બાંગ્લાદેશના કાર્યકારી વડા મોહમંદ યુનુસ હિન્દુઓ પર અત્યાચારે અટકાવી ન શકવાની નિષ્ફળતા છુપાવવા યુદ્ધનો રાગ આલાપતાં કહ્યું કે, લશ્કરે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ અને તે તૈયાર જ રહે.
• શેખ હસીના માટે બાંગ્લાદેશનું બીજું ધરપકડ વોરંટઃ બાંગ્લાદેશે સોમવારે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના માટે બીજું ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું. જસ્ટિસ મોહમ્મદ ગોલામ મર્તુજા મજુમદારની ટ્રિબ્યૂનલે અન્ય 10 સામે પણ વોરંટ ઇશ્યૂ કર્યું છે.
• ઇરાની મિસાઇલ ઉત્પાદન પ્લાન્ટનો કર્યો નાશઃ ઇઝરાયલ વાયુસેનાના સ્પેશિયલ ફોર્સના 120 કમાન્ડરોએ સપ્ટેમ્બરમાં સીરિયામાં ભૂગર્ભમાં ઇરાની મિસાઇલ ઉત્પાદન પ્લાન્ટ પર સ્ટ્રાઇક કરીને નાશ કર્યો હતો. જેનો વીડિયો જાહેર કર્યો છે.
• સદારામ જન્મજયંતીએ 84 ભારતીય પાકિસ્તાન પહોંચ્યાઃ સતગુરુ સંત સદારામ સાહિબની 316મી જન્મજયંતી ઊજવવા રવિવારે વાઘા સરહદના માર્ગે ભારતથી 84 હિન્દુ તીર્થયાત્રી પાકિસ્તાન પહોંચ્યા છે.
• મને દેશ છોડવાની તક અપાઈ હતીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાને દાવો કર્યો છે કે તેમને 3 વર્ષનો દેશનિકાલ પર દેશ છોડવાની તક અપાઈ હતી, પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો. હું પાકમાં જ જીવીશ અને અહીં જ મરીશ.
• ગાઝામાં ઇઝરાયલનો કાળો કેરઃ ઇઝરાયલ અને હમાસ તેમજ હિઝબુલ્લા વચ્ચેનું યુદ્ધ શાંતિ અને યુદ્ધવિરામની વાતો વચ્ચે ઇઝરાયલ દ્વારા 3 દિવસમાં ગાઝા પર 94 ભીષણ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે જેમાં 184થી વધુ લોકોનાં મોત થયા છે.
• 21મી સદીના સૌથી ભયાનક યુદ્ધમાં 217 પત્રકારોનાં મોતઃ તેલ અવીવમાં પત્રકારોની હત્યા વિરુદ્ધ પ્રદર્શન કરાયું હતું. ગાઝામાં યુદ્ધને 15 મહિના કરતાં વધુ સમય થયો છે ત્યારે 45 હજાર લોકોનાં મોત થયાં છે, જ્યારે 1,08,000 લોકો ઘાયલ થયા છે. આ યુદ્ધનું રિપોર્ટિંગ કરી રહેલા 217 પત્રકારોનાં મોત થયાં છે.
• ઇરાનથી 10 હજાર પાકિસ્તાનીઓની હકાલપટ્ટીઃ ઇરાને તાજેતરમાં 10,000થી વધુ પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરી છે. ઇરાનથી હાંકી કઢાયેલા પાકિસ્તાની નાગરિકોના પાસપોર્ટ પણ બ્લોક કરી દેવાયા છે. ઇરાનમાં ગેરકાયદે પ્રવેશીને યૂરોપ ભાગી છૂટવાની યોજના ઘડવાસર તેમની ધરપકડ કરવામાં આવી હતી.
• સ્વિટ્ઝર્લેન્ડમાં બુરખા પર પ્રતિબંધઃ સ્વિટ્ઝર્લેન્ડમાં 1 જાન્યુઆરીથી મહિલાઓને જાહેરમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જાહેર સ્થળોએ કોઈપણ માધ્યમથી મહિલાઓના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકવા સામે રૂ. 96 હજારનો દંડ ફટકારાશે.
• યુક્રેને પાઇપલાઇન બંધ કરતાં યૂરોપને રશિયાનો ગેસ નહીં મળેઃ યુક્રેને યૂરોપમાં અપાતો રશિયન ગેસનો પુરવઠો બંધ કરી દીધો. 1 જાન્યુઆરીએ યુક્રેન- રશિયાનો ટ્રાન્ઝિટ કોન્ટ્રાક્ટ ઝેલેન્સ્કીએ રિન્યુ કરવા ઇનકાર કરતાં વ્યવસ્થાનો અંત આવ્યો છે.
• મોસ્કોમાં અસદને ઝેર આપીને મારી નાખવા પ્રયાસઃ સીરિયાથી ફરાર બશર અલ-અસદને મોસ્કોમાં ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરાયો હોવાના અહેવાલો છે. જનરલ એસવીઆરના દાવા મુજબ રવિવારે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેને ઉધરસ અને ગૂંગળામણ પણ શરૂ થઈ ગઈ હતી.
• ઇઝરાયલ 10 હજાર ભારતીયોને નોકરી આપશેઃ હમાસના આતંકી હુમલા પછી ઇઝરાયલમાં પેલેસ્ટાઇનના લોકો નીકળી ગયા છે. આવા તબક્કે ઇઝરાયલ સરકારે ભારતીય વર્કર્સની સંખ્યા 50 હજાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જે અંતર્ગત ટૂંક સમયમાં વધુ 10 હજાર ભારતીયોને નોકરી આપવાનું શરૂ કરશે.

