હાલ વતનમાં વડોદરા નગરીમાં લંડનની કડકડતી ઠંડીથી દૂર ગુજરાત- ભારતના શિયાળાના ખુશનુમા મોસમની મજા લઇ રહી છું. વતનની માટીની ખુશબુ તન-મનમાં તાજગી ભરી દે છે. નિવૃત્તિમાં પ્રવૃત્તશીલતા એ માનવ સ્વભાવની અસલિયત છે. અત્રેની હાલની ઋતુનો દબદબો માણવા યુ.કે., યુ.એસ.એ., ઓસ્ટ્રેલીયા આદી દેશોમાં વસતા મારા જેવા અસંખ્ય દેશીઓ સ્વદેશની મુલાકાતે આવે છે. પોતાના સગાં-સંબંધી, સ્નેહીઓનો અને મિત્રોનો મેળાવડો જામતો હોય છે. ખાસ કરીને ડિસેમ્બરમાં ક્રિસમસની રજાઓનો સદુપયોગ અને પ્રવાસનો શોખ પોષવા માટેનો આ શ્રેષ્ઠ સમય!
જીવન એક સંગીત છે. ખળખળ વહેતી નદીને મેં પૂછ્યછયુંઃ ‘તું વહ્યે જાય છે સાથે-સાાથે સુમધુર સંગીત કેમ રેલાવતી જાય છે?
નદીએ કહ્યું, વહેવામાં મજા છે. એક જગ્યાએ રહેવામાં સજા
છે. મજાથી મારું જીવન ભરાઇ ગયું છે જગતને પણ હું એ જ આપતી જાઉં છું.
મને થયું કે, હું પણ અમારા વાચકમિત્રો સાથે મારા અનુભવો વહેંચું.
ડિસેમ્બર’૨૪ની વિદાય યાદોંની બારાત સહ થઇ. દરમિયાનમાં બે મિત્રોના ૭૫મા જન્મદિનની ઉજવણીમાં ભાગ લેવાનો અવસર મળ્યો. જે આપણા “ગુજરાત સમાચાર’’ અને ‘’એશિયન વોઇસ’’ના નિકટજનો કહી શકાય.
સરોજબહેન દિનેશ ભાવસાર અને કૌશીકભાઇ દેસાઇની બર્થડે પાર્ટીઓ માણી.
એ સિવાય સામાજિક પ્રસંગો તો ખરાં જ !
સરોજબહેન ભાવસાર:
૭૫મી વર્ષગાંઠની શુભકામનાઓ
સંસ્કારનગરી વડોદરાના સંસ્કાર વ્યક્તિને એના તરફ ખેંચી લાવે છે એ ન્યાયે સરોજબહેન ભાવસારના પતિ દિનેશભાઇનું આ ગામ. સરોજબહેનના ભાઇઓ દીપકભાઇ અને જયેશભાઇ રહે છે મુંબઇમાં પણ બહેનની ૭૫મી વર્ષગાંઠ વડોદરામાં સગાં-સંબંધીઓની હાજરીમાં ઉજવવાનું નક્કી કર્યું. ૨૫ ડિસેમ્બરનો દિવસ પસંદ કર્યો જેથી ક્રિસમસનો ઉત્સવ એમાં ઉમેરાયો અને સેલીબ્રેશન બેવડાય! સુમધુર સંગીત, ડાન્સ અને હાસ્યથી ભરપૂર કાર્યક્રમમાં ૭૫ વર્ષના જીવનના સંભારણાંએ યુવાની બક્ષી.
સરોજબહેનના ભાઇએ પોતાની વ્હાલી બહેન દાહોદ-ગોધરામાં ૩ નવેમ્બર’૪૯માં જન્મી એ વખતની ખુશીને વાગોળી. પિતા શ્રી શાંતિલાલ અને માતુશ્રી કંચનબહેન ભાવસારના ઘરે બે ભાઇ અને એક બહેન ભારતીની આ નાની બહેન સૌની લાડકી. સરોજબહેને મુંબઇ યુનિવર્સિટીમાંથી ઇકોનોમીક્સમાં બી.એ.ની ડીગ્રી લીધી. ૧૯૭૩માં લગ્ન કર્યા અને ઓક્ટોબર ૧૯૭૩માં પતિ સાથે લંડન આવ્યાં. દીકરો વિરલ અને દીકરી અંજલિના માતાપિતા બન્યાં. દીકરો આર્કીટેક અને દિકરી સોલીસીટર બની. બન્નેના લગ્ન થઇ ગયા અને ચાર ગ્રાન્ડ ચિલ્ડ્રનના દાદી બન્યાં. શરુમાં આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ અને પછી જી.પી. સર્જરીમાં ફરજ બજાવ્યા બાદ ૨૦૧૭માં નિવૃત્ત થયાં.
સામાજિક કાર્ય અને માતૃભાષાનું શિક્ષણ, સંગીત, નૃત્ય વગેરે એમના શોખ. સમાજનું ઋણ અદા કરવાની રૂએ ગુજરાતી શિક્ષક તરીકે સંગમ અને કોલીન્ડલની સ્થાનિક સ્કુલમાં શિક્ષણ કાર્ય કર્યું. એઇલ્સબરીના સીનીયર સીટીઝન્સ ડે કેર સેન્ટરમાં તેમજ એમરશામ સીનીયર સીટીઝન્સ ગૃપ તથા નવનાત વડિલ મંડળમાં સક્રિય બની સેવા સાદર કરી રહ્યાં છે તથા પોતાના નિવૃત્ત જીવનની મોજ માણી રહ્યાં છે; અન્યોને મોજ કરાવી રહ્યાં છે. તેઓ ૩૨ કરતા વધુ વર્ષોથી ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના વાચક અને ચાહક છે. ઇશ્વર એમને લાંબું અને તંદુરસ્તીભર્યું આયુષ્ય બક્ષે એવી પ્રાર્થના.
કૌશિકભાઇ દેસાઇ: ૭૫મા જન્મદિન નિમિત્તે દીર્ઘાયુ અને તંદુરસ્તીભર્યા જીવનની શુભકામના
આપણા ABPL ગૃપના ટેક્સ એડવાઇઝર અને ઓડીટર
શ્રી કૌશિક દેસાઇ ‘કીમ દેસાઇ’ના હુલામણા નામથી જાણીતા છે. એમની વરસગાંઠની ઉજવણીમાં દેશ-વિદેશથી પધારેલ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. એમના ઉમદા વ્યક્તિત્વ અને સૌને મદદ કરવાની ઉદાત્ત ભાવના તેમજ સલાહકાર ઉપરાંત એક સદ્ગૃહસ્થ તરીકેની ઇમેજ આ પ્રસંગે નિખરી હતી. સૌના મુખે એમના ગુણોની પ્રશંસા સાંભળવા મળી.
એમના જીવનની સફળ સફરના સંભારણાં તાજા કરવાનો અવસર સદભાગ્યે મને મળ્યો. એમના જ શબ્દોમાં એમની ઓળખ જરા હટકે આપું તો, ‘હું દીપિકાનો પતિ.’ કેટલી સાલસતા, સરળતા અને સત્યપ્રિયતા!
એમના ભર્યા ભાદર્યા પરિવાર પર શ્રીનાથજીની કૃપા તો છે જ, સાથેસાથે ગૃહલક્ષ્મીની કૃપા પણ અપરંપાર. એમનાં સહચારિણી દીપિકાબહેન સ્વભાવે હસમુખા, મળતાવડા અને પતિ સાથે ખભેખભા મિલાવી કુટુંબની જતન કરી સૌને એક સૂત્રે સાંકળવામાં સહાયરૂપ છે. તેઓ પણ એકાઉન્ટન્ટ બની અર્ધાંગિનીની ફરજ સંપૂર્ણપણે બજાવી રહ્યાં છે. પુષ્ટિ સંપ્રદાયમાં પણ તેમનું અનેરું અનુદાન છે.
કૌશિકભાઇનો જન્મ વડોદરામાં ૩ જાન્યુઆરી ૧૯૫૦માં સવિતાબાની કૂખે અને જયંતિલાલ દેસાઇના કૂળમાં થયો હતો. એમને એક ભાઇ સુનિલ જે કેનેડામાં એડમન્ટન ખાતે રહે છે.
માતા અને પિતા બન્ને શિક્ષક એટલે સંસ્કાર સિંચન, શિક્ષણ કે શિસ્તમાં તો જોવાનું જ નહિ! ૧૯૫૪માં એમનું કુટુંબ કેન્યા (ઇસ્ટ આફ્રિકા)ના નકુરૂ શહેરમાં જઇ વસ્યું. ૧૯૫૮માં તેઓ નકૂરૂથી કિસુમુ શહેરમાં જઇ વસ્યા. જ્યાં કૌશિકભાઇએ GCSE કર્યું અને વધુ અભ્યાસાર્થૈ ૧૯૬૧માં લંડન આવ્યા. ૧૯૭૧માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા. ૧૯૭૭માં દીપિકાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં અને સંસાર રથ સડસડાટ ચાલ્યો. તેમના બેદિકરાઓ મેહુલ અને નીલ. મેહુલના લગ્ન આરતી સાથે અને નીલના લગ્ન શીના સાથે થયાં. ચાર પૌત્ર-પૌત્રીઓ (અનુષ્કા, પ્રીશા, રાયન અને સિએના)ના દાદા-દાદી બન્યાં.
એક સુખી સંપન્ન પરિવાર એ કૌશિકભાઇ અને દીપિકાબહેનની અણમોલ મૂડી છે. એમની ૭૫મી વરસગાંઠે ABPLપરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને પ્રભુ પ્રાર્થના કે તેઓને લાંબું તેમજ સ્વસ્થ જીવન બક્ષે. ઉમર તો એક આંક છે. જીવનની એક એક ક્ષણ ભરપૂર રીતે માણવી એમાં જ એની સાર્થકતા.

