11 જેટલા મહાકાય બંધનું નિર્માણ કરીને ચીન મ્યાનમાર, લાઓસ, થાઇલેન્ડ, કમ્બોડિયા અને વિયેટનામમાં મેકોંગ નદીમાં જળ સ્તરને પોતાની ઇચ્છા પ્રમાણે નિયંત્રિત કરી શકે છે. હવે તે આજ નીતિ ભારત સામે પણ અપનાવી રહ્યો છે. બ્રહ્મપુત્રા પર ચીનનો પ્રસ્તાવિત બંધ ઉત્તરપૂર્વીય ભારતના રાજ્યોમાં જળસંકટની સાથે સાથે આર્થિક સંકટ પણ લાવી શકે છે. બ્રહ્મપુત્રામાં પાણી નિયંત્રિત કરીને તે આ વિસ્તારમાં ઇચ્છે ત્યારે દુષ્કાળની સ્થિતિ સર્જી શકશે. બ્રહ્મપુત્રા પર ભારતમાં આવેલા હાઇડ્રોલિક બંધોનું કામકાજ ઠપ કરી શકે છે. આમ ચીનનો પ્રસ્તાવિત બંધ ભારત માટે ખતરાની ઘંટડી છે. ભારત સરકારે તેની સામે વ્યૂહાત્મક અભિગમ અપનાવવો પડશે.
