ગુજરાત સમાચાર તેના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ આમ તો દર વખતે લોકોની જ્ઞાનપિપાસા પૂર્ણ કરતો આવ્યો છે., પરંતુ સોનેરી સંગતનો અધ્યાય-40 પ્રકાશક-તંત્રી સી.બી. પટેલના વડપણ હેઠળ આપણા સ્વજનોને શ્રદ્ધાંજલિ માટે સમર્પિત રાખી ‘શ્રદ્ધાંજલિ’ વિષય સાથે પ્રસ્તુત થયો.
કાર્યક્રમનું સંચાલન કરતાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજાબહેન રાવલે ચર્ચાનો વિષય જણાવતાં કહ્યું કે, જ્યારે આપણું આપ્તજન કાળે-અકાળે વિદાય લઈ લે ત્યારે જાણે કે આપણા શરીરનો એક હિસ્સો કપાઈને છૂટો પડ્યો તેવી કારમી વેદના થાય છે. આજે આપણે આ મંચ પરથી આપણા આવા જ આત્મીય સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું છે.
કાર્યક્રમની ચર્ચાની શરૂઆતમાં જ માયાબહેન દીપકના સ્વરે ‘હે...રામ’ ભજન સાંભળ્યા બાદ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના વાંચકો દ્વારા તેમના દિવંગત આપ્તજનોને શ્રદ્ધાંજલિ આપવા મોકલવામાં આવેલા સંદેશા અને ફોટો પ્રસ્તુત કરાયા હતા. જેમાં પિતા ભૂપતભાઈ પારેખ અને માતા સરલાબહેનને પુત્ર ડો. ભાવેશભાઈ અને તેમના પરિવાર તરફથી સુંદર સંદેશ સાથે શ્રદ્ધાંજલિ પાઠવાઈ. જે બાદ પુરુષોત્તમભાઈ આઇ. પટેલને આશાબહેન પટેલ દ્વારા શ્રદ્ધાંજલિ સંદેશ અપાયો.
આ શ્રદ્ધાંજલિ સભામાં 8 મહિનાની જીવનસફરે જ ઇશ્વરચરણે ગયેલા બેબી રિયાન ગોપાલને પણ તેમના દાદા અને હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સના ફાઉન્ડર મેમ્બર રમેશભાઈ દ્વારા તેમના પૌત્રને શ્રદ્ધાંજલિ આપતો સંદેશ પાઠવાયો હતો.
સિટીબોન્ડ ફેમિલી અને એબીપીએલ ગ્રૂપે ટૂર ગાઇડ અલ્પાબહેન શાહને શ્રદ્ધાંજલિ આપી. જે બાદ કમળાબહેન જશભાઈ પટેલ, લીનાબહેન નાથુભાઈ પટેલને તેમના પરિવારે શ્રદ્ધાંજલિ પાઠવી.
કાર્યક્રમમાં આગળ જતાં 6 મહિના પહેલાં જ વિદાય લેનારાં મૃદુલાબહેન રાજેન્દ્રકુમાર જાનીને તેમનાં પુત્રી પૂજાબહેન અને ડેન્માર્કથી પૌત્ર શાર્દુલ દવે સુંદર ભજન દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. આ નિમિત્તે શાર્દુલે નાનીને પસંદ એવું ‘માને તો મનાવી લેજો રે...’ ભજન પ્રસ્તુત કર્યું હતું.
જે બાદમાં નગીનદાસ મનસુખલાલ ખજુરિયાને શ્રદ્ધાંજલિ બાદ જગદીશભાઈ દવે દ્વારા પ્રફુલ્લભાઈ દવેને શ્રદ્ધાંજલિ આપતાં સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં હંસાબહેન લલિતકુમાર પટેલ, મધુબહેન જશભાઈ પટેલ, શારદાબહેન ભાઈલાલભાઈ પટેલને ગુજરાત સમાચાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. જે બાદ નવનાત ભવનના પૂર્વ પ્રેસિડેન્ટ જયંતીલાલ જીવરાજભાઈ મહેતાને તેમના પુત્ર ચંદ્રકાંતભાઈ મહેતા અને ગુજરાત સમાચાર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જ્યોત્સનાબહેન શાહે આ પ્રસંગે જણાવ્યું કે, દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપતાં હૈયું ભરાઈ જાય છે. આ દરમિયાન જ્યોત્સનાબહેને તબલાંવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન અને ગુજરાતી સુગમસંગીતના બેતાજ બાદશાહ સુરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ્યોત્સનાબહેને કહ્યું કે, સૂરીલા અને પહાડી અવાજની કુદરતી દેન ધરાવતા મારા પતિ ડી.આર. શાહે જો કરિયર તરીકે સંગીતને સ્વીકાર્યું હોત તો તેમની ગણના સંગીત જગતમાં ઉસ્તાદ તરીકે જ થતી હોત. તેમના કારણે જ તેમને શ્રદ્ધાંજલિ આપતું પુસ્તક ‘તમારા વિનાનું સર્જન’ શક્ય બન્યું. આ સિવાય ‘તમારા વિનાનું સર્જન’ પુસ્તકના પ્રકાશક ઉમંગ પબ્લિકેશનના પબ્લિશર ચંદ્રકાંતભાઈ ખત્રીને અંજલિ અર્પું છું.
જ્યોત્સનાબહેન દ્વારા શ્રદ્ધાંજલિ બાદ કોકિલાબહેન પટેલે કહ્યું કે, આજે આપણે આપણા સદગતોને શ્રદ્ધાંજલિ આપવા એકત્ર થયા છીએ, ત્યારે ગુજરાત સમાચારના તંત્રી-પ્રકાશક સી.બી. પટેલનાં માતા કમળાબહેન બાબુભાઈ પટેલની આજે યાદ કરવાં પડે, કારણ કે આજે જ એમની પુણ્યતિથિ છે. વહાલના દરિયાસમાન કમળાબાને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ગુજરાત સમાચાર પરિવારના અન્ય કેટલાક સભ્યોએ પણ ચીરવિદાય લઈ લીધી છે. વિષ્ણુભાઈ, જનાર્દનભાઈ ખૂબ ઉદાર દિલના હતા, જેઓ પરિવારને રડતા મૂકી ઇશ્વરધામ ભણી ચાલ્યા ગયા. આ જ પ્રમાણે સી.બી. પટેલના હસમુખા ભત્રીજા મુગટ વિષ્ણુભાઈ પટેલ પણ અકાળે પરલોક સિધાવ્યા. આ સાથે પુષ્પાબહેન અને સરોજબહેનના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા મહેન્દ્રભાઈ અને હસમુખભાઈને કેમ ભૂલી શકાય. ગુજરાત સમાચારમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા મહેન્દ્રભાઈ અને રસિકભાઈને આપણે સ્મરણાંજલિ આપીએ છીએ. કોકિલાબહેને આ પ્રસંગે પુષ્પાબહેન અને સરોજબહેનનાં આનંદિત સ્વભાવનાં મોટાં બહેન સુશીલાબહેન અને તેમના પતિ પ્રફુલ્લકુમારને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.
ગુજરાત સમાચાર સાથે જોડાયેલા અને હાસ્ય કલાકાર ભાનુભાઈ પંડ્યા, કવિશ્રી પંકજભાઈ વોરાના અનુદાનને પણ ભૂલી શકાય તેમ નથી, તેમને પણ ગુજરાત સમાચાર દ્વારા ભાવપૂર્ણ અંજલિ. ગુજરાતી રંગભૂમિનાં કલાકાર ઉષાબહેન પટેલે પણ હાલમાં જ આપણી વચ્ચેથી માયા સંકેલી લીધી છે, તેમને પણ મારા અંજલિભર્યા નમન.
આ સિવાય કોકિલાબહેને જનકભાઈ પટેલ, સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ અમીન, ડી.આર. શાહ, મારા પથદર્શક ડો. ઉમેદભાઈ પટેલ, હેમુભાઈ, સંધ્યાબહેન પટેલનાં પુત્રી પાયલ પટેલ, ભૂપતભાઈ પારેખ અને માયાબહેન દીપકના પિતાશ્રી વિનોદભાઈ અમથાભાઈ પટેલને યાદ કરી અંજલિ આપી હતી. કોકિલાબહેને આ પ્રસંગે તેમનાં માતુશ્રી કાશીબા, બહેન સુમનબહેન અને કુસુમબહેનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.
પૂજાબહેન રાવલ દ્વારા ગુજરાત સમાચારના ઓપરેશનલ મેનેજર શ્રીજિતભાઈ રાજનનાં માતાસમાન મામી વિમળાબહેન મદનનને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમનું સમાપન કરતાં સી.બી. પટેલે માયાબહેન દીપકના પિતા વિનોદભાઈ અમથાભાઈ પટેલને ભાવાંજલિ આપતાં કહ્યું હતું કે, વિનોદભાઈ હું તમને ભલે મળ્યો નથી, પરંતુ તમારાં પુત્રી માયાબહેન વર્ષોથી મારા દીકરીસમાન રહ્યાં છે. તેઓ તેમના પરિવારની સેવા કરે છે અને સંગીતના માધ્યમથી દેશ-દેશાવર સુધી નામના મેળવી રહ્યાં છે. વિનોદભાઈએ નાની ઉંમરે જ આપણો સાથ છોડ્યો, પરંતુ તેમણે સ્કૂલ અને કોલેજમાં જે રીતે કામ કર્યું તે સરાહનીય છે. માયાબહેનનાં માતુશ્રી મંગળાબહેને ગતવર્ષે જ વતનમાં લાખો રૂપિયાના ખર્ચે વિનોદભાઈની સ્મૃતિમાં એક ભવ્ય ઇમારત બંધાવી છે. વિનોદભાઈ આપનાં પત્ની, પુત્રી, જમાઈ અને પરિવાર દ્વારા ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે, આપને અમારાં વંદન.
આપણા માટે શ્રદ્ધાનો આશરો એ ભગવાનનું નામ છે. આજે નામી-અનામી અનેક હુતાત્માઓને આપણે યાદ કર્યા. ગુજરાત સમાચારની જ્યારે મારા પર જવાબદારી આવી ત્યારના મારા સાથી રસિકભાઈ એમ. પટેલને મારે યાદ કરવા જ પડે.

